ક્લાર્ક, જૉન બેટિસ (જ. 26 જાન્યુઆરી 1847, પ્રોવિડન્સ, યુ.એસ.; અ. 21 માર્ચ 1938, ન્યૂયૉર્ક, યુ.એસ.) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી. અમેરિકાના મૅસેચૂસેટ્સ રાજ્યમાં આવેલ ઍમહર્સ્ટ કૉલેજમાં અને
તે પછી જર્મનીની હાઇડલબર્ગ યુનિવર્સિટી તથા સ્વિટ્ઝર્લૅન્ડની ઝુરિક યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું. 1895માં અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર તથા ઇતિહાસના પ્રોફેસર નિમાયા તે પહેલાં પોતાની માતૃસંસ્થા ઍમહર્સ્ટ કૉલેજમાં શિક્ષણકાર્ય કર્યું. અર્થશાસ્ત્રમાં મહત્વનો ગણાતો સીમાવર્તી તુષ્ટિગુણનો સિદ્ધાંત તેમણે વિકસાવ્યો છે, જેને લીધે તેમને ‘અમેરિકન માર્જિનાલિસ્ટ સ્કૂલ’ના પ્રણેતા ગણવામાં આવે છે. વહેંચણીનો સીમાવર્તી ઉત્પાદકતાનો સિદ્ધાંત રજૂ કરવાનો જશ પણ તેમને ફાળે જાય છે. 1923માં તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા હતા.
તેમનો ‘ડિસ્ટ્રિબ્યૂશન ઑવ્ વેલ્થ’ (1885) નામનો ગ્રંથ અર્થશાસ્ત્રના આધુનિક અમેરિકન ગ્રંથોમાં અગ્રસ્થાન ધરાવે છે. તેમના અન્ય ગ્રંથોમાં ‘ફિલૉસૉફી ઑવ્ વેલ્થ’ (1885), ‘ધ કંટ્રોલ ઑવ્ ટ્રસ્ટ્સ’ (1901), ‘ધ પ્રૉબ્લેમ ઑવ્ મૉનોપૉલી’ (1904) તથા ‘ઇસેનશિયલ્સ ઑવ્ ઇકૉનૉમિક થિયરી’ (1907) ઉલ્લેખનીય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે