ક્રિસ્ટ્મસ ટ્રી : ગુજરાતીમાં જાણીતું નાતાલનું વૃક્ષ. ફુવારા-વૃક્ષ; અં. Norfolk Island pine; fountain tree. રમણીય, સદાહરિત વૃક્ષ. તે 40થી 50 મીટર ઊંચું સપુષ્પ વનસ્પતિમાં અનાવૃત બીજધારી વર્ગ Coniferales-નું છે; તે ખૂબ જ ધીમે વધે છે; પરંતુ ઠંડી આબોહવામાં તેની વધ સારી થાય છે. શરૂઆતનાં કેટલાંક વર્ષ સુધી તે કૂંડામાં ઉછેરી શકાય છે.
ખૂબ જ ઘાટીલું સીધું થડ અને તેમાંથી ચોક્કસ અંતરે જમીનને સમાંતર ચારે બાજુ નીકળતી ડાળીઓ, ઉપર જતાં શંકુ આકાર ધારણ કરતાં ડાળીઓ નાની નાની થતી જાય અને કાયમ બારેમાસ લીલુંછમ રહે તે એની વિશિષ્ટતા છે. જાડા લીલા તાંતણા જેવાં સાદાં પર્ણો 4થી 7 સેમી. લાંબાં હોય છે.
ખ્રિસ્તી લોકો નાતાલના પર્વમાં તેના ઉપર નાના ઇલેક્ટ્રિક રંગીન બલ્બ મૂકી તેને શોભાયમાન કરે છે. તેથી તેને ‘ક્રિસ્ટ્મસ ટ્રી’ નામ મળ્યું છે.
તેની એક જાત A. excelsa R. Br. બગીચામાં ઉછેરવામાં આવે છે. તેની અન્ય જાતોમાં A. cunninghamii A. Juss અને A. Cookii (L) Br મુખ્ય છે.
મ. ઝ. શાહ