ક્રોધ : મનનો એક આવેગ. આપણે જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માગતા હોઈએ તેના માર્ગમાં કોઈ અંતરાયરૂપ કે અવરોધરૂપ બને ત્યારે આપણે ક્રોધનો આવેગ અનુભવીએ છીએ. આપણને જે જોઈતું હોય તે ન મળે ત્યારે આપણે ગુસ્સે થઈએ છીએ. ક્રોધને સાધારણ રીતે નિષેધક આવેગ માનવામાં આવે છે અને તેથી તેની ‘અભિવ્યક્તિ’ કરતાં ‘નિયંત્રણ’ પર વધુ ભાર મૂકવામાં આવે છે; પરંતુ બધા જ કિસ્સાઓમાં ક્રોધ નિરર્થક છે એમ માનવું યોગ્ય નથી. અન્યાયનો સામનો કરવા માટે, અત્યાચારો સામે અવાજ ઉઠાવવા માટે, આતતાયીઓને હણવા માટે ક્રોધ જ માનવીને મદદ કરે છે. ક્રોધ આવા સંજોગોમાં માનવીને વધારાની શક્તિ પૂરી પાડે છે. ક્રોધ આ ર્દષ્ટિએ કેવળ નબળાઈની નિશાની નથી, તાકાત પણ છે.
આવેગવિકાસ અંગે નોંધપાત્ર સંશોધન કરનાર કૅથેરાઇન બ્રિજિસના મત મુજબ જન્મ પછી ત્રણથી છ માસના ગાળા દરમિયાન ક્રોધ જેવા વિશિષ્ટ આવેગની બાળકમાં શરૂઆત થાય છે. બાળકો બહુ નાની ઉંમરે સમજી જાય છે કે ગુસ્સો તો જોઈતી ચીજવસ્તુઓ મેળવવા માટેનું અમોઘ શસ્ત્ર છે. નાની ઉંમરમાં સ્થપાતા આ અભિસંધાનને લીધે બાળકો ધાંધલધમાલ અને ધમપછાડા કરતાં થઈ જાય છે. બાળકો ગુસ્સા કે ક્રોધનો એક સાધન તરીકે ઉપયોગ કરવા માંડે છે. મોટેરાંમાં પણ ઘણી વાર આવું જોવા મળે છે.
ક્રોધનાં કારણો અને ક્રોધની અભિવ્યક્તિ વયની સાથે બદલાય છે. મનોવૈજ્ઞાનિક અભ્યાસોમાં જોવા મળ્યું છે કે સોળ માસથી માંડીને ત્રણ વર્ષ સુધીનાં બાળકોની પાસેથી રમકડાં ખૂંચવી લેવામાં આવે, તેમને પરાણે નવડાવવા-ધોવડાવવામાં આવે, ખવડાવવા-પિવડાવવામાં આવે કે પછી શૌચક્રિયાની તાલીમમાં બળજબરી કરવામાં આવે તો તેઓ ગુસ્સે થાય છે. બાળકની અવગણના થાય કે તે એકલું પડી જાય તો તેવા સંજોગોમાં પણ બાળક રોષે ભરાય છે. તરુણાવસ્થામાં તરુણ યુવક-યુવતીઓ જે કંઈ કરતાં હોય તેમાં દખલગીરી કરવામાં આવે, તેમને રોકટોક કરવામાં આવે કે તેમની ઇચ્છાઓમાં અવરોધો નાખવામાં આવે તો તેઓ ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે. મોટી ઉંમરની વ્યક્તિઓને પોતાની ‘સામાજિક પ્રતિષ્ઠા’ની વધારે પડી હોય છે અને તેથી તેને આંચ આવે તો તેઓ ગુસ્સે થઈ જાય છે. ડોલાર્ડ અને મિલર નામના અભ્યાસીઓએ એવો મત વ્યક્ત કર્યો છે કે હતાશા વ્યક્તિને આક્રમક બનાવે છે. નાનાં બાળકો ચીસો પાડીને, લાતો મારીને, હાથપગ પછાડીને, તોડફોડ કે ધાંધલધમાલ અને ધમપછાડા કરીને, પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે. પ્રમાણમાં મોટી ઉંમરનાં બાળકો બબડાટ કરીને, રિસાઈને કે કજિયા-કંકાસ કરીને પોતાનો ક્રોધ વ્યક્ત કરે છે. તરુણો વડીલોની સામે કે સત્તાની સામે બળવો કે વિદ્રોહ કરીને પોતાનો રોષ ઠાલવે છે. બાળકો કે તરુણોની તુલનામાં મોટી ઉંમરની વ્યક્તિઓ સામાજિક દબાણોને વશ થઈને પોતાના ક્રોધને મનમાં ને મનમાં દબાવી રાખે છે. કેટલીક વાર બીજાની બદબોઈ કરીને, અફવાઓ ફેલાવીને કે પછી વિવાદમાં ઊતરીને મોટી ઉંમરના માણસો પોતાનો ગુસ્સો ઠાલવે છે. ઘણી વાર ક્રોધનું સ્થાનાંતર થાય છે. ‘પાડાના વાંકે પખાલીને ડામ’ દેવાય છે. ઑફિસના ‘બૉસ’ સામેનો ગુસ્સો પત્ની પર ઠલવાય, પત્ની આ ગુસ્સો છોકરાં પર ઠાલવે, છોકરાં તેમનો ગુસ્સો રમકડાં પર ઉતારે એવું બને છે. સામાજિક દબાણોના કારણે મોટા ભાગની પુખ્ત વયની વ્યક્તિઓને ક્રોધ કે ગુસ્સાના આવેગનું દમન કરવાની ફરજ પડે છે. આ દમનની કિંમત માણસે આડકતરી રીતે ચૂકવવી પડે છે(જેમ કે, લોહીનું ઊંચું દબાણ). લાચારીના લીધે ક્રોધનું સતત દમન કરવું પડતું હોય તો તેના કારણે વ્યક્તિ મનોદૈહિક માંદગી(માનસિક કારણ જ્યારે બીમારી શારીરિક)નો પણ ભોગ બને છે. ક્રોધના આવેગનું વિરેચન કોઈ ને કોઈ રીતે થઈ જાય એ ઇષ્ટ છે.
નટવરલાલ શાહ