ક્લાર્ક, જૉન મૉરિસ (જ. 30 નવેમ્બર 1884, નૉર્ધમ્પ્ટન ટૉરેન્ટો, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 27 જૂન 1963, વેસ્ટપોર્ટ કનેક્ટિકટ્સ, યુ.એસ.) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી. તેમના પિતા જૉન બૅટિસ ક્લાર્ક (1847-1938) પણ જાણીતા અર્થશાસ્ત્રી હતા. કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસરના જે પદ પરથી 1923માં પિતા
નિવૃત્ત થયા તે જ પદ પર 1926માં તેમની નિમણૂક થઈ હતી. આધુનિક ગતિશીલ સમષ્ટિ અર્થશાસ્ત્રમાં પાયાનો ગણાતો ‘ગતિવર્ધનનો સિદ્ધાંત’ (Acceleration Principle) 1927માં ‘જર્નલ ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમી’માં પ્રકાશિત થયેલા લેખ દ્વારા તેમણે રજૂ કર્યો હતો.
તેમનાં અન્ય પ્રકાશનોમાં ‘ઇકૉનૉમિક્સ ઑવ્ ઓવરહેડ કૉસ્ટ્સ’ (1923) તથા ‘એસેઝ ઇન પ્રિફેસ ટુ સોશિયલ ઇકૉનૉમિક્સ’ (1963) નોંધપાત્ર છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે