ખગાશ્વ (Pegasus) : આકાશના ઉત્તર ગોળાર્ધમાં દેવયાની અને હંસ તારામંડળોની નજદીક આવેલું એક મોટું તારામંડળ. આ તારામંડળના ત્રણ અને દેવયાની તારામંડળના એક તારા વડે બનતા મોટા ચોરસ દ્વારા આ તારામંડળ સહેલાઈથી ઓળખાઈ આવે છે. આ ચોરસને અંગ્રેજીમાં પેગાસસનો મોટો ચોરસ (great square of Pegasus) કહે છે, ભારતમાં તેને ભાદ્રપદાનો ચોરસ કહે છે.
પ્રાચીન ભારતીય સાહિત્યમાં ભાદ્રપદાને ‘પ્રૌષ્ઠિપદા’ પણ કહ્યું છે. ભાદ્રપદાનો અર્થ ‘સુંદર’ યા ‘શુભ પગ’, અને ‘પ્રૌષ્ઠિપદા’નો અર્થ છે ‘ચાર પાયાવાળી બેઠક’ યા સ્ટૂલ. ભાદ્રપદાના બે ભાગ પાડવામાં આવેલા છે : પૂર્વા-ભાદ્રપદા અને ઉત્તરા-ભાદ્રપદા. ઉત્તર તરફ મોં કરીને ભાદ્રપદાના ચોરસને જોઈએ તો એની ડાબી (અર્થાત્, પશ્ચિમ) તરફના બે તારાને સંયુક્તપણે ‘પૂર્વા-ભાદ્રપદા’ નક્ષત્ર નામ આપવામાં આવેલું છે, જ્યારે જમણી (અર્થાત્, પૂર્વ) તરફના બે તારાઓનું સંયુક્ત નામ ‘ઉત્તરા-ભાદ્રપદા’ નક્ષત્ર છે. આ નામકરણ તેમના ઊગવાને કારણે આપવામાં આવેલું લાગે છે, કારણ કે ઊગતી વખતે પૂર્વા-ભાદ્રપદાના બે તારાઓ ક્ષિતિજથી પહેલાં ઉપર આવે છે, જ્યારે ઉત્તરા-ભાદ્રપદાના બે તારાઓ પાછળથી ઊગતા હોઈ, થોડા સમય બાદ ક્ષિતિજથી ઉપર આવે છે. ભાદરવા માસનું નામ આ નક્ષત્ર ઉપરથી પડેલું છે.
ભાદ્રપદાના ચોરસ અને એની ડાબી બાજુના તારાઓ, અર્થાત્, પૂર્વા-ભાદ્રપદાની ડાબી બાજુના તારાઓને ધ્યાનમાં લઈને પ્રાચીન ગ્રીક લોકોએ એમાં પાંખોવાળા એક ઘોડાની કલ્પના કરી છે, જેનું શીર્ષ નજદીકમાં આવેલી કુંભ રાશિ તરફ આવેલું છે. આ શ્વેતરંગી ઊડણઘોડો તે પેગાસસ. ભાદ્રપદાનો ચોરસ, (i) અશ્વજીન (મરકબ) એટલે કે આલ્ફા, (ii) અશ્વપાદ (scheat) એટલે કે બીટા, (iii) અશ્વપક્ષ (અલજેનિબ) એટલે કે ગૅમા અને અને (iv) અલ્ફેરાટ્ઝ નામના તારાઓ વડે બનેલો છે. આ પૈકીનો અલ્ફેરાટ્ઝ તારો એંડ્રોમિડા એટલે કે દેવયાની તારામંડળનો આલ્ફા તારો છે. એટલે કે આલ્ફા એંડ્રોમિડી છે.
ભાદ્રપદાના ચોરસ દ્વારા પેગાસસનું શરીર બને છે. આ ચોરસના ઉપરના, આકાશી વિષુવવૃત્ત તરફના યા મીન તારામંડળ તરફના મરકબ અને અલજેનિબ નામના બે તારાઓ આ ઘોડાની પીઠ છે તો મરકબ તારા સાથે સંકળાયેલા પશ્ચિમ તરફના ત્રણેક તારાઓ આ ઘોડાની ડોક છે અને એમાંનો ઇપ્સિલોન અથવા એનિફ નામનો તારો આ ઘોડાની આંખ યા મુખ છે. અને એટલે આ તારાને ‘ખગાશ્વ(અશ્વ)-મુખ’ એવું નામ આપવામાં આવેલું છે.
ઈ. સ. 140ની આસપાસ ટૉલેમીએ 48 તારામંડળોની જે યાદી બનાવેલી તેમાં પણ આ તારામંડળનો સમાવેશ કરેલો જોવા મળે છે. એમાં પણ તેનો ઉલ્લેખ ‘પાંખોવાળા ઘોડા’ તરીકે જ કરેલો છે. એના પરથી જ આરબ ખગોળવેત્તાઓએ આ તારામંડળને ‘અલ્ ફરસ’ અર્થાત્ ‘ઘોડો’ એવું નામ આપ્યું છે. જોકે આરબોએ ભાદ્રપદાના ચોરસને ‘અલ્-દલ્વ’ (જળકુંભ) કહ્યો છે. વળી, પશ્ચિમ એશિયાના ઘણા દેશોમાંથી પાંખોવાળા ઘોડાનાં પ્રાચીન શિલ્પો તેમજ ઈ. પૂર્વે 4થી સદીના સિક્કાઓ કે એ કાળની મુદ્રાઓ ઉપર પણ પાંખોવાળા ઘોડા જોવા મળે છે. આ બધું સૂચવે છે કે આ તારામંડળની જાણ પ્રાચીન સમયના લોકોને હોવી જોઈએ.
ગ્રીક પુરાણકથાનુસાર જ્યારે પર્શ્યુઅસ નામના નરવીરે મેડુસા નામની રાક્ષસીનું માથું કાપી નાખ્યું ત્યારે કેટલુંક લોહી સમુદ્રમાં પડીને ફીણ સાથે ભળ્યું અને એમાંથી એક સફેદ પાંખોવાળો સુંદર ઘોડો પેદા થયો. આ ઘોડો તે પેગાસસ. એની સુંદરતા અને પરાક્રમોથી દેવી મિનર્વા પ્રભાવિત થયાં. વળી આ પાણીદાર ઘોડો બેલેરોફોન નામના યુવાન વીરને લોકોપયોગી કાર્યો કરવામાં ખૂબ મદદરૂપ નીવડેલો. આથી દેવ જ્યુપીટરે પેગાસસ ઘોડાને આકાશમાં તારામંડળરૂપે સ્થાન આપ્યું.
આ તારામંડળ સંબંધી ભારતમાં કોઈ અનુશ્રુતિ જાણમાં નથી અને આ તારામંડળમાંના તારાઓનાં નામો ભારતીયોએ પાશ્ચાત્યો કે આરબો પાસેથી બહુધા ઉછીનાં લીધેલાં છે. પરંતુ એને સમુદ્રમંથનમાંથી નીકળી આવેલાં ચૌદ રત્નોમાંનો ‘ઉચ્ચૈ:શ્રવા’ નામનો ઘોડો કહી શકાય. આ ઊડણઘોડાનું બીજું વધુ પ્રચલિત અને શાસ્ત્રીય નામ તે ‘ખગાશ્વ’. આ ઘોડાનું માત્ર શીર્ષ સાથેનું પાંખો જોડેલું અડધું શરીર જ દેખાતું હોઈ તેને ક્વચિત્ ‘મહાશ્વ’ કે ‘હય’ એટલે ઘોડો એવા અર્થને કારણે ‘હયશિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તારામંડળ એક ચાવીરૂપ તારામંડળ છે, કારણ કે એની મદદથી આસપાસનાં સહેજ ઓછાં આકર્ષક તારામંડળ શોધી શકાય છે. આ ઉપરાંત આ તારામંડળનું બીજું પણ એક મહત્વ છે. અલ્ફેરાટ્ઝ (યા ગોપ) અને અલજેનિબ(અશ્વપક્ષ)ને જોડતી રેખા, એ બંને વચ્ચેના અંતર જેટલી જ દક્ષિણ તરફ લંબાવીએ તો ત્યાં એક અતિ મહત્વનું ખગોલીય બિંદુ આવે છે, જેને વસંતસંપાત (spring equinox) કહે છે. આ બિંદુએ આકાશી વિષુવવૃત્તને ક્રાંતિવૃત્ત (ecliptic) છેદે છે. 21/22મી માર્ચે જ્યારે સૂર્ય આ બિંદુએ પહોંચે છે, ત્યારે પૃથ્વી પર દિવસ અને રાતની લંબાઈ એકસરખી થાય છે.
વળી, બીટા યા અશ્વપાદ (scheat) અને આલ્ફા યા અશ્વજીન તારાને જોડતી રેખા એટલે કે પૂર્વા-ભાદ્રપદાને જો દક્ષિણ તરફ લંબાવીએ તો યામમત્સ્ય તારામંડળનો ચળકતો તારો મીનાસ્ય (Fomalhaut) તરત જ ઓળખી શકાય છે.
ખગાશ્વ તારામંડળમાં બીજા વર્ગના ત્રણ, જ્યારે ત્રીજા વર્ગના ચાર તારાઓ આવેલા છે. આ તારામંડળનો સહુથી ચળકતો તારો આલ્ફા નહિ, પરંતુ ઇપ્સિલોન યા ખગાશ્વમુખ (Enit) છે. આ તારાની પશ્ચિમોત્તરે, થોડે દૂર એક ગોલાવર્ત (યા સઘન) તારકગુચ્છ આવેલું છે, જે ‘મેસિયર-15’ (M.15) તરીકે ઓળખાય છે. આ ગોળાકાર તારકગુચ્છ પૃથ્વીથી 34,000 પ્રકાશવર્ષ જેટલા અંતરે આવેલું છે. બાયનૉક્યુલર્સ અને નાના ટેલિસ્કોપમાંથી જોતાં તે ધુમ્મસી ડાઘા રૂપે દેખાય છે, પરંતુ 150 મિલીમીટરના ટેલિસ્કોપમાંથી જોતાં એની ધાર આગળ આવેલા કેટલાક તારા છૂટા પડેલા જોઈ શકાય છે.
ભાદ્રપદાનો ચોરસ આકાશમાં ઘણો મોટો વિસ્તાર રોકે છે; તેમ છતાં આશ્ચર્યની વાત એ છે કે તેની અંદર નરી આંખે જોઈ શકાતા તારા લગભગ નહિવત્ છે; પરંતુ મોટા ટેલિસ્કોપ વડે જોતાં તેમાં સંખ્યાબંધ તારાઓ દેખાય છે.
સુશ્રુત પટેલ