ક્વાવ્હાર (Quaoar) : નેપ્ચૂન અને પ્લૂટોની કક્ષાની પાર પ્લૂટોની શોધ પછી શોધાયેલ ગ્રહમાળાનો સૌથી મોટો પિંડ. અમેરિકામાં પાસાડેનામાં આવેલ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીના ખગોળવિદો માઇકેલ બ્રાઉન અને શેડવિક ટ્રુજિલ્લો(Chadwick Trujillo)એ ઑક્ટોબર, 2002માં નિવેદન કર્યું કે 1,287 કિલોમીટર વ્યાસ ધરાવતો અને પ્લૂટોથી અંદાજે 1.6 અબજ કિલોમીટર દૂર લઘુગ્રહ જેવો આકાશીય પિંડ આવેલો છે. તે સૂર્યથી 6.3 અબજ કિલોમીટર દૂર હતો. તેની નોંધ 2002 LM 60 તરીકે કરવામાં આવી. તેના શોધકોએ તત્કાલીન તેનું નામ ‘ક્વાવ્હાર’ (Quaoar) આપ્યું.
ક્વાવ્હાર સૌપ્રથમ જૂન, 2002માં માઉન્ટ પાલોમરના દૂરબીનમાં દેખાયો હતો અને ત્યાર બાદ પૃથ્વી રૂટને પરિભ્રમણ કરી રહેલા હબલ અવકાશી દૂરબીનથી તેની તસવીર ઝડપાઈ હતી. તે પ્લૂટો કરતાં અડધા કદનો દેખાયો હતો.
‘ક્વાવ્હાર’ નામ કૅલિફૉર્નિયાની ટોન્ગ્વા નામની આદિજાતિના લોકોની પુરાણકથામાંની એક આકૃતિ પરથી આપેલ હતું. ક્વાવ્હારને સર્જનનું એવું મહાન બળ ગણવામાં આવેલ છે, જેને કોઈ સ્વરૂપ નથી. તે માતા પૃથ્વી અને પિતા આકાશને નજીક લાવવા નૃત્ય કરે છે અને ગીત ગાય છે. અહીં શોધાયેલો ક્વાવ્હાર એવો પિંડ છે; જે લઘુગ્રહ અને ગ્રહના ભેદને ઝાંખો પાડે છે.
ક્વાવ્હારની સપાટી કાળી છે અને તે સંભવત: અડધો ખડક અને અડધો બરફનો બનેલો છે. તે લગભગ વર્તુળાકાર કક્ષામાં સૂર્ય ફરતે પરિભ્રમણ કરે છે. તે એક પરિભ્રમણ પૃથ્વીના 286 વર્ષોમાં પૂરું કરે છે. તે ધૂમકેતુ કરતાં દસ કરોડ ગણો વધુ દળદાર છે. તે કુઇપરના પટ્ટામાંનો પિંડ મનાય છે. કુઇપરનો પટ્ટો સૂર્ય ફરતે વલયાકાર પટ્ટાની જેમ 30થી 100 ખગોળીય એકમ દૂર આવેલ છે. (સૂર્યથી પૃથ્વીના સરેરાશ અંતરને એક ખગોળીય એકમ ગણવામાં આવે છે.) આ પટ્ટામાં અનેક બરફીલા પિંડ રહેલા છે અને આ પટ્ટામાંથી ટૂંકા પરિભ્રમણકાળ ધરાવતા ધૂમકેતુ ઉદભવતા હોય તેવું માનવામાં આવે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં બીજા પણ ત્રણ મોટા પિંડો કુઇપર પટ્ટામાં શોધાયા છે.
નેપ્ચૂનની પાર માત્ર પ્લૂટો એક જ મોટો પિંડ નથી. ક્વાવ્હાર અને અન્ય મોટા પિંડો પણ છે. તે પણ સૂર્ય રૂપે પરિભ્રમણ કરી રહ્યા છે. પ્લૂટોને ગ્રહ ગણવા કેટલાક ખગોળવિજ્ઞાનીઓ તૈયાર નથી. હવે તે વિવાદ વધુ છેડાવાની શક્યતા છે. જો પ્લૂટોને ગ્રહ ગણવામાં આવે તો ક્વાવ્હાર અને અન્ય મોટા પિંડોને પણ ગ્રહ ગણવા જોઈએ તેવો મત ચર્ચામાં છે. આમ થાય તો ગ્રહમાળાના ગ્રહોની સંખ્યા નવ કરતાં ઘણી વધી જાય. જોકે હાલ તો ક્વાવ્હાર અને બીજાને ‘કુઇપર બેલ્ટ ઑબ્જેક્ટ્સ’ (KBO) ગણવામાં આવે છે.
વિહારી છાયા