ક્લોરાઇટ : વિષમાંગ ખનિજસમૂહ. મૂળ ગ્રીક શબ્દ ‘ક્લોરોસ’ (લીલો) પરથી આ ખનિજ માટે અપનાવેલો શબ્દ. પડરચનાયુક્ત ગોઠવણી-વાળાં ખનિજોના અબરખવર્ગ સાથે તે સામ્ય ધરાવે છે. આ વર્ગનાં ખનિજો સર્વસામાન્ય રાસાયણિક બંધારણ A6 (AlSi3)O 10(OH)8 જેવા સામાન્ય સૂત્રથી દર્શાવાય છે; જેમાં A = Mg, Fe2+, Fe3+, Mnનો નિર્દેશ કરે છે. આ સમૂહમાં સમાવિષ્ટ ખનિજો સિલિકેટનાં બંધારણવાળાં છે અને તેમાં ફેરસ આયર્ન મુખ્ય હોય છે. મહદંશે તે લીલા રંગવાળાં હોય છે. રાસાયણિક ર્દષ્ટિએ જોતાં ક્લોરાઇટ ખનિજો સંયોજિત પાણી સાથેના ફેરસ આયર્ન અને મૅગ્નેશિયમ સાથેના ઍલ્યુમિનિયમ સિલિકેટ હોય છે. ક્યારેક ફેરિક આયર્ન અલ્પ પ્રમાણમાં ઍલ્યુમિનિયમનું સ્થાન લે છે. ક્વચિત્ તેમાં ક્રોમિયમ પણ સંયોજાય છે. પરિણામે એવાં ખનિજોનો રંગ લીલાને બદલે ગુલાબી બને છે. કેટલાંક ક્લોરાઇટ ખનિજોમાં ફેરસ આયર્નનું સ્થાન મૅંગેનીઝ લે છે. અબરખવર્ગ સાથે સામ્ય હોવા છતાં અહીં આલ્કલી અને કૅલ્શિયમ હોતાં નથી અથવા અલ્પ માત્રામાં હોય છે. અણુમાળખાની ર્દષ્ટિએ જોતાં ક્લોરાઇટ એ બ્રુસાઇટ Mg6(OH)12 અથવા Mg(OH)2 પડો વચ્ચે ભીંસાયેલા શંખજીરા [Mg6Si8O20(OH)4] અથવા Mg3(Si4O10)(OH)2ના એકમોનો બનેલો હોય છે. શંખજીરાના પડમાં Al સિલિકાને વિસ્થાપિત કરી શકે; જ્યારે શંખજીરું – બ્રુસાઇટ બંને એકમોમાં Fe અને/અથવા Al મૅગ્નેશિયમને વિસ્થાપિત કરી શકે છે. ક્લોરાઇટના ગુણધર્મો આ પ્રમાણે છે : સ્ફ. વ. : મૉનોક્લિનિક, ક્યારેક સ્યૂડોહેક્ઝાગૉનલ રૉમ્બોહેડ્રલ સમતા; સ્વ. : મેજ આકારના સ્ફટિકો, છૂટીછવાઈ પતરીઓ, વિકૃત ખડકોમાં પડસ્વરૂપે; રં. : લીલો; સં. : બેઝલ પિનેકોઇડને સમાંતર સંભેદનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. છૂટી પડતી પતરીઓ નમનીય ખરી પરંતુ અબરખની જેમ સ્થિતિસ્થાપક નહિ; ચ. : મૌક્તિક; ક. : 1.5થી 2.5; વિ. ઘ. : 2.65થી 2.94; પ્ર. અચ. વક્રી : nβ = 1.56 થી1.60; 2v = O°થી 40°; પ્ર. સં. : એકાક્ષી કે દ્વિઅક્ષી ધન કે ઋણ. પ્રા. સ્થિ. : અગ્નિકૃત ખડકોમાં બાયૉટાઇટ, હૉર્નબ્લૅન્ડ પાયરૉક્સિન જેવાં ખનિજોની પરિવર્તન-પેદાશ તેમજ ફીલાઇટ અને ક્લોરાઇટ-શિસ્ટ જેવા વિકૃત ખડકોમાં. તે બહુધા લોહ-મૅગ્નેશિયમયુક્ત ખનિજોની તેમજ નિમ્ન કક્ષાની પ્રાદેશિક વિકૃતિ પામેલા ખડકોની પરિવર્તન-પેદાશ કે ગાર્નેટ ખનિજની વિઘટન-પેદાશ તરીકે જોવા મળે છે. ક્વચિત્ જ્વાળામુખી ખડકોમાં બદામાકાર પોલાણમાં પણ જોવા મળે છે.

ક્લોરાઇટ ખનિજોમાં પણ અબરખની જેમ પર્કશન-આકૃતિઓ અને દાબ-આકૃતિઓ ઉદભવે છે. નિરેખણ આકૃતિ(etch-figure) સામાન્યત: મૉનોક્લિનિક સમતાવાળી તો ક્યારેક વિષમતાવાળી પણ હોય છે, જે ખનિજના ટ્રાયક્લિનિક વર્ગનો નિર્દેશ કરે છે.

ક્લાઇનોક્લોર અને પેન્નિનાઇટ એ ક્લોરાઇટના સુવિકસિત, સ્ફટિકીભૂત લાક્ષણિક ખનિજ-પ્રકારો છે. બંનેનું રાસાયણિક બંધારણ એકસરખું છે પણ ક્લાઇનોક્લોર મૉનોક્લિનિક જ્યારે પેન્નિનાઇટ પરરૂપ રૉમ્બોહેડ્રલ અને એકાક્ષી છે. કણનિક્ષેપજન્ય ચેમોસાઇટ એ ઑક્સિ-ક્લોરાઇટ છે. તે પ્રોક્લોરાઇટ સંભેદ સાથેના જથ્થામાં મળે છે.

સ્કેરમૅકે ક્લોરાઇટ ખનિજોને (1) ઑર્થોક્લોરાઇટ અને (2) લેપ્ટોક્લોરાઇટ એવા બે પ્રકારોમાં વર્ગીકૃત કરેલાં છે. ઑર્થોક્લોરાઇટને સર્પેન્ટાઇન (H4Mg3 Si2O9) અને ઍમેસાઇટ(H4 Mg2 Al2 SiO9)નાં સમરૂપ મિશ્રણો હોવાનું સમજાવેલું છે, જેને આધારે ઑર્થોક્લોરાઇટનું (1) પેન્નિનાઇટ, (2) ક્લાઇનોક્લોર અને (3) પ્રોક્લોરાઇટ એવા ત્રણ પ્રકારોમાં વર્ગીકરણ કરેલું છે.

લેપ્ટોક્લોરાઇટનું રાસાયણિક બંધારણ જટિલ છે. તેમાં લોહની માત્રા વધુ અને પાણીનું પ્રમાણ ઓછું હોય છે; તેથી તેમનું રાસાયણિક બંધારણ લગભગ બરડ અબરખ જેવું હોય છે. તેમનો વક્રીભવનાંક ઑર્થોક્લોરાઇટ કરતાં વધુ હોય છે, એકાક્ષી હોય છે અને સંજ્ઞા ઋણ હોય છે. ક્લોરાઇટનો આ પ્રકાર ખડકોમાં સામાન્ય રીતે પતરીઓ રૂપે કે મૃણ્યમય સમૂહ રૂપે મળે છે.

માઇક્રોસ્ક્રૉપ હેઠળ ખડક-છેદોમાં જોવા મળતું ક્લોરાઇટ પતરીઓ કે તાંતણા-સ્વરૂપે દેખાય છે, જે ગોળાકારમાં કેન્દ્રની આજુબાજુ ગોઠવાયેલા હોય છે. તેના પ્રકાશીય ગુણધર્મોમાં લીલો રંગ, રંગવિકાર, સંભેદને સમાંતર વિલોપ, ઝાંખાં છેદર્દશ્ય અને ઘેરા વાદળી (ultra-blue) ધ્રુવીભૂત રંગોનો સમાવેશ કરી શકાય.

ક્લોરિટૉઇડ (Mg.Fe2+)2Al4Si2O10(OH)4 અથવા (Fe(II)Mg)2 (AlFe(III)) Al3O2 (SiO4 (OH)4ના બંધારણવાળું હોઈ ક્લોરાઇટને ઘણાં લક્ષણોમાં મળતા આવતા ખનિજજૂથનું નામ છે, જોકે તે વાસ્તવિક રીતે જાલીય સ્તરવાળું ખનિજ નથી; તે અલગ પડી ગયેલા SiO4 ચતુષ્ફલક (tetrahedra) અને બ્રુસાઇટ પ્રકારના પડનું બનેલું હોય છે. તેના સામાન્ય ગુણધર્મો આ પ્રમાણે છે : રા. બં. : ઉપર મુજબ; સ્ફ. વ. : મૉનોક્લિનિક, ટ્રાયક્લિનિક બંને પ્રકાર સાથે મળી શકે; સ્વ. : મેજ આકારના જથ્થામાં કે પતરીરૂપે; રં. : ઘેરો રાખોડી, લીલાશ પડતો રાખોડી કે લીલાશ પડતો કાળો; સં. : બેઝલ પિનેકોઇડને સમાંતર સુવિકસિત; ચ. સંભેદ સપાટી પર મૌક્તિક; ક. : 6.50; વિ. ઘ. : 3.61(મૉનોક્લિનિક), 3.58 (ટ્રાયક્લિનિક); પ્ર. અચ. વક્રી. : α = 1.713થી 1.730, β = 1. 719થી 1. 734, γ = 1.723થી 1.740; 2Y = 45 x થી 68 x પ્ર. સં. : દ્વિઅક્ષી ધન, કેટલીક મૉનોક્લિનિક જાત ઋણ, પ્રા.સ્થિ. : નિમ્ન કક્ષાની દાબ-ઉષ્ણતાજન્ય પ્રાદેશિક વિકૃતિ પામેલા ખડકોમાં; લાવા અને અન્ય ખડકોની ઉષ્ણજળજન્ય પરિવર્તન-પેદાશ તરીકે.

વ્રિજવિહારી દીનાનાથ દવે