ક્રૅમ્રિશ, સ્ટેલા [જ. 29 મે 1896, નિકોલ્સ્બર્ગ (હવે મિકુલૉવ), ચેક રિપબ્લિક; અ. 31 ઑગસ્ટ, 1993, ફિલાડૅલ્ફિયા, અમેરિકા] : ભારતીય કલાપરંપરામાં ઊંડું સંશોધન કરનાર જર્મન મહિલા કલા-ઇતિહાસકાર, મ્યુઝિયમ ક્યુરેટર, સંપાદક, પત્રકાર અને પ્રાધ્યાપિકા. પશ્ચિમના દેશોમાં ભારતીય અને દક્ષિણ એશિયાઈ કલાની સાચી સમજ અને ઓળખ ઊભી કરવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
વિયેના ખાતે વિયેના યુનિવર્સિટીમાં પ્રો. જૉસેફ સ્ટ્રીગૉસ્કીની દોરવણી હેઠળ તેમણે અભ્યાસ કરીને ‘પ્રારંભિક બૌદ્ધ શિલ્પ’ વિષય પર મહાનિબંધ લખીને 1919માં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. આ અભ્યાસ દરમિયાન ક્રૅમ્રિશ આધુનિક અમૂર્ત ચિત્રકાર વાસિલી કૅન્ડિન્સ્કી અને ધાર્મિક ચિંતક રુડોલ્ફ સ્ટીનરથી પ્રભાવિત થયાં. 1920માં ક્રેમ્રિશ ભારતમાં કૉલકાતા ખાતે સ્થિર થયાં. અહીં 1921થી 1950 સુધીનાં 29 વર્ષો પર્યંત તેમણે યુનિવર્સિટી ઑવ્ કૉલકાતામાં ભારતીય કલા-ઇતિહાસનું અધ્યાપન કર્યું. તેમણે હિંદુ ધર્મનો અંગત જીવનમાં અંગીકાર કર્યો. 1922માં તેમણે અમેરિકાનો પ્રવાસ કર્યો. ભારતમાં લાંબા વસવાટ દરમિયાન ભારતીય કલા અને સ્થાપત્ય ઉપર તેમણે કરેલું ઊંડું સંશોધન 1946માં બે ખંડોમાં પ્રકાશિત થયું : ‘ધ હિન્દુ ટેમ્પલ’. તરત જ આ પુસ્તકે તેમને ટોચના કલા-ઇતિહાસકાર તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. 1950માં તેમના પતિનું પાકિસ્તાનમાં અવસાન થયું. તે પછી ક્રેમિશ કાયમ માટે અમેરિકા ચાલ્યાં ગયાં અને ત્યાં ફિલાડેલ્ફિયાના મ્યુઝિયમ ક્યુરેટર તરીકે કામ કર્યું તથા ફિલાડેલ્ફિયાની યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયામાં અને ન્યૂયૉર્ક યુનિવર્સિટીની ફાઇન આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ભારતીય કલા-ઇતિહાસનું અધ્યાપન કર્યું.
પોતાના ભારતનિવાસનાં વર્ષો દરમિયાન ક્રૅમ્રિશે ભારતીય અને દક્ષિણ એશિયાઈ કલાકૃતિઓના નમૂના અને ખાસ તો મધ્યયુગીન દુર્લભ શિલ્પોનો ખાસ્સો અંગત સંગ્રહ કર્યો હતો. ‘અન્નૉન ઇન્ડિયા’ નામે ઓળખાતો આ સંગ્રહ તેમણે ફિલાડેલ્ફિયાના મ્યુઝિયમ ઑવ્ આર્ટને ભેટ આપ્યો. આ સંગ્રહ પર તેમણે કરેલું સંશોધન પુસ્તક રૂપે ‘અન્નૉન ઇન્ડિયા : રિચ્યુઅલ આર્ટ ઇન ટ્રાઇબ ઍન્ડ વિલેજ’ શીર્ષક હેઠળ 1982માં પ્રકાશિત થયું. આ ઉપરાંત ભારતની લોકકલા અને રોજિંદા ઉપયોગની હસ્તકલા ઉપર પણ તેમણે સંશોધન કર્યું. ઉપર્યુક્ત બે પુસ્તકો ઉપરાંત તેમણે લખેલાં પુસ્તકો છે :
(1) ‘અન્નૉન ઇન્ડિયા : ટ્રેડિશન્સ ઑવ્ ધી ઇન્ડિયન ક્રાફ્ટ્સમૅન’ (1958),
(2) ‘અન્નૉન ઇન્ડિયા : ઇન્ડિયન ટેરાકોટાઝ’ (1939),
(3) ‘ધ રિપ્રેઝન્ટેશન ઑવ્ નેચર ઇન અર્લી બુદ્ધિસ્ટ સ્કલ્પ્ચર ફ્રૉમ ભારહૂત ઍન્ડ સાંચી’ (1921),
(4) ‘એમ્બ્લમ્સ ઑવ્ ધ યુનિવર્સલ બીઇન્ગ’ (1935),
(5) ‘ધી ઇમેજ ઑવ્ મહાદેવ ઇન ધ કેવ-ટેમ્પલ ઑન્ ઍલિફન્ટા આઇલૅન્ડ’ (1946),
(6) ‘ઍન ઇમેજ ઑવ્ અદિતિ-ઉત્તાનપાદ’ (1956),
(7) ‘ફિગરલ સ્કલ્પ્ચર ઑવ્ ધ ગુપ્ત પિરિયડ’ (1931),
(8) ‘પાલ ઍન્ડ સેન સ્કલ્પ્ચર’ (1929),
(9) ‘ચંદેલ સ્કલ્પ્ચર : ખજૂરાહો’ (1933),
(10) ‘ધ ફોર કૉર્નર્ડ સિટાડેલ ઑવ્ ધ ગૉડ્ઝ : વૉલ ઍન્ડ ઇમેજ ઇન ઇન્ડિયન આર્ટ’ (1959),
(11) ‘થિયરી ઍન્ડ પ્રૅક્ટિસ ઑવ્ પેઇન્ટિન્ગ : ઍન ઇન્ટ્રોડક્શન ટુ ધ વિષ્ણુધર્મોત્તર’ (1928) અને
(12) ‘અજન્તા’ (1937).
1921થી 1950 સુધી ક્રૅમ્રિશે કૉલકાતા ખાતેથી કલાવિષયક સામયિક ‘જર્નલ ઑવ્ ધ ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઑરિયેન્ટલ આર્ટ’નું સંપાદન કર્યું હતું.
પ્રિયબાળાબહેન શાહ
અમિતાભ મડિયા