ખંડીય છાજલી : સમુદ્રતળ-આલેખ પ્રમાણે ભૂમિ-વિસ્તાર પછી તરત જ શરૂ થતો સમુદ્રતળનો ભાગ. ખંડીય છાજલીનો ઢોળાવ પ્રમાણમાં આછો હોય છે અને તે 180 મી. ઊંડાઈ સુધી વિસ્તરેલો હોય છે, પરંતુ તેની પહોળાઈ બદલાતી રહે છે. ખંડીય છાજલી (1) સમુદ્રનાં પાણીની સપાટી ઊંચી જવાને કારણે અથવા નજીકની ભૂમિના અધોગમનને કારણે, (2) મોજાં અને પ્રવાહોની ઘસારાની ક્રિયાને કારણે તેમજ (3) નદી દ્વારા અને મોજાં દ્વારા સમુદ્રતળ ઉપર નિક્ષેપક્રિયા પામતા શિલાચૂર્ણના જથ્થાને કારણે અસ્તિત્વમાં આવે છે.

સમુદ્રમાં અમુક ઊંડાઈ સુધી સૂર્યનાં કિરણો પહોંચતાં હોવાથી અનેક પ્રકારની વનસ્પતિ ઊગે છે જેને લીધે પુષ્કળ માછલાં પોષાય છે. ખંડીય છાજલી મહાસાગરોના ઠંડા ભાગમાં હોય તો માછલીઓનું પ્રમાણ વધુ હોય છે; દા.ત., ન્યૂ ફાઉન્ડલૅન્ડ, જાપાનનો ઉત્તર કિનારો વગેરે. ખંડીય છાજલીના વિસ્તારમાંથી પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ પણ મળે છે. વાલ્વિસ બે (નૈર્ઋત્ય આફ્રિકા) જેવા વિસ્તારમાં સમુદ્રમાંથી કીમતી ધાતુઓ પણ મળે છે.

આમ ખંડીય છાજલી નવી ભૂમિ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે અને આર્થિક સમૃદ્ધિમાં વધારો કરે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે