ક્રેડિટ-કાર્ડ : વ્યાપારી બૅન્કો દ્વારા પ્રતિષ્ઠિત અને સંપન્ન ગ્રાહકોને આપવામાં આવતું એક વિશિષ્ટ પ્રકારનું ઓળખપત્ર; જેમાં ગ્રાહકની વ્યક્તિગત ઓળખાણની વિગતો, સહીનો નમૂનો વગેરે દર્શાવવામાં આવેલ હોય છે અને કાર્ડને આધારે મુકરર કરેલ વેપારી પેઢીઓ પાસેથી જરૂરી ચીજવસ્તુઓ અને સેવા શાખ ઉપર પ્રાપ્ત થઈ શકે છે. અગ્રગણ્ય પ્રતિષ્ઠિત ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાંથી છૂટક ખરીદી કરવા માટે ક્રેડિટ-કાર્ડનો ઉપયોગ વધતો રહ્યો છે. ઉપરાંત દેશવિદેશમાં સફર કરનારા સહેલાણીઓને માટે પણ એ ઉપયોગી છે.
શાખ ઉપર ખરીદી કરનાર ગ્રાહકે વેપારી પેઢીના બિલની નકલ ઉપર પોતાના ક્રેડિટ-કાર્ડનો નંબર દર્શાવીને સહી કરવાની હોય છે. મુકરર કરેલ સમયાંતરે વેપારી પેઢી ક્રેડિટ-કાર્ડ ઉપર કરેલ શાખી વેચાણની વિગતો (તારીખ, બિલની રકમ, કાર્ડનંબર વગેરે) દર્શાવતું તારણ બૅન્ક ઉપર મોકલી આપે છે. બૅંકના હિસાબી ચોપડામાં ક્રેડિટ-કાર્ડ ધરાવનાર ગ્રાહકોનાં ખાતાંમાં તેમણે કરેલ શાખી ખરીદીની રકમ ઉધારી દેવાય છે અને વેપારી પેઢીના ખાતામાં એટલી રકમ જમા કરી દેવાય છે.
ક્રેડિટ-કાર્ડના ઉપયોગની શરૂઆત અમેરિકામાં વીસમી સદીના ત્રીજા દાયકામાં થઈ. બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના સમયગાળામાં તેનો ઉપયોગ ખૂબ વધી ગયો છે અને હવે એ વિશ્વવ્યાપી વ્યવસ્થા બની છે. ભારતમાં મોટા ભાગની વેપારી બૅંકો તેમના ગ્રાહકોને ક્રેડિટ-કાર્ડની સુવિધા પૂરી પાડે છે. ભારતમાં આ સગવડભરી પ્રથા લોકપ્રિય થતી જાય છે.
ધીરુભાઈ વેલવન