ક્રેઇત્ઝ્બર્ગ, હૅરાલ્ડ (જ. 11 ડિસેમ્બર 1902, રિખન્બર્ગ, બોહેમિયા; અ. 24 એપ્રિલ 1968, ગૂમ્લિજેન, બર્ન નજીક, સ્વિટ્ઝર્લૅન્ડ) : આધુનિક જર્મન નર્તક અને કોરિયોગ્રાફર. મૂક એકપાત્રી (mime) અભિનય સાથે નૃત્યનું સંયોજન ધરાવતાં એકલ નૃત્યો માટે તેઓ જાણીતા છે.

હૅરાલ્ડ ક્રેઇત્ઝ્બર્ગ

ડ્રૅસ્ડન બૅલે સ્કૂલમાં ક્રેઇત્ઝ્બર્ગ પ્રશિષ્ટ બૅલે શીખ્યા. ત્યાર બાદ મેરી વિગ્મૅન અને રુડોલ્ફ લૅબૅન પાસે તેઓ આધુનિક નૃત્ય શીખ્યા. 1927થી 1929 સુધી મૅક્સ રેઇન્હાર્ટ દ્વારા દિગ્દર્શિત નાટકોમાં તેમણે અદાકારી કરી. 1929માં ક્રેઇત્ઝ્બર્ગ અમેરિકા ગયા અને નર્તકી ઇવૉને જ્યૉર્જી (Yvonne Georgi) સાથે અમેરિકા, કૅનેડા અને યુરોપનાં અનેક શહેરોમાં ફરીને યુગલનૃત્ય કાર્યક્રમો કર્યા. 1932માં નતર્કી રુથ પેઇજ સાથે અમેરિકામાં અને પૂર્વ એશિયાના દેશોમાં પ્રવાસ કરીને યુગલનૃત્યના કાર્યક્રમો રજૂ કર્યા.

ત્યાર બાદ ક્રેઇત્ઝ્બર્ગે એકલ નૃત્ય કરવાનું શરૂ કર્યું. કોઈ પણ પ્રશિષ્ટ શૈલીનાં બંધનોમાં બંધાયા વગરની મુક્ત શૈલી સાથે તેમણે એકપાત્રી અભિનયનું સંયોજન કર્યું છે. આ રીતે રચેલી તેમની કૃતિઓમાં ‘ધ એન્જલ લુસિફર’ (કરુણાંત) અને ‘ધ વેડિન્ગ બ્યૂટી’(કૉમેડી)નો સમાવેશ થાય છે.

મંચ પરથી નિવૃત્તિ લીધા બાદ 1955માં બર્ન ખાતે તેમણે પોતાની અભિનયનૃત્યશાળા શરૂ કરી હતી.

અમિતાભ મડિયા