ખખ્ખર, ભૂપેન (જ. 10 માર્ચ 1934, મુંબઈ; અ. 8 ઑગસ્ટ 2003, વડોદરા) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતી ચિત્રકાર. મુંબઈ યુનિવર્સિટીમાંથી 1954માં અર્થશાસ્ત્ર સાથે બી.એ. અને 1956માં બી.કૉમ. થયા. 1960માં ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑવ્ ઇન્ડિયા’માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા. 1964માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી કલા-વિવેચનાના વિષય સાથે એમ.એ. થયા. વચગાળામાં થોડો વખત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેઢીમાં નોકરી કરી પણ અંતે ચિત્રકલાના ક્ષેત્રે ઝુકાવ્યું.
1965માં મુંબઈમાં તેમનું સર્વપ્રથમ વૈયક્તિક ચિત્રપ્રદર્શન (one-man show) યોજાયું. ત્યાર બાદ અનેક વાર દેશપરદેશમાં તેમનાં ચિત્રોનાં વૈયક્તિક અને સમૂહપ્રદર્શનો યોજાતાં રહ્યાં છે. 1965માં તેમણે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી યોજિત વાર્ષિક પ્રદર્શનમાં પ્રથમ ઇનામ મેળવ્યા પછી 1967માં નવી દિલ્હી ખાતે યોજાયેલા પ્રથમ ત્રિવાર્ષિક પ્રદર્શનમાં તેમની કૃતિનો સન્માનપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો. 1976માં ભારત સરકારના સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ હેઠળ તે રશિયા ગયા. એ જ વર્ષે બ્રિટિશ કાઉન્સિલે તેમને ઇંગ્લૅન્ડ આવવાનું નિમંત્રણ પાઠવ્યું. 1979માં કોશામની બાથ એકૅડેમીએ નિવાસી કલાકાર તરીકે નિમંત્રણ આપ્યું. 1984માં ભારત સરકારે ‘પદ્મશ્રી’ના ઇલકાબ વડે સન્માન કર્યું. 1986માં ન્યૂયૉર્કની એશિયન કલ્ચર કાઉન્સિલે અમેરિકાનાં મ્યુઝિયમ તથા ગૅલરીની મુલાકાતે આવવા ફેલોશિપ આપી નિમંત્રણ પાઠવ્યું. આ ઉપરાંત દેશવિદેશમાં તેમણે અનેક કલાવિષયક પરિસંવાદ, કાર્યશાળા તથા પ્રવચનશ્રેણીમાં ભાગ લીધો છે તેમજ આયોજન પણ કર્યું છે. 1982માં તેમણે લંડનમાં યોજાયેલા ભારત ઉત્સવ દરમિયાન ટી.વી. મુલાકાત આપી હતી. 1984માં ગ્રેટ બ્રિટનની આટર્સ કાઉન્સિલે ‘મેસેજિઝ ફ્રૉમ ભૂપેન ખખ્ખર’ નામની ફિલ્મ બનાવી હતી. પૅરિસમાં પૉમ્પિદુ સેન્ટર ખાતે યોજાયેલા પ્રદર્શન દરમિયાન તેમની ટી.વી. મુલાકાત યોજાઈ હતી.
તેમણે ગુજરાતીમાં ટૂંકી વાર્તાઓ લખી છે અને તે સામયિકોમાં પ્રગટ થયેલી છે. 4 વર્ષ સુધી ગુલામ મોહમ્મદ શેખ સાથે ‘વૃશ્ચિક’ સામયિકના સહતંત્રી તરીકે રહેલ.
તેમની કલાશૈલી ઠીકઠીક વિવાદ જગવતી રહી છે. તે ‘નૅરેટિવ-પેઇન્ટિંગ’ના નામે ઓળખાય છે. ચિત્રો માટે તેઓ શહેરી મધ્યમવર્ગમાંથી પ્રેરણા મેળવતા રહેલા છે. દ્વિપરિમાણવાળાં તેમનાં ચિત્રો ચમકદાર રંગોની માવજત પામેલાં છે. ભારતમાં અને ભારત બહાર અનેક જાહેર અને ખાનગી ચિત્રસંગ્રહોમાં તેમની કૃતિઓ માનભર્યું સ્થાન પામી છે. તેમની કર્મભૂમિ બનેલા વડોદરા ખાતે તેમણે સ્થાયી થઈને સમગ્ર જીવન ચિત્રકલાની ઉપાસના માટે સમર્પિત કરેલું છે.
1960 પછી અસ્તિત્વમાં આવેલ આધુનિક ભારતનો નાગરી મધ્યમવર્ગ ભૂપેનના મોટા ભાગનાં ચિત્રોમાં કેન્દ્રસ્થાને જોવા મળે છે. ભદ્રવર્ગ હજી સુધી જેને જોઈને નાકનું ટીચકું ચડાવે તેવા તુચ્છ વિષયોને ભૂપેને પસંદ કર્યા છે; દાખલા તરીકે, ઘડિયાળ રિપૅર કરનાર ઘડિયાળીની દુકાન, જલેબી ખાતો માણસ તેમનાં બે ચિત્રો અનુક્રમે ‘જનતા વૉચ કંપની’ અને ‘જલેબી ખાતો હું’માં જોઈ શકાય છે. તેમનાં ચિત્રોમાં આલેખનકૌશલ્યનું એક પ્રકારનું આદિમતાવાદી (primitivism) અણઘડપણું (navity) જોઈ શકાય છે, જેની પાછળ કલાની પ્રશિષ્ટતા પર ઘા કરવાની તેમની નેમ જણાય છે. વળી સમકાલીન સમાજ ઉપર ઠઠ્ઠા, કટાક્ષ અને વ્યંગ્ય તેમણે વારંવાર કરેલા નજરે પડે છે. 1980 પછી તેમણે સમલૈંગિકતા(હોમોસેક્સ્યુઆલિટી)ને પણ છોછ વિના પોતાનાં ચિત્રોનો વિષય બનાવી હતી અને ફરી
ભારતીય ભદ્રવર્ગને આઘાત આપ્યો હતો; દાખલા તરીકે, તેમના ચિત્ર ‘ધ મૅન ફ્રૉમ વાસદ હૅડ ફાઇવ પેનિસિસ’માં એક પુરુષ તેનાં પાંચ ઉત્થાન પામેલ શિશ્નોનું પ્રદર્શન કરતો નજરે પડે છે. વળી તેમનાં ચિત્રોમાં પુરુષો એકબીજાના પેન્ટ અને ધોતિયામાં હાથ ઘુસાડી એકબીજાનાં શિશ્નો રમાડતા જોવા મળે છે. દેખીતી રીતે અશ્લીલ પૉર્નોગ્રાફિક આ ચિત્રો પાછળ સમાજનાં સ્થાપિત મૂલ્યો સામે ઘા કરવાનું તેમજ જે પ્રવૃત્તિ પડદા પાછળ ચાલે છે તેનો ખ્યાલ આપવાનું વલણ જણાય છે. ભૂપેનને ખુદને પોતાની સજાતીય વૃત્તિઓ કલા મારફત જાહેર કરવામાં કોઈ છોછ નહોતી. તે અને તેમના અંગત મિત્ર પાન્ડુ બંને તેમનાં ઘણાં ચિત્રોમાં સાથે દેખાય છે. ચિત્રોમાં સુંદર સૌમ્ય ચહેરાઓ ચીતરવાનું સૌષ્ઠવભર્યું/સુષ્ઠુ વલણ તેમણે પહેલેથી જ સ્વીકાર્યું નહોતું. તેમનાં ચિત્રો ‘ગુરુ જયન્તી’ અને ‘સૌને ખુશ રાખવાનું અશક્ય છે’માં સંકુલ સામાજિક-રાજકીય સંબંધોનું નિરૂપણ થયું છે. ભારતની અનુઆધુનિક કલાને ચોક્કસ દિશાસૂચન કરવાનું કાર્ય ભૂપેને કર્યું છે.
નટુ પરીખ
અમિતાભ મડિયા