ક્ષેપકપટ છિદ્ર : હૃદયના નીચલાં ખાનાં જમણા અને ડાબા ક્ષેપક(ventricle)ની વચ્ચે એક પડદો હોય છે, જેના તંતુમય ભાગમાં ક્યારેક એક છિદ્રની વિકૃતિ જોવા મળે છે. ગર્ભાશયમાં થતા ગર્ભના વિકાસ દરમિયાન આ ખામી થવાથી, બાળકમાં પછી હંમેશને માટે રહી જાય છે. આ કાણાને લઈને પ્રાણવાયુયુક્ત લોહી, અલ્પપ્રાણવાયુયુક્ત લોહી સાથે બંને ક્ષેપકોમાં ભળી જાય છે. અર્થાત્ આ છિદ્રની ખામીને લઈને ચોખ્ખું અને અશુદ્ધ લોહી બંને ક્ષેપકોમાં સેળભેળ થઈ જાય છે. છિદ્રના સ્થાન અને કદ અનુસાર નાની ઉંમરે કે પછીથી મોટી ઉંમરે એ રોગનાં લક્ષણો દેખાઈ આવે છે. જો છિદ્રની ખામી નાની હોય તો દર્દીને કદાચ તેનો ખ્યાલ પણ ન આવે અને સમય જતાં તે આપોઆપ પુરાઈ પણ જાય. પરંતુ જો ખામી મોટી હોય તો દર્દીના શરીરનો વિકાસ અટકે અને તેને શ્વાસ ચડે, વારંવાર કફ અને શરદી થાય તથા હૃદય બંધ પણ થઈ જાય. દાક્તરી તપાસમાં તેનાં લાક્ષણિક ચિહનો જણાઈ આવે છે. છાતીનો એક્સ-રે અને વીજહૃદ્-આલેખ (electro-cardiographi) નિદાન સરળ કરી આપે છે. 2-D પ્રતિધ્વનિ હૃદ્-આલેખ (2-D echocardiography) અને હૃદ્-નળી નિવેશન(cardia catheterisation)થી તેનું નિદાન નિશ્ચિત બને છે. જો આ ખામી તરફ દુર્લક્ષ સેવવામાં આવે તો તેનાં ગંભીર પરિણામો આવવાની સંભાવના છે. વળી અંત:હૃદ્-શોથ (endocarditis), ફેફસાંના લોહીનું ઊંચું દબાણ(pulmonary hypertension), હૃદયની નિષ્ફળતા (cardiac failure) જેવા વિકારો ઉદભવી શકે છે.

એની સારવાર શસ્ત્રક્રિયા દ્વારા છિદ્ર પૂરી દઈને કરી શકાય છે. જ્યારે તેની આનુષંગિક તકલીફો(complications)ની સારવાર માટે દવાઓ ઉપયોગી છે.

એસ. જે. શાહ

અનુ. હરિત દેરાસરી