ક્લાન્ત કવિ : એ નામનો ગુજરાતી કાવ્યસંગ્રહ. તેના કવિ બાળાશંકર ઉલ્લાસરામ કંથારિયા છે. ‘ક્લાન્ત કવિ’ તેમનું તખલ્લુસ પણ હતું. અર્વાચીન કવિતા સાહિત્યના ઇતિહાસમાં 1885માં પ્રગટ થયેલ આ ખંડકાવ્ય ‘ક્લાન્ત કવિ’નું મહત્વ ઐતિહાસિક તેમજ કાવ્યગુણની ર્દષ્ટિએ નોંધપાત્ર છે.
1898ના એપ્રિલમાં બાળાશંકરનું અવસાન થયું એ પછી 1942 સુધીમાં મણિલાલ દ્વિવેદી, કલાપી, પ્રો. બલવંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક, નર્મદાશંકર મહેતા, કવિ શ્રી ન્હાનાલાલ અને રસિકલાલ છો. પરીખ જેવા ભિન્ન ભિન્ન પ્રકારની રુચિ ધરાવતા વિદ્વાનોએ કવિનાં ઉપલબ્ધ કાવ્યોનું સંપાદન કરવા વિચારેલું પણ એ વિચારને સમર્થ રીતે મૂર્ત કર્યો કવિ ઉમાશંકર જોશીએ 1942માં. અમદાવાદની ગુજરાત સાહિત્યસભા દ્વારા તેનું પ્રકાશન થયું છે.
આ સંગ્રહમાં ‘ક્લાન્ત કવિ’ (ખંડકાવ્ય) ઉપરાંત કવિની પ્રસ્તાવના સમેત ‘સૌંદર્યલહરી’, ‘હરિપ્રેમ પંચદશી’નાં 21 પૂર્ણ અને 18 અપૂર્ણ કાવ્યો, પ્રકીર્ણ વિભાગની નાનીમોટી 57 કૃતિઓ, હાફિઝની 10 કૃતિઓનો ગુજરાતી અનુવાદ, હાફિઝ ઉપરનો 19 પાનાંનો લેખ અને કવિ બાલની કાવ્યકૃતિઓ ઉપર લખેલી સંપાદક ઉમાશંકર જોશીની ‘બાલનંદિની’ નામે ટીકા – આટલાંનો સમાવેશ થાય છે.
દલપતશૈલીની, વ્રજભાષાની, સંસ્કૃત, ફારસી અને અંગ્રેજી સાહિત્યની – એમ એકસામટી પચરંગી અસર ઝીલતી ‘ક્લાન્ત કવિ’ની કવિતાનો આવિર્ભાવ એ અર્વાચીન ગુજરાતી કવિતાના ઇતિહાસમાં એક વિરલ ઘટના ગણાય છે. ‘કુસુમમાળા’માં નરસિંહરાવે અંગ્રેજી ઊર્મિકવિતાની ઠીક ઠીક અસર ઝીલી હતી. એ પ્રમાણે બાળાશંકરે પણ શરૂઆતમાં નરસિંહરાવ અને આંગ્લ કવિઓની અસર તળે કેટલીક રચનાઓ કરી છે ને અંગ્રેજી કવિતાના અનુવાદ પણ કર્યા છે. કિન્તુ એમની અસલી કવિ-પ્રતિભાનો, પ્રમાણમાં સફળ એવો ઉન્મેષ તો શિષ્ટ સંસ્કૃત કાવ્યશૈલી દર્શાવતી ‘ક્લાન્ત કવિ’ જેવી રચના જોવા મળે છે.
શિખરિણી છંદની ચારસો પંક્તિઓમાં લખાયેલ ‘ક્લાન્ત કવિ’ નામે દીર્ઘકાવ્યમાં, પત્ની (યુવતી), ચિતિ (મુક્તિદાત્રી) અને કવિતા (સરસ્વતી) – એમ એકસાથે ત્રણેયને અનુલક્ષતા ઉદગારો છે. કવિના મસ્ત શૃંગારને પરકીયા પ્રેમ ગણી નવલરામ પંડ્યાએ એનું વિશેષ વિવેચન કરવાનું ટાળ્યું હતું. નરસિંહરાવે પણ આ વિરલ કાવ્યની વિવેચના કરી નહોતી.
ફારસી ભાષાસાહિત્યના સારા અભ્યાસને કારણે કવિએ ‘બલિહારી તારા અંગની ચંબેલીમાં દીઠી નહીં’, ‘ઊડો નાદાન મન બુલબુલ રહો ગુલઝારમાં ના ના’, ‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’, ‘ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે’ જેવી યાદગાર ગઝલો લખી એટલું જ નહિ પણ કેટલાક સમકાલીન અને અનુગામી કવિઓને ગઝલનો છંદ લગાડ્યો તે એમની મોટી સેવા ગણાય. ઉમાશંકરે ‘ક્લાન્ત કવિ’ને ગિરા ગુર્જરીનો મૂર્તિમંત વિપ્રલંભ શૃંગાર કહ્યો છે. કવિ સુન્દરમ્ ગુજરાતી કવિતાનો એક વળાંક આ ‘ક્લાન્ત કવિ’થી હોવાનું માને છે. તે ઉલ્લેખનીય છે.
રણજિત પટેલ