ખંધડિયા, જદુરાય દુર્લભજી

January, 2010

ખંધડિયા, જદુરાય દુર્લભજી (જ. 16 મે 1899, રાજકોટ) : ગુજરાતના નોંધપાત્ર હાસ્યકાર. મૂળ વતન ભાવનગર. જાતે લોહાણા. માતાનું નામ કાશીબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભરૂચમાં લીધેલું. અભ્યાસ દરમિયાન ત્રણ વર્ષ સુધી સરકારી સ્કૉલરશિપ મેળવેલી. વધુ અભ્યાસ અર્થે વડોદરાના કલાભવનમાં જોડાયા. લંડન નૅશનલ યુનિયન ટીચર્સની પરીક્ષા કૉમર્સના વિષયો સાથે પાસ કરી. 1924માં સાહિત્ય સભાની પરીક્ષા પ્રથમ વર્ગમાં અને 1926-27માં મુંબઈ ચેમ્બર ઑવ્ કૉમર્સ તરફથી લેવાતી સાયન્ટિફિક ઍડવર્ટાઇઝિંગની પરીક્ષા માનસહિત પાસ કરી. 1929માં કૉલકાતા યંગ મેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશનના વ્યાયામવર્ગમાં પણ ફતેહ મેળવી હતી.

કિઆન ગ્વાન કું. ઇન્ડિયા લિ.માં ઍકાઉન્ટન્ટ તરીકે જોડાયેલા. અનેકવિધ પ્રવૃત્તિઓમાં એમને સક્રિય રસ હતો. તેઓ સિદ્ધાંતવાદી હતા. તેઓ વ્યાપારમાં પ્રવીણ હતા અને કાયદાનું સારું જ્ઞાન ધરાવતા હતા. કૌટુંબિક વાતાવરણમાંથી સંગીતના અભ્યાસની પ્રીતિ બંધાઈ હતી. આ સર્વમાં એમનો સાહિત્યલેખનનો શોખ ખાસ નોંધપાત્ર છે. એમના હાસ્યરસના લેખોમાં વિનોદ અને બંડખોરવૃત્તિ સાથે વિચિત્રતા પણ જોવા મળે છે. એમના સાહિત્યમાં રસિકતા સાથે અત્યુક્તિ અને સ્થૂળતા પણ રહેલી છે; પરંતુ તેમાં દંશનો અભાવ પ્રશસ્ય છે.

થોડો સમય ‘ગુણસુંદરી’ માસિકના સહતંત્રી તરીકે તેમણે સેવા આપેલી.

તેમનાં પ્રકાશિત પુસ્તકોમાં ‘દેવોને ખુલ્લા પત્રો’ (1926), ‘લોહાણા વીરોની વાતો’ (1926), ‘ઇન્ડિયન કોલફિલ્ડ્ઝ ઇન કૅમેરા’ (1925), ‘રેડી રૅકનર’ (1927), ‘હિન્દી લશ્કરનો ઇતિહાસ’ (1927), ‘9 નવી વાતો’ (1926), ‘બુદ્ધિનું બજાર’ (1926), ‘દોઢડહાપણનો સાગર’ (1927), ‘હાસ્યદર્શન’ (1927), ‘બત્રીસ લખ્ખણ’ (1934), ‘સવણિક રામાયણ’ (1936), ‘આનંદ બત્રીસી’ (1937), ‘હાસ્યપ્રકાશ’ (1943), ‘ચતુરભાભીનાં પરાક્રમો’ (1952), ‘ચતુરભાભી અને ચક્રમ મંડળ’ (1951), ‘હૃદયની રસધાર’ (1926), ‘ફૅન્સી ફારસો’ (પાંચ નાટકોનો સંગ્રહ – 1927) અને ‘વિનોદશાસ્ત્ર’ (1926)નો સમાવેશ થાય છે. ‘વિનોદશાસ્ત્ર’માં હાસ્યના સ્વરૂપની વિચારણા કરેલી છે.

રમણિકભાઈ જાની