ખત્રી, હીરાલાલ

January, 2010

ખત્રી, હીરાલાલ (જ. 1906, અમદાવાદ; અ. 23 એપ્રિલ 1991, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી પૉર્ટ્રેટ-ચિત્રકાર. વ્યવસાયે ખત્રી હતા એટલે કસબ અને કૌશલ્યના સંસ્કાર લોહીમાં વણાયેલા હતા. તેમના પિતા વણાટમાં પાવરધા હતા અને સાળ પર સીધી જ ડિઝાઇન ઉતારતા હતા. 1920-21માં તેમણે ચિત્રની ગ્રેડ-પરીક્ષાઓ આપી એ જ અરસામાં પિતાએ શેરસટ્ટામાં ખૂબ પૈસા ગુમાવ્યા એટલે બધું છોડીને હીરાભાઈએ કમાવા નીકળવું પડ્યું. જાણીતા પેન્ટર ઠાકર અને રાવળની કંપનીમાં રોજના રૂપિયા દોઢથી સાઇનબોર્ડ-પેન્ટર તરીકે શરૂઆત કરી. પછી પરીખ સ્ટુડિયોમાં જોડાયા અને ત્યાં અનેક પશ્ચિમી કલાકારોની કલાશૈલીની જાણકારી મેળવવાની તક મળી. 1929માં કમાવા માટે હૂબલી ગયા અને પાછા આવ્યા. વચગાળામાં એમ. વાડીલાલની કંપનીમાં કામ કર્યું. મોટા કદનાં ચિત્રો કરનાર કલાકાર નાનાલાલ જાની પાસેથી જોઈ જોઈને ઘણું શીખેલા. આમ કોઈને પ્રત્યક્ષ ગુરુપદે સ્થાપ્યા વિના સ્વયંસાધના અને સખત પરિશ્રમ વડે તેમણે સિદ્ધિ મેળવી હતી.

1934માં તેમણે ઠાઠવાળો એક સ્ટુડિયો તૈયાર કર્યો જ્યાં તેમણે કોઈ પશ્ચિમના કલાકારને છાજે એવો રુઆબ, એવો માહોલ અને એવું વ્યક્તિત્વ ઉપસાવ્યાં હતાં. સાથોસાથ તેમનું કામ પણ એવું જ પરિપૂર્ણ હતું. સ્ટુડિયોમાં તેમણે આર્ટ ગૅલરી ઊભી કરી હતી; અમદાવાદની કદાચ એ સર્વપ્રથમ આર્ટ ગૅલરી હતી, પણ કમનસીબે 1940નાં કોમી રમખાણોમાં તે નાશ પામી. એ સાથે કેટલીય કીમતી કલાસામગ્રી નષ્ટ થઈ, પણ હિંમત હાર્યા વિના હીરાલાલે રતનપોળના નાકે નવેસર બીજો સ્ટુડિયો ઊભો કર્યો જે અમદાવાદના જાહેર જીવનમાં ખત્રી સ્ટુડિયોના નામે પ્રતિષ્ઠા પામ્યો.

હીરાલાલ ખત્રી

લાંબી કલા-કારકિર્દી દરમિયાન તેમણે અસંખ્ય પૉર્ટ્રેટ અને તૈલચિત્રો તૈયાર કર્યાં. તેમના મૂલ્યવાન પ્રદાન તરીકે સ્વામીનારાયણ સંપ્રદાય માટેનાં ચિત્રો, ગાંધીઆશ્રમ ખાતેની ગાંધી ચિત્રાવલી, ગાંધીજીની દાંડીકૂચનું ચિત્ર, હરિપુરા કૉંગ્રેસનાં ચિત્રો; ગાંધીજી, સરદાર, માવલંકર જેવા રાષ્ટ્રીય નેતાઓનાં પૉર્ટ્રેટ મુખ્ય છે.

હીરાભાઈ ચામડીના રંગ અને પોતને ઉઠાવ આપીને ચીતરવામાં નિષ્ણાત હતા. ચિત્રવિષય બનનાર માનવીનું મન પણ જાણે તેઓ વ્યક્ત કરી શકતા. તેમની પીંછી બહુ જ સ્ફૂર્તિથી કામ કરતી; જાણે આપોઆપ દોડી જતી હોય. રંગોને તે પૅલેટ પર ઘૂંટવા કે મેળવવાને બદલે સીધા જ કૅન્વાસ પર મેળવી લેતા. તેમની પાસે પશ્ચિમની કલારીતિનો વારસો અને તૈલચિત્રોની આગવી તકનીક હતાં.

બૉમ્બે આર્ટ સોસાયટી; એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સ, કૉલકાતા, મહારાષ્ટ્ર આર્ટ ઍસોસિયેશન, પુણે; નાગપુર સ્કૂલ ઑવ્ આર્ટ; નૉર્ધર્ન ઇન્ડિયા આર્ટ ઍક્ઝિબિશન, લુધિયાણા; મૈસૂરી દશેરા આર્ટ એક્ઝિબિશન; ઇન્ડિયન એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સ, અમૃતસર તથા ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તરફથી તેમને ઇનામો મળેલાં છે. દિલ્હીની ઑલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ સોસાયટીએ રાષ્ટ્રના 60 વર્ષ ઉપરના કલાકારોનું સન્માન કર્યું તેમાં હીરાભાઈનો પણ સમાવેશ કરાયો હતો. 1985માં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીએ તથા 1989માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને તેમનું બહુમાન કર્યું હતું. ‘જ્યોતિદર્શન’ નામનો તેમનાં રંગીન ચિત્રોનો સંપુટ પ્રગટ થયો હતો તે આજે અપ્રાપ્ય છે.

નટુભાઈ પરીખ