ખડકો : ભૂપૃષ્ઠના બંધારણમાં જોવા મળતા પાષાણો. કુદરતી રીતે બનેલા એક કે વધુ ખનિજોના સામૂહિક જથ્થાને ખડક કહે છે. દેવમંદિરો, દેવળો, મકબરા કે ઇમારતોમાં જોવા મળતો આરસપહાણ; મકાનોની અંદર કે આંગણામાં તેમજ શહેરની ફૂટપાથોમાં જડેલી લાદી; ચટણી લસોટવાના ખલદસ્તા કે ઘંટિયા પથ્થરો; લખવાની સ્લેટ; ડામરના રસ્તા બનાવવામાં કે ધાબાં ભરવામાં વપરાતી ગ્રિટ કે કપચી – આ બધાય જુદા જુદા પ્રકારના ખડકો જ છે. જેને પથ્થર કહેવામાં આવે છે તે વિજ્ઞાનની ભાષામાં ખડક કહેવાય છે. ખડક હંમેશાં સખત જ હોય એવું નથી, ખડક નરમ કે પોચો હોઈ શકે છે; જેમ કે મહીકાંઠાનાં કોતરોમાં જોવા મળતા રેતી, માટી કે કાંપના ટેકરા.
ભૂપૃષ્ઠમાં મુખ્ય ત્રણ પ્રકારના ખડકો જોવા મળે છે : અગ્નિકૃત, જળકૃત અને વિકૃત. પૃથ્વીના પોપડાની અંદર, અનેક પ્રકારનાં બળો સતત કાર્ય કરતાં હોય છે, તેમાં જ્યારે સમતુલા ન જળવાય ત્યારે ભૂકંપ થવાની કે જ્વાળામુખી ફાટવાની ક્રિયા થાય છે, લાવારસ બહાર આવે છે. આ લાવા બહાર નીકળે તો ઠરીને બેસાલ્ટ કે તેના જેવા ખડકો તૈયાર કરે છે, જો બહાર ન નીકળે તો તે ભૂરસ, જેને મૅગ્મા કહેવાય, તે પેટાળમાં જ ઠરે છે અને ગ્રૅનાઇટ કે તેના જેવા ખડકો બનાવે છે. આવા ખડકો બનવામાં, તાપમાન મુખ્ય ભાગ ભજવતું હોવાથી, આ પ્રકારના ખડકો અગ્નિકૃત ખડકો તરીકે ઓળખાય છે.
સપાટી પર વહેતી નદીઓ અથવા જોશબંધ ફૂંકાતો પવન, ભૂપૃષ્ઠના ખડકો પર ઘસારાનું કાર્ય કરે છે, પરિણામે ટનબંધ રેતી, માટી, કાંપ, વગેરે ઘસડાઈને સમુદ્ર-મહાસાગરોના તળ ઉપર તેના થર ઉપર થર જામતા જાય છે. આ રીતે બનતા ખડકો પ્રસ્તર ખડકો કે જળકૃત ખડકો કહેવાય છે. રેતીખડક, ચૂનાખડક, મૃદખડક એનાં ઉદાહરણો છે.
અગ્નિકૃત કે જળકૃત ખડકો ઉપર અત્યંત તાપમાન કે દબાણની તેમજ મોટા પાયા પરનાં હલનચલનનાં બળોની અસર થાય તો તેમાંથી નવા જ પ્રકારના જે રૂપાંતરિત ખડકો તૈયાર થાય છે તે વિકૃત ખડકો કહેવાય છે. આરસ, સ્લેટ, ક્વાર્ટ્ઝાઇટ વગેરે આ પ્રકારના ખડકો ગણાય છે.
જુદા જુદા પ્રકારના ખડકો, તેમનાં પ્રાપ્તિસ્થાનો અને ઉપયોગો વિશે માહિતી નીચે મુજબ છે :
ગ્રૅનાઇટ અને એના જેવા અન્ય અગ્નિકૃત ખડકો, ગ્રૅનાઇટને નામે વેચાય છે. તે વિવિધ રંગોમાં મળતા હોવાથી તેમને પૉલિશ કરીને સુશોભનહેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે. દિલ્હીમાં સ્વ. લાલબહાદુર શાસ્ત્રીની સમાધિમાં પૉલિશ કરેલો ગ્રૅનાઇટ જ વાપરેલો છે. આવા ગ્રૅનાઇટ ખડકો દક્ષિણ ભારતમાં પુષ્કળ મળે છે. ત્યાંનાં દેવમંદિરોમાં અને મોટાં સ્થાપત્યોમાં વપરાયેલો ખડક આ ગ્રૅનાઇટ છે. કેટલાંયે વર્ષો અગાઉ એ બંધાયાં હોવા છતાં પણ, હજીયે એવાં ને એવાં, નવાં જ બનાવેલાં હોય એવાં લાગે છે, તે આ ગ્રૅનાઇટની મજબૂતાઈ અને ટકાઉપણાની સાક્ષી પૂરે છે. ગુજરાતમાં ઈડર, અંબાજી-ગબ્બર, બાલારામ, ગોધરાના વિસ્તારોમાં ગ્રૅનાઇટ જોવા મળે છે. માઉન્ટ આબુ, મધ્ય હિમાલયના વિસ્તારો પણ ગ્રૅનાઇટ ખડકના બનેલા છે.
ડામરના રસ્તાઓ બનાવવામાં કે મકાનોનાં ધાબાં તેમજ થાંભલા ભરવામાં કાળા રંગની કપચી કે ગ્રિટ વપરાય છે. તે લાવામાંથી બનેલા, બેસાલ્ટ નામના અગ્નિકૃત ખડકની હોય છે. ગ્રૅનાઇટ કરતાં પણ તે વધુ મજબૂત હોય છે. પાવાગઢ કે શેત્રુંજો, મહાનગર મુંબઈની તળભૂમિ, સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યનો ભૂમિપ્રદેશ, સાતપૂડા અને સહ્યાદ્રિ પર્વતવિસ્તારો, સૌરાષ્ટ્ર અને કચ્છનો મધ્યભાગ બેસાલ્ટ કે એના જેવા ખડકોથી બનેલા છે. હાલોલ અને પાવાગઢની વચ્ચે કપચી – ગ્રિટ બનાવવાનાં ઘણાં કારખાનાં છે. દખ્ખણનો લાવાનો ઉચ્ચપ્રદેશ, કોંકણપટ્ટી, સૌરાષ્ટ્ર-કચ્છની મધ્યમાં આવેલી કપાસની કાળી માટીની જમીન – આ બધું બનવામાં આ ખડકોએ ભાગ ભજવેલો છે. મુંબઈની કોટ વિસ્તારની ઘણી ઇમારતો ટ્રેકાઇટ નામના અગ્નિકૃત-બહિર્ભૂત ખડકોમાંથી બનેલી છે. એ જાણીને નવાઈ લાગશે કે આ ખડકો આજથી લગભગ 6 કરોડ વર્ષ પૂર્વે બનેલા છે.
અમદાવાદની તમામ મસ્જિદો, તેના કોટના બધાય દરવાજા, ગુજરાત યુનિવર્સિટીની ઇમારત, દિલ્હીનો લાલ કિલ્લો તેમજ અન્ય મોટી ઇમારતો, ફતેહપુર-સિક્રીની મોગલ ઇમારતો, જયપુરનો હવામહેલ રેતીખડકમાંથી બાંધેલાં છે. અમદાવાદની જગપ્રખ્યાત સીદી સઈદની કોતરણીવાળી જાળી તેમજ ગોમતીપુર-કાળુપુર પાસેના ઝૂલતા મિનારા પણ રેતીખડકમાંથી જ બનાવેલા છે. ઘંટિયા પથ્થરો તેમજ ખલદસ્તા પણ તેમાંથી જ બને છે. ભારતભરમાં અને ગુજરાતમાં રેતીખડકો ઘણે ઠેકાણે મળે છે. ગુજરાતમાંના ધ્રાંગધ્રા અને હિંમતનગરના રેતીખડકો બાંધકામ માટે વધુ જાણીતા છે.
ચૂનો કે સિમેન્ટ જેમાંથી બનાવાય છે તેનું નામ છે ચૂનાખડક – લાઇમસ્ટોન. ભારતમાં લગભગ બધાં રાજ્યોમાં તે મળે છે, તેથી સિમેન્ટનાં કારખાનાં ઘણે ઠેકાણે છે. સૌરાષ્ટ્ર-કચ્છની કિનારાપટ્ટી ચૂનાખડકની બનેલી છે. સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લાઓમાં ચૂનાખડકના પુષ્કળ જથ્થા છે. સોમનાથનું શિવમંદિર ચૂનાખડકમાંથી બનાવેલું છે. એના જેવો જ બીજો ખડક ડોલોમાઇટ છે. છોટાઉદેપુરમાં તે મોટા પ્રમાણમાં મળે છે. ત્યાંનાં કારખાનાંઓમાં તેને પીસીને, ચૂર્ણ બનાવીને ઉપયોગમાં લેવાય છે. બજારમાં મળતો ક્લીનિંગ પાઉડર ડોલોમાઇટમાંથી બને છે.
ખંભાતનો અકીક-ઉદ્યોગ ખૂબ જાણીતો છે. આ અકીકના ગોળ કાંકરા પણ જળકૃત ખડકની જ પેદાશ છે. તેમાંથી જાતજાતની સુશોભન તેમજ આલંકારિક ચીજો બને છે. આવા ખડકો રાજપીપળાના ઝઘડિયા વિસ્તારમાં આવેલા છે.
ક્વાર્ટ્ઝ નામની કાંડાઘડિયાળો બજારોમાં મળે છે. કુદરતમાં ક્વાટર્ઝ નામનું ખનિજ મળે છે. તેના ગોળ કાંકરા ઉપર ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ કરીને તેની સૂક્ષ્મ પતરીઓ બનાવી, તેનો ટ્રાન્ઝિસ્ટર્સ સ્વરૂપે ઉપયોગ થાય છે.
કોલસો અને પેટ્રોલ તેમજ કુદરતી વાયુ જેવાં કુદરતી ઇંધનો પણ જળકૃત ખડકની જ પેદાશ છે. પ્રાણી કે વનસ્પતિના જીવાવશેષો પણ જળકૃત ખડકોમાં જ મળે છે.
વિકૃત ખડકો પૈકી આરસ, ફિલાઇટ અને સ્લેટ નામના ખડકો વધુ વપરાય છે. સ્લેટ અને ફિલાઇટ એક જેવા જ હોવાથી તેમને જરૂરિયાત મુજબ કાપીને થાંભલા કે ગર્ડરના ઉપયોગમાં લેવાય છે. રાજસ્થાનમાં તે ખૂબ જ પ્રમાણમાં ઉપલબ્ધ હોઈ વપરાય છે. આ ખડકો અરવલ્લી પર્વતોમાંથી મળી રહે છે. આખાયે ઉદયપુર શહેરની બાંધણી ફિલાઇટ ખડકોથી થયેલી છે. આરસપહાણ જુદા જુદા રંગોમાં મળતો હોવાથી મૂર્તિઓ, કોતરકામ, દીવાલો, ફરસ વગેરે બનાવવામાં તે ઉપયોગમાં લેવાય છે. ઝીણા દાણાવાળા આરસ કોતરકામમાં કે મૂર્તિઓ માટે, જ્યારે મોટા દાણાવાળા આરસ અન્ય સુશોભનના હેતુઓ માટે વપરાય છે. આગ્રાનો તાજમહાલ અને દયાલબાગ, માઉન્ટ આબુનાં દેલવાડાનાં દેરાંની કોતરણીથી કોણ અજાણ્યું છે ? જોધપુર પાસેના મકરાણાનો આરસ, શ્રીનાથજી-કાંકરોલી વચ્ચે મળતો આરસ, જબલપુર પાસે નર્મદા નદીનો આરસ, વડોદરા પાસે મોતીપુરા-છુછાપુરાનો આરસ, તેમજ અંબાજી પાસે કુંભારિયાનો આરસ જાણીતા છે.
હીરા, માણેક, નીલમ, પોખરાજ જેવાં કીમતી નંગ; સ્ટેનલેસ સ્ટીલ, ઍલ્યુમિનિયમ, તાંબું, જસત, ચાંદી, સોનું કે પ્લૅટિનમ જેવી ધાતુઓ તેમજ અણુબળતણ માટેનાં ખનિજો છેવટે તો જુદા જુદા પ્રકારના ખડકોની જ પેદાશ છે. એ રીતે આપણી રોજબરોજની નાનીમોટી જીવનજરૂરિયાતની ચીજો એક યા બીજા સ્વરૂપે આખરે તો ધરતીના ખડકોની જ ફલશ્રુતિ છે.
ગિરીશભાઈ પંડ્યા