ખંડાલાવાલા, કાર્લ જમશેદજી (જ. 18 માર્ચ 1904, નવસારી; અ. 27 ડિસેમ્બર 1995, મુંબઈ) : ભારતના વિખ્યાત કલાવિવેચક અને ભારતની સર્વોચ્ચ અદાલતના એક વરિષ્ઠ ધારાશાસ્ત્રી. પિતા જમશેદજી વડોદરા રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. તથા કાયદાની કૉલેજમાંથી એલએલ.બી. સુધીનું શિક્ષણ. 1926માં બાર-ઍટ-લૉ થવા માટે ઇંગ્લૅન્ડ ગયા અને મિડલ ટેમ્પલમાંથી બૅરિસ્ટરની ઉપાધિ પ્રાપ્ત કરી. ઇંગ્લૅન્ડના રોકાણ દરમિયાન સમકાલીન યુરોપીય કલાનો અભ્યાસ કરવાની તેમને તક મળી. ઇતિહાસના મુખ્ય વિષયમાં પ્રાવીણ્ય મેળવવાની તેમની મહેચ્છા હોવાથી તર્કશાસ્ત્ર વિષયમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ એનાયત કરવામાં આવેલ ‘સેલ્બી પ્રાઇઝ’ સ્વીકારવાની તેમણે ના પાડી હતી. ઇંગ્લૅન્ડના વસવાટ દરમિયાન કાયદાના અભ્યાસ ઉપરાંત ફુરસદનો સમય તે બ્રિટિશ મ્યુઝિયમ તથા વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં પસાર કરતા હતા. ભારતમાં પાછા આવ્યા પછી તેમણે બે તદ્દન જુદાં ક્ષેત્રો વકીલાત અને કલાના ઇતિહાસમાં ઉચ્ચ કોટિનું પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું. 1930માં મુંબઈની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી અને મુંબઈ રાજ્યના ઍડવોકેટ-જનરલ સર કેનેથ કૅમ્પના જુનિયર તરીકે કાર્ય કર્યું.
કાયદાના ક્ષેત્રે ટૂંક સમયમાં દેશના એક નિષ્ણાત ફોજદારી વકીલ તરીકે તેમણે નામના પ્રાપ્ત કરી. થોડો સમય પોતાના વિસ્તારના પ્રેસિડેન્સી મૅજિસ્ટ્રેટ તરીકે અને મુંબઈમાં સિટી સિવિલ કોર્ટ સ્થપાતાં તેના મુખ્ય ન્યાયાધીશ તરીકે કામ કર્યું. કેટલાક જાણીતા ખટલામાં તેમણે કાયદા ક્ષેત્રના ફોજદારી વકીલ તરીકે સેવા આપી હતી; દા.ત., જુપિટર ઇન્સ્યુરન્સ કંપનીના જાણીતા કપટ કેસમાં ફરિયાદી પક્ષના ખાસ વકીલની હેસિયતથી તેમણે પંડિત જવાહરલાલ નેહરુ તથા મુંબઈના ગવર્નરની ઊલટતપાસ કરી હતી અને તેનાથી આ કેસને નવી દિશા મળી હતી. તેવી જ રીતે આખા દેશમાં ખૂબ જાણીતા થયેલા આહુજા ખૂન કેસમાં તેમણે આરોપી કમાન્ડર કે. એમ. નાણાવટી વતી બચાવ પક્ષના વકીલ તરીકે કામગીરી બજાવી હતી તથા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી સામે તપાસ કરવા નિમાયેલ ‘શાહ કમિશન’ સમક્ષ સરકારી પક્ષ વતી રજૂઆત કરવા તેમની નિમણૂક થઈ હતી.
કલાક્ષેત્રે મુંબઈના વિખ્યાત પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમના ટ્રસ્ટી મંડળના તેઓ બે દાયકા કરતાં પણ વધુ સમયથી પ્રમુખ હતા. લલિત કલા અકાદમી દ્વારા પ્રકાશિત કલાપ્રકાશનો(portfolios of paintings)નું તેમણે સંપાદન કર્યું હતું. ઉપરાંત કલા સામયિક ‘માર્ગ’નાં પ્રકાશનોના સંપાદકમંડળના તેઓ સભ્ય હતા. અમેરિકાના લૉસ ઍન્જલસ નગરના કલા-મ્યુઝિયમના આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં પ્રમુખસ્થાન લેવા ભારતના કલા-ઇતિહાસના જે બે મુખ્ય જ્ઞાતાઓને ભૂતકાળમાં આમંત્રણ મળેલું તેમાં કાર્લ ખંડાલાવાલાનો સમાવેશ થાય છે. 1965માં તેમણે દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનો આપ્યાં હતાં. ‘પહારી મિનિયેચર પેન્ટિંગ્ઝ’ નામનું પુસ્તક તથા ડૉ. મોતીચંદના સહયોગમાં લખેલ ભારતીય ચિત્રકલાવિષયક પુસ્તક ભારતીય લઘુચિત્રશૈલીના અભ્યાસ માટે માર્ગદર્શક છે. તેમના ‘ભારતીય ચિત્રકલાની શૈલીઓના વિકાસ’ વિશેના ગ્રંથમાં ઘણી લોકપ્રિય કથાઓ પ્રકાશમાં આણી છે. વળી ભારતીય ચિત્રકલાને લગતી કેટલીક માન્યતાઓમાં રહેલા ભ્રમો પણ દૂર કર્યા છે. જુદી જુદી યુનિવર્સિટીઓમાં ભારતીય કલાની પીએચ.ડી.ની ઉપાધિ માટેના સંશોધન-નિબંધોમાં તેમણે નિર્ણાયક તરીકે કામ કરેલું છે.
તેમના મુખ્ય કલાવિષયક ગ્રંથોમાં ‘અમૃતા શેર-ગિલ’, ‘ઇન્ડિયન સ્કલ્પ્ચર ઍન્ડ પેન્ટિંગ’, ‘ધ લૅન્ડ : રાગમાલા મિનિયેચર્સ’, ‘એ સ્ટડી ઇન ઇન્ડિયન પેન્ટિંગ ઍન્ડ મ્યુઝિક’, ‘ભાગવતપુરાણ ઇન કાંગરા પેન્ટિંગ’, ‘વૉલ પેન્ટિંગ્ઝ ઑવ્ સુજનપુર’, ‘ધ ડેવલપમેન્ટ ઑવ્ સ્ટાઇલ ઇન ઇન્ડિયન પેન્ટિંગ’ ઉલ્લેખનીય છે.
પ્રિયબાળાબહેન શાહ