ક્લિયરિંગ અને ક્લિયરિંગ હાઉસ : એક જ વિસ્તારમાં આવેલી અને એક જ વ્યવસાયમાં રોકાયેલી પેઢીઓ વચ્ચે પરસ્પર લેવડદેવડની સરળ અને ઝડપી પતાવટ. તેના કેન્દ્રરૂપ સ્થળને ક્લિયરિંગ હાઉસ કહે છે.
બૅંકિંગના વ્યવસાયની ક્લિયરિંગ વ્યવસ્થા અતિ પ્રચલિત અને લોકપ્રિય છે. જુદી જુદી સ્થાનિક બૅંકો ઉપર લખાયેલા ચેક, ડ્રાફ્ટ વગેરેના રોજેરોજના ક્લિયરિંગ દ્વારા સ્થાનિક બૅંકો વચ્ચેની નાણાકીય લેવડદેવડની સરળતાપૂર્વક ઝડપી પતાવટ કરી શકાય છે.
ભારતમાં જે શહેરોમાં રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાની શાખા આવેલી હોય તે શહેરોમાં રિઝર્વ બૅંક તરફથી ક્લિયરિંગની સગવડ આપવામાં આવે છે; જ્યાં રિઝર્વ બૅંકની શાખા ન હોય ત્યાં સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયા તરફથી ક્લિયરિંગની સગવડ આપવામાં આવે છે. ક્લિયરિંગ હાઉસની સગવડનો લાભ લેતી બૅંક ક્લિયરિંગ બક કહેવાય છે. ક્લિયરિંગની વ્યવસ્થા ન હોય એવાં નાનાં નાનાં નગરોમાં અન્ય સ્થાનિક બૅંકોની શાખાઓમાં રૂબરૂ માણસ મોકલીને ચેક, ડ્રાફ્ટ વગેરેનાં નાણાં વસૂલ કરવામાં આવે છે.
જ્યાં બૅંકોને ક્લિયરિંગ હાઉસની સગવડ મળે છે ત્યાં પ્રત્યેક બૅંકને તેના ઉપર લખાયેલા ચેક વગેરેનાં નાણાંની અન્ય બૅંકોને ચુકવણી કરવાની પ્રક્રિયા દરમિયાન જ અન્ય સ્થાનિક બૅંકો ઉપર લખાયેલા અને વસૂલાત માટે મળેલા ચેક વગેરેનાં નાણાંની વસૂલાત કરવાની પણ સગવડ મળે છે; પરિણામે અત્યંત અલ્પ રકમનાં નાણાંની હેરફેર દ્વારા તેથી અનેકગણી રકમની લેવડદેવડ સરળતાથી અને ઝડપથી પતી જાય છે.
બૅંકોના ગ્રાહકો મારફત રોજેરોજ હજારોની સંખ્યામાં ને લાખ્ખોની રકમના જુદી જુદી બૅંકો ઉપર લખવામાં આવેલા ચેક જુદી જુદી બૅંકો પાસે વસૂલાત માટે આવે છે. પ્રત્યેક બૅંક પોતાને ત્યાં દરરોજ ભરણામાં આવતા ચેક, ડ્રાફ્ટ વગેરેની બૅંકવાર અલગ અલગ થોકડીઓ બનાવે છે અને યાદીઓ તૈયાર કરે છે; રોજેરોજ મુકરર કરેલા સમયે તમામ સ્થાનિક બૅંકોના પ્રતિનિધિઓ ક્લિયરિંગ હાઉસમાં એકઠા થાય છે અને એકબીજા પાસેથી વસૂલ લેવાના ચેકની થોકડીઓ તથા વસૂલ લેવાની રકમની યાદીઓની પરસ્પર આપલે કરે છે; એ ઉપરાંત અન્ય તમામ સ્થાનિક બૅંકો પાસેથી લેવાની કુલ રકમની અને તેમને ચૂકવવાની કુલ રકમની યાદી તૈયાર કરે છે. એ યાદીના તફાવત જેટલી જ રકમનાં નાણાં ચૂકવવાનાં યા વસૂલ કરવાનાં થાય છે.
લંડનની બૅંકિંગ પેઢીઓના કારકુનો એકબીજાની પેઢી ઉપર લખાયેલા ચેકની આપલે કરવા માટે રોજેરોજ એક સ્થળે ભેગા થતા હતા. તેમાંથી આપોઆપ સ્વેચ્છાથી કોઈ પણ પ્રકારની ધારાકીય જોગવાઈઓ વગર 1775માં ક્લિયરિંગની વ્યવસ્થા શરૂ થઈ હતી. 1855થી જૉઇન્ટ સ્ટૉક બૅંકોને પણ ક્લિયરિંગની વ્યવસ્થાના લાભ આપવામાં આવ્યા હતા. ન્યૂયૉર્ક બૅંક ક્લિયરિંગ હાઉસ 1853માં શરૂ થયું હતું. ભારતમાં ઇમ્પિરિયલ બૅંકના નેજા હેઠળ 1943માં ક્લિયરિંગ હાઉસની શરૂઆત થઈ હતી.
શૅરબજારો અને વાયદાબજારોના સભ્યો વચ્ચેની લેવડદેવડની પતાવટ કરવા માટે મુકરર કરેલ સમયાંતરે ક્લિયરિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી હોય છે.
આંતરરાષ્ટ્રીય નાણાકીય લેવડદેવડની પતાવટ કરવા માટે પણ ક્લિયરિંગની વ્યવસ્થા હોય છે; જેમ કે, યુરોપમાં બૅંક ફૉર ઇન્ટરનૅશનલ સેટલમેન્ટ દ્વારા ક્લિયરિંગની વ્યવસ્થા છે.
વ્યાવસાયિક પેઢીઓની સમસ્યાઓ તથા સમાન હિતો સંબંધી ચર્ચાવિચારણા કરવાની સરળતા ઊભી કરવા માટે પણ ક્લિયરિંગ હાઉસની વ્યવસ્થા ઉપયોગી બની હતી. કમ્પ્યૂટર યુગની શરૂઆતને કારણે આ વ્યવસ્થા હવે ભૂતકાળ બની ગઈ છે.
ધીરુભાઈ વેલવન