ક્ષેત્રીય ભૂસ્તરશાસ્ત્ર (field geology) : આર્થિક ઉપયોગિતાની ર્દષ્ટિએ ખડક-ખનિજ દ્રવ્યોની પ્રાપ્તિ માટે થતો ક્ષેત્ર-અભ્યાસ. ભૂસ્તરશાસ્ત્રના વિષયનો ક્ષેત્રીય અભ્યાસ ભૂપૃષ્ઠના ખડકો અને ખનિજો સાથે વિશેષત: સંકળાયેલો છે. કોઈ પણ સ્થળની કોઈ પણ પ્રકારની ભૂસ્તરીય માહિતી માટે તે સ્થળનું નકશાકાર્ય અને તેનો તલસ્પર્શી અહેવાલ, એ પાયાનાં અંગો બની રહે છે. ખડક-ખનિજોની ગુણાત્મક અને માત્રાત્મક (quantitative) માહિતી, તેનો અંદાજ, માપણી, આકારણી વગેરે જેવી કાર્યપદ્ધતિને ક્ષેત્ર-અભ્યાસના ર્દષ્ટિકોણથી મૂલવતાં, તેને વિશિષ્ટ પ્રકારનું ભૂસ્તરીય સર્વેક્ષણ કહી શકાય. આવાં મૂલ્યોને માનચિત્રો, રેખાલેખો, રેખાંકનો કે નકશાના તેમજ અર્થઘટનના સ્વરૂપમાં મૂકવાં પડે. ઉપરછલ્લી કે તલસ્પર્શી જરૂરિયાત મુજબ સર્વેક્ષણ-કાર્યપદ્ધતિ નક્કી થાય. નાનામોટા વિસ્તારો, ત્યાંનાં સ્થળર્દશ્યો અને ભૂમિઆકારોનાં વિતરણ મુજબ, નકશાનાં પ્રમાણમાપ ગોઠવવાં પડે. ભૂગર્ભજળ, ખનિજતેલ, કોલસો, ખનિજો – ધાતુખનિજોના પ્રકાર, બંધ કે સિંચાઈવિષયક બાબતો, પ્રાદેશિક કે કૃષિવિષયક જમીનોનાં આરક્ષણ અને ઉપયોગ, સંશોધનાત્મક હેતુઓ, પ્રાયોગિક ધોરણે થતા અભ્યાસકીય હેતુઓ વગેરે માટે થતાં ક્ષેત્રકાર્યો અલગ અલગ ર્દષ્ટિકોણથી હાથ પર લેવાય અને તે તે મુજબ ભૂસ્તરીય સર્વેક્ષણ થાય. ક્યારેક કેટલીક વ્યવહારુ સમસ્યાઓના ભૂસ્તરીય ઉકેલ શોધી આપવામાં સમયમર્યાદા પણ જાળવવી પડે. આર્થિક ભૂસ્તરીય સર્વેક્ષણ રાષ્ટ્રીય લાભના સંદર્ભમાં જોવાનાં રહે અને એ માટે જવાબદાર ભૂસ્તરશાસ્ત્રી સર્વતોમુખી (versatile) પ્રતિભા ધરાવતા હોવા જોઈએ એટલું જ નહિ, લાગતીવળગતી તમામ ક્ષેત્રીય પદ્ધતિઓથી પૂર્ણપણે વાકેફ હોવા જરૂરી છે, કારણ કે આર્થિક પેદાશોના સંદર્ભમાં આર્થિક ભૂસ્તરશાસ્ત્રીને રાષ્ટ્રનો સંરક્ષક (custodian) ગણવામાં આવે છે.
કોઈ પણ પ્રકારનું નાનું કે મોટું ભૂસ્તરશાસ્ત્રીય ક્ષેત્રકાર્ય હાથ પર લેવાનું હોય, પછી તે સરકારી હોય કે ખાનગી વિભાગનું હોય, ત્યારે તે માટેની આગોતરી ભૂસ્તરીય માહિતી એકત્ર કરી લેવી જોઈએ. તે વિસ્તારનાં સર્વેક્ષણ જો અગાઉ નાના પાયા ઉપર થઈ ચૂકેલાં હોય તો તેના પ્રાપ્ય હેવાલો અને નકશાનો અભ્યાસ કરી લેવો જોઈએ; તે વિસ્તારના સ્થળ-વર્ણન-નકશા કે તેની જરૂરી નકલો સાથે રાખવી જોઈએ. જિયૉલૉજિકલ સરવે ઑવ્ ઇન્ડિયા GSI; ઑઇલ ઍન્ડ નેચરલ ગૅસ કમિશન, ONGC; કમિશનરેટ ઑવ્ જિયૉલૉજી ઍન્ડ માઇનિંગ CGM; ખનિજ-વિકાસ નિગમ; ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ IBM જેવી સંસ્થાઓના સંપર્કમાં રહેવું જોઈએ. ક્ષેત્રકાર્ય માટેનાં સાધનો સાથે રાખવાં જરૂરી છે જેથી ક્ષેત્રકાર્ય સરળતા અને સફળતાપૂર્વક આગળ ધપાવી શકાય. જે તે સ્થળના ખડકપ્રકારો, ખનિજો અને સ્તરવિદ્યા, તેમની વિવૃતિઓ અને સંરચનાઓ, તેમની પ્રાપ્તિસ્થિતિ વગેરેનો અભ્યાસ, બારીક અવલોકનો, તેની નોંધ, જમીનોના રંગ, ઉપસ્તરોની સમજ, તે અંગેનાં અનુમાન, જરૂરી માપણી તેમજ મૂલ્યાંકનો કરવાની કાર્યપદ્ધતિનો ભૂસ્તરીય ક્ષેત્રકાર્યમાં સમાવેશ થાય છે. આ માટે જરૂરી ચંક્રમમાલારેખા (traverses) અને ઊલટ-ચંક્રમ (cross-traverses) નોંધી લેવાનાં હોય છે; તેનાં રેખાંકનો, આડછેદો અને નકશા તૈયાર થાય છે; વધુ આડછેદો પરથી તે તે વિસ્તારની ઉપસ્તરીય-અધોસ્તરીય ખડકો-ખનિજોની તલસ્પર્શી માહિતી ઉપલબ્ધ કરી શકાય.
ક્ષેત્રકાર્યમાં વપરાતાં સાધનો પૈકી મુખ્યત્વે ભૂસ્તરીય હથોડી, છીણી (અને નમૂનાઓ એકત્રિત કરવા માટે), નમનદર્શક હોકાયંત્ર – બ્રુન્ટન હોકાયંત્ર – પ્રિઝમૅટિક હોકાયંત્ર, ઊંચાઈમાપક, સર્વેક્ષણ માટે પ્લેઇન-ટેબલ, તેનાં ઉપકરણો, થિયોડોલાઇટ, એબ્નિલેવલ, ડમ્પી લેવલ, ચેઇન વગેરે જરૂરિયાત મુજબ વપરાય છે. હવે તો ક્ષેત્રકાર્યને સરળ અને વેગવંત બનાવવા માટે તે તે વિસ્તારના હવાઈ ફોટાઓ, સેટેલાઇટ ઇમેજરી, GIS (જયૉગ્રાફીમ ઇન્ફરમેશન સિસ્ટમ) ઉપલબ્ધ હોય છે, જે જરૂરી આગોતરી માહિતી પૂરી પાડે છે; એટલું જ નહિ, વધુ વિસ્તારને આવરી લેતું ક્ષેત્રકાર્ય ઓછા સમયમાં આટોપી લઈ શકાય છે.
અવલોકનો મુજબ ક્ષેત્રમાં બનાવાતી જતી નોંધ – ક્ષેત્રનોંધ અને તેના પરથી તૈયાર થતા નકશા – ક્ષેત્રનકશા અને અહેવાલ – ક્ષેત્ર-અહેવાલ કહેવાય છે. આ વિગતો પછીના ખનનકાર્ય માટે ઉપયોગી થઈ પડે છે તથા અન્યોન્યપૂરક અને પરિણામી હોય છે. ક્ષેત્ર દરમિયાન કરેલું દરેક માપન કે મૂલ્યાંકન, નોંધ કે અવલોકન તદ્દન સ્પષ્ટ, માહિતીપ્રદ, બુદ્ધિગમ્ય અને સ્પષ્ટ હોવાં જોઈએ.
ક્ષેત્રકાર્ય દરમિયાન કરવામાં આવતાં ભૂસ્તરીય અવલોકનોની નોંધ આ પ્રમાણે થાય છે :
ખડકવિદ્યા : ખડકપ્રકારો, પ્રાપ્તિસ્થિતિ, ઉત્પત્તિ, ખનિજ-ઘટકો, કણરચના, કણકદ, રંગ વગેરે.
સ્તરવિદ્યા : ભૂસ્તરીય કાળક્રમ મુજબ ગોઠવણી.
સંરચનાઓ : પ્રાથમિક અને પરિણામી; વિરૂપતાઓ, પ્રકારો, તેમનાં સંકલન વગેરે.
વિકૃતિ : પ્રકારો, માત્રા/કક્ષા, પરિણામી પેદાશો.
પ્રકીર્ણ માહિતી : વ્યક્તિગત અવલોકનો, ઉપયોગમાં લીધેલ સંજ્ઞાઓ વગેરે.
નોંધ : ખ્યાલો, મંતવ્યો, અર્થઘટન, પ્રશ્નો, સમસ્યાઓ, શક્યતાઓ વગેરે.
ગિરીશભાઈ પંડ્યા