ક્વાર્ટ્ઝાઇટ : ક્વાર્ટ્ઝનો બનેલો વિકૃત ખડક. સામાન્ય સંજોગો હેઠળ તો તે ક્વાર્ટ્ઝ-રેતીખડક ગ્રેવૉક, ક્વાર્ટ્ઝ-કૉન્ગ્લોમરેટ, ચર્ટ કે તે પ્રકારના સંબંધિત ખડકોમાંથી ઉત્પન્ન થતો હોય છે, તેમ છતાં સિલિકા-સમૃદ્ધ ખડકોમાંથી કણશ: વિસ્થાપન-પ્રક્રિયા દ્વારા ધનાયનો મુક્ત થવાથી પણ બની શકે છે. અશુદ્ધિની વધુ માત્રાવાળા રેતીખડકો કે ક્યારેક એવા કૉન્ગ્લોમરેટ પણ ક્વાર્ટ્ઝાઇટમાં રૂપાંતરિત થઈ શકે ખરા, કારણ કે તેમની કણરચના પડરચનાવાળાં ખનિજો (દા.ત., અબરખ) પર આધારિત હોય છે. એવા ક્વાર્ટ્ઝાઇટને શિસ્ટવત્ કે નાઇસવત્ ક્વાર્ટ્ઝાઇટ કહી શકાય.
તમામ પ્રકારના ક્વાર્ટ્ઝાઇટનું ખનિજબંધારણ મુખ્યત્વે તો ક્વાર્ટ્ઝથી જ થયેલું હોય છે, તેમ છતાં કેટલાંક અનુષંગી (accessory) ખનિજોની હાજરી મૂળભૂત ખડકોમાંના સંશ્લેષિત દ્રવ્ય કે મિશ્રિત દ્રવ્યના પ્રકાર પર અવલંબે છે. કાર્બોનેટથી સંશ્લેષિત રેતીખડકોમાંથી ચૂનાયુક્ત/ચૂના-મૅગ્નેશિયાયુક્ત સિલિકેટ ખનિજોવાળા ક્વાર્ટ્ઝાઇટ તૈયાર થાય છે; જ્યારે મૃણ્મય રેતીખડકોમાંથી અબરખયુક્ત/ફેલ્સ્પારયુક્ત/ ગાર્નેટયુક્ત ક્વાર્ટ્ઝાઇટ તૈયાર થાય છે. આમ ખનિજબંધારણ મુજબ ક્વાર્ટ્ઝાઇટ ખડકોને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય : શુદ્ધ ક્વાર્ટ્ઝાઇટ, અબરખયુક્ત ક્વાર્ટ્ઝાઇટ, ફેલ્સ્પારયુક્ત ક્વાર્ટ્ઝાઇટ, ગાર્નેટયુક્ત ક્વાર્ટ્ઝાઇટ, ઍક્ટિનોલાઇટયુક્ત ક્વાર્ટ્ઝાઇટ.
મોટા ભાગના ક્વાર્ટ્ઝાઇટની કણરચના દળદાર(massive)થી શિસ્ટવત્ (schistose) હોય છે, તો કેટલાક ચક્ષુસમરચનાવાળા (augen structure) કે નાઇસવત્ પટ્ટીરચનાવાળા (gneissose) હોય છે. મૂળ જળકૃત ખડકોનું પ્રસ્તરીકરણ જળવાઈ રહેતું નથી, પરંતુ મૃણ્મય અશુદ્ધિવાળા ખડકોમાંથી બનેલા ક્વાર્ટ્ઝાઇટમાં પત્રબંધી આંતરરચનાની હાજરી હોય છે.
રેતીખડકો જ્યારે વિકૃતિની અસર હેઠળ આવે ત્યારે કણસ્વરૂપે રહેલા ક્વાર્ટ્ઝનું સ્ફટિકમય સ્વરૂપવાળા ક્વાર્ટ્ઝમાં રૂપાંતર થાય છે. ઉષ્ણતા-વિકૃતિ કે ઉષ્ણતા-દાબ-વિકૃતિ થતાં જે નવો ખડક થાય તે ક્વાર્ટ્ઝાઇટ કહેવાય છે.
મૂળ ખડકમાંની કણજન્ય (clastic) કણરચના રૂપાંતરિત થઈને સ્ફટિકમય (crystalline) બને છે, ખનિજબંધારણ બદલાતું નથી.
ક્વાર્ટ્ઝાઇટ ખડકોને તેમના ઉત્પત્તિપ્રકાર મુજબ ઑર્થોક્વાર્ટ્ઝાઇટ અને મેટાક્વાર્ટ્ઝાઇટ જેવા બે પ્રકારોમાં અલગ પાડેલા છે.
ઑર્થોક્વાર્ટ્ઝાઇટ : તેના ખનિજબંધારણમાં 90 %થી 95 % ક્વાર્ટ્ઝનું પ્રમાણ હોય છે. સિલિકાની માત્રા મુજબ તેમને ‘શુદ્ધ ક્વાર્ટ્ઝ રેતીખડક’, ‘સિલિકાયુક્ત રેતીખડક’ અને ‘ક્વાર્ટ્ઝધારક રેતીખડક’ જેવાં વિવિધ નામોથી ઓળખાવેલા છે. ક્વાર્ટ્ઝનું વધુ પડતું પ્રમાણ ધરાવતા રેતીખડકો માટે ઉપયોગમાં લેવાતું ‘ઑર્થોક્વાર્ટ્ઝાઇટ’ એ સામૂહિક નામ હોઈ પૂર્ણપણે સંતોષકારક ગણાતું નથી. ગ્રાઉટના સૂચવ્યા મુજબ, જો તે સિલિકાથી સંશ્લેષિત હોય તો સિલિકાયુક્ત ક્વાર્ટ્ઝ-રેતીખડક અને જો કાર્બોનેટથી સંશ્લેષિત હોય તો ચૂનાયુક્ત ક્વાર્ટ્ઝ-રેતીખડક કહેવાવા જોઈએ. વેન્ટવર્થ અને ઍલનના સૂચવ્યા મુજબ તેમને અનુક્રમે સિલિકેનેટ સિલિકાયુક્ત રેતીખડક અને કૅલ્કેરિનેટ સિલિકાયુક્ત રેતીખડક તરીકે ઓળખવા જોઈએ. ક્રાઇનિનના મત મુજબ જે ખડકો પરિણામી ક્વાર્ટ્ઝથી પૂર્ણપણે અને ઘનિષ્ઠપણે બનેલા હોય, 5 %10 % સિલિકા કે ચૂનાયુક્ત સંશ્લેષિત દ્રવ્ય આંતરકણજગાઓને ભરી દેતું હોય અને જે તોડવા જતાં કણોમાંથી જ તૂટે એવા જળકૃત ઉત્પત્તિજન્ય હોય તેમને જ ઑર્થોક્વાટર્ઝાઇટ ગણવા જોઈએ.
ઑર્થોક્વાર્ટ્ઝાઇટ શુદ્ધ સફેદ રંગવાળા હોય છે. તેમાં પ્રવાહપ્રસ્તર કે તરંગચિહનો જેવાં મૂળ ખડકનાં લક્ષણો જળવાઈ રહેલાં જોવા મળે છે, કણજન્ય ક્વાર્ટ્ઝકણોની ગોઠવણી અને ગોળ આકાર વ્યવસ્થિત રીતે દેખાઈ આવતાં હોય છે. રેતીખડકમાંના ક્વાર્ટ્ઝકણોનો માત્ર રૂપાંતરિત વિકાસ જ થાય છે. પુન: સ્ફટિકીકરણ થવું આવશ્યક નથી; દા.ત., વાયવ્ય સ્કૉટલૅન્ડનો કૅમ્બ્રિયન ક્વાર્ટ્ઝાઇટ, ચિતોડનો કૈમુર રેતીખડક. રેતીખડકોમાંથી કોઈ પણ પ્રકારની રેતીનું સિલિકાયુક્ત, ચૂનાયુક્ત, માટીયુક્ત કે લોહયુક્ત દ્રવ્યથી સંશ્લેષણ થાય, આંતરકણજગાઓ સંપૂર્ણપણે ભરાઈ જાય અને જે સઘન (solid), ઘનિષ્ઠ (compact) તેમજ સખત ખડકપ્રકાર તૈયાર થાય તેને ઑર્થોક્વાર્ટ્ઝાઇટ તરીકે ઓળખાવાય.
મેટાક્વાર્ટ્ઝાઇટ : રેતીખડકો ઉપર જ્યારે ઉષ્ણતાવિકૃતિ થાય ત્યારે, ઓછાવત્તા પ્રમાણમાં દાબઉષ્ણતા વિકૃતિ થાય ત્યારે તેમાંના ઘટકકણો પુન: સ્ફટિકીકરણ પામે છે, સંશ્લેષિત દ્રવ્ય નાશ પામે છે, આંતરગૂંથણીવાળી મોઝેક કણરચનાનો વિકાસ થાય છે. મૂળ ખડકોમાંની અશુદ્ધિઓ મુજબ વિકૃતિ-ખનિજો – ક્લોરાઇટ, બાયૉટાઇટ, કૅલ્શાઇટ, વોલેસ્ટોનાઇટ – પણ બને છે. નવી સ્ફટિકમય કણરચના ‘ગ્રેનોબ્લાસ્ટિક’ કણરચના કહેવાય છે. ક્વાર્ટ્ઝના સ્ફટિકો સ્પષ્ટ કાચમય ચળકાટવાળા અને કણગોઠવણીમાં વ્યવસ્થિત હોય છે. વધુ ઉગ્ર પ્રાદેશિક વિકૃતિ હેઠળ આવા ખડકો ક્વાર્ટ્ઝ-શિસ્ટ તરીકે ઓળખાય છે, પ્રવાહપ્રસ્તર કે તરંગચિહનો જેવાં લક્ષણો સદંતર નાશ પામે છે. અરવલ્લીની હારમાળામાં તે શામળાજી, ઉદેપુર, અજમેર તેમજ દિલ્હીમાં જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા