ક્લૉડિયસ, લેસ્લી (જ. 25 માર્ચ 1927, બિલાસપુર; અ. 20 ડિસેમ્બર 2012, કોલકાતા) : સતત ચાર ઑલિમ્પિક સ્પર્ધામાં (1948-60) ભાગ લેનારા ભારતીય હૉકી ટીમના રાઇટ-હાફ ખેલાડી. આખું નામ લેસ્લી વોલ્ટર ક્લોડિયસ. બિલાસપુરની રેલવે સ્કૂલમાં જુનિયર કેમ્બ્રિજ સુધી અભ્યાસ. 1946માં 19 વર્ષની વયે બી. એન. રેલવેની હૉકી ટીમના સેન્ટર-હાફ ખેલાડી ઈજાગ્રસ્ત થતાં લેસ્લી ક્લૉડિયસને તક મળી અને પહેલી વાર બ્રાઇટન કપ ફાઇનલ હૉકી સ્પર્ધામાં તેઓ રમ્યા. 1948માં બંગાળની હૉકી ટીમ તરફથી રમ્યા અને મુંબઈમાં યોજાયેલી આગાખાન ટુર્નામેન્ટમાં સુંદર રમત દર્શાવવાને કારણે 1948માં લંડન ઑલિમ્પિકની ભારતીય હૉકી ટીમમાં સ્થાન મળ્યું.
એ પછી 1952, 1956 અને 1960ની ઑલિમ્પિક સ્પર્ધામાં ભાગ લીધો. 1959માં ભારતીય ટીમના સુકાની તરીકે યુરોપનો પ્રવાસ કર્યો. એ સમયે મ્યૂનિક હૉકી ફેસ્ટિવલમાં તેઓ ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી તરીકે જાહેર થયા. 1960માં રોમ ઑલિમ્પિકમાં ભારતીય ટીમના સુકાની તરીકે કામગીરી બજાવી, જેમાં ભારત પહેલી વાર ઑલિમ્પિકમાં પાકિસ્તાન સામે પરાજિત થયું. 1962 સુધી બંગાળ તરફથી અને 1965 સુધી કસ્ટમ ક્લબ તરફથી તેઓ રમ્યા. તહેરાનની એશિયાઈ સ્પર્ધામાં ભારતીય ટીમના તેઓ મૅનેજર હતા. તેઓ ‘પદ્મશ્રી’ (1971)ખિતાબથી વિભૂષિત છે.
કુમારપાળ દેસાઈ