ક્વાન્ગતુંગ : ચીની પ્રજાસત્તાકના એકવીસ પ્રાંતોમાંનો એક. ચીનની મુખ્ય ભૂમિના છેક અગ્નિ કિનારા પર આ પ્રાંત આવેલો છે અને ચીની સમુદ્રના દક્ષિણકાંઠાને તે સ્પર્શે છે. તેની પશ્ચિમે કવાંગ્સીચુઆંગ નામનો સ્વાયત્ત પ્રદેશ, ઉત્તરે હુનાન તથા કિયાંગ્સી પ્રાંતો, ઈશાન તરફ ફુકિન પ્રાંત તથા દક્ષિણે દક્ષિણ ચીની સમુદ્ર છે. હાલ બ્રિટિશ શાસન હેઠળનો હૉંગકૉંગ ટાપુ તથા પૉર્ટુગીઝ વસાહત મકાઉ ક્વાંગતુંગની પશ્ચિમ દિશામાં આવેલાં છે. આ પ્રાંતની કુલ વસ્તી 8,64,20,000 (2000 અંદાજે) તથા કુલ વિસ્તાર 1,99,100 ચોકિમી. છે. મોટા ભાગની વસ્તી ગ્રામ વિસ્તારમાં વસે છે. વસ્તીમાં 95 % હાન વંશના છે. 34,000 ચોકિમી. વિસ્તાર ધરાવતો ચીનનો મોટામાં મોટો ટાપુ હાઇનાન આ પ્રાંતનું વહીવટી મથક છે. ચીનના અન્ય કોઈ પણ પ્રાંત કરતાં ક્વાન્ગતુંગ પ્રાંતનો દરિયાકાંઠો લંબાઈમાં સૌથી મોટો છે. ભૂતકાળમાં ઘણી વાર આ પ્રાંત તથા ક્વાંગ્સી પ્રાંતનો વહીવટ સંયુક્ત રીતે થતો. કૅન્ટોન તેનું પાટનગર છે જે એક મહત્વનું રેલવે જંકશન છે. 1995માં તેની વસ્તી 39,10,000 અંદાજવામાં આવી હતી. પ્રાંતના સાંસ્કૃતિક, રાજકીય તથા આર્થિક જીવનના ઘડતરમાં તેના પાટનગરનો ફાળો હંમેશ નોંધપાત્ર રહ્યો છે. કૅન્ટોન ઉપરાંત પ્રાંતનાં અન્ય મોટાં નગરોમાં સ્વાટો, ચિઆંગ-મૅન, ફો-શાન, શાઓ-કુઆન, ચાનશિઆંગ, હાઇ-કોઉ અને ચાઓ-આનનો સમાવેશ થાય છે.
ચીનના શેરડીના કુલ ઉત્પાદનનું લગભગ 50 % ઉત્પાદન આ પ્રાંતમાં થાય છે. અન્ય પેદાશોમાં ડાંગર, ફળફળાદિ તથા માછલીઓ નોંધપાત્ર છે. આ પ્રાંતમાં માછલી પકડવાનાં 57 જેટલાં બંદરોનો વિકાસ થયેલો છે જેની દ્વારા આશરે 400 જાતની માછલીઓ પ્રાપ્ત કરવામાં આવે છે. ખાદ્યક્રમણ, ખાંડ, કાપડ અને ચોખાની મિલો ઉપરાંત વહાણવટું, યંત્રો, ભારે ધાતુની ચીજવસ્તુઓ, ખાણો, જળવિદ્યુતશક્તિ ઉત્પન્ન કરતાં કારખાનાં વિકસ્યાં છે.
આ પ્રાંતની પ્રમુખ જળપરિવહનવ્યવસ્થા (river system) પર્લ અથવા કૅન્ટોન નદીમાંથી ઊભી કરવામાં આવી છે. શિયાળો લગભગ હોતો નથી, ઉનાળામાં વરસાદ પડે છે જેની વાર્ષિક સરેરાશ 1500 મિમી. છે. 1949 પછીના ગાળામાં સિંચાઈની સગવડોમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
ઈ. પૂ. 222માં આ પ્રાંતનો પ્રથમ વાર ચીનના સામ્રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સુંગ વંશના શાસનકાળ દરમિયાન ઈ. સ. 997થી અલાયદા વહીવટી એકમ તરીકે તેનો સ્વીકાર થયો. 1126 સુધી લશ્કરી અને આર્થિક ર્દષ્ટિએ ચીની સામ્રાજ્યના સંસ્થાન (colony) તરીકે તેનો ક્રમશ: વિકાસ થયો. તેને લીધે તથા વ્યાપારના કેન્દ્ર તરીકે કૅન્ટોન નગરના ઝડપી વિકાસને લીધે આ પ્રાંતની વસ્તીમાં સતત વધારો થતો રહ્યો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે