ખગારિયા (Khagaria) : બિહાર રાજ્યનો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 30´ ઉ. અ. અને 86° 29´ પૂ. રે. વિસ્તાર : 1485.8 ચો.કિમી. તેની ઉત્તરે દરભંગા અને સહરસા, પૂર્વ તરફ માધેપુરા અને ભાગલપુર, દક્ષિણ તરફ ભાગલપુર, મુંગેર અને બેગુસરાઈ તથા પશ્ચિમ તરફ બેગુસરાઈ અને સમસ્તીપુર જિલ્લા આવેલા છે.

ખગારિયા

ભૂપૃષ્ઠજળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ ગંગાના કાંપના મેદાનથી બનેલું છે. ગંગાનદી જિલ્લાના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે. મેદાની ભૂપૃષ્ઠ નીચાણવાળું હોવાથી ત્યાં નદીના પૂરનાં પાણી ફરી વળે છે. ગંગાના કાંઠાનો દક્ષિણ ભાગ વટાવ્યા બાદ ભૂમિ ઊંચાઈવાળી બનતી જાય છે. અહીં ગંગાના પટનો ભાગ કાંપથી બનેલો ફળદ્રૂપ છે.

જિલ્લાના દક્ષિણ ભાગમાં ગંગાનદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. ખગારિયા નજીક ગંગાને બુરહી ગંડક નદી મળે છે. આ ઉપરાંત બાગમતી, તિલજુગા (કમલા) અને ઘાગરી નદીઓ આવેલી છે.

ખેતીપશુપાલન : ડાંગર, ઘઉં, મકાઈ અને કઠોળ અહીંના મુખ્ય કૃષિપાકો છે. ગાય, બળદ, ભેંસ, ઘેટાં-બકરાં અને ભુંડ અહીંનાં મુખ્ય પશુઓ છે. પશુઓની ઓલાદ ઊતરતી કક્ષાની છે. પશુદવાખાનાં, ચિકિત્સાલયોની સુવિધા છે. કૃત્રિમ ગર્ભાધાન-મથકો પણ ઊભાં કરવામાં આવેલાં છે.

ઉદ્યોગ–વેપાર : જિલ્લામાં મોટા ઉદ્યોગો નથી. નાના પાયા પરના પરંપરાગત ઉદ્યોગો કાર્યરત છે; જેમાં વાસણો, રાચરચીલું, લોખંડની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. તાજેતરનાં વર્ષોમાં મધ્યમ કક્ષાના ઉદ્યોગો વિકસાવાયા છે.

આ જિલ્લામાં કૃષિપેદાશોનો વેપાર ચાલે છે. મકાઈ અને ઘઉંની નિકાસ તથા ચોખા અને શાકભાજીની આયાત કરવામાં આવે છે.

પરિવહન : આ જિલ્લામાં રેલમાર્ગ, સડકમાર્ગ, નદી-જળમાર્ગ તેમજ હવાઈ માર્ગોની સગવડ સારી છે. ખગારિયા ખાતે હવાઈ-ઉતરાણમથક આવેલું છે. ઈશાન વિભાગીય રેલમાર્ગનો એક ફાંટો સમસ્તીપુર–ખગારિયાને જોડે છે. અન્ય એક નાનો રેલમાર્ગ સાહેબપુર કમલથી મુંગેર ઘાટ સુધી જાય છે. જિલ્લાના સડકમાર્ગો રાજ્યમાર્ગો સાથે જોડાયેલા છે.

જિલ્લામાં કેટલાંક જૂનાં મંદિરો સિવાય જોવાલાયક વિશિષ્ટ સ્થળો નથી. અહીં કાત્યાયની માતાનું મંદિર આવેલું છે. શિવરાત્રિ મેળો, દશેરા મેળો, માઘી પૂર્ણિમા મેળો જેવા મેળાઓ અહીં ભરાય છે.

કાત્યાયની માતાનું મંદિર

વસ્તી : આ જિલ્લાની વસ્તી 18,81,323 (2022) છે. અહીં મુખ્યત્વે હિન્દી ભાષા બોલાય છે. જિલ્લામાં હિન્દુ અને મુસ્લિમોની વસ્તી વિશેષ છે. અહીંની આશરે 35% વસ્તી શિક્ષિત છે. ઉચ્ચ માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા શહેરોમાં છે. એક કૉલેજ અને એક સંસ્કૃત મહાવિદ્યાલય ખગારિયા ખાતે આવેલાં છે. ગામડાંઓમાં નાનાં દવાખાનાંની સગવડ છે. ખગારિયા અને ગોગ્રી જમાલપુર ખાતે મોટાં દવાખાનાં આવેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા