ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

July, 2026

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (જ. 5 ફેબ્રુઆરી 1985, મડેઇરા, પોર્ટુગલ) : વિશ્વના સર્વકાલીન મહાન ફૂટબૉલરોમાંના એક.

વ્યાવસાયિક ફૂટબૉલર અને પોર્ટુગીઝ રાષ્ટ્રીય ટીમના કૅપ્ટન રોનાલ્ડો તરીકે વધુ જાણીતા છે. એક ગરીબ પરિવારનાં ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનાં માતા રસોઇયા અને સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા, જ્યારે તેમના પિતા માળી હતા. એક સાધારણ પરિવારમાં ઊછરેલા, રોનાલ્ડોએ નાનપણથી જ ફૂટબૉલમાં અસાધારણ પ્રતિભા દર્શાવી હતી. તેમના સમર્પણ અને શિસ્તે તેમને યુવા રૅન્કમાં ઝડપથી આગળ વધવામાં મદદ કરી, ખાસ કરીને સ્પૉર્ટિંગ સીપીમાં, જ્યાંથી તેમની વ્યાવસાયિક યાત્રા શરૂ થઈ.

1997માં, 12 વર્ષનો રોનાલ્ડો સ્પૉર્ટિંગ સીપી સાથે ટ્રાયલ માટે ગયો અને તેણે ક્લબને એટલી પ્રભાવિત કરી કે તેને £1,500માં કરારબદ્ધ કરવામાં આવ્યો. ત્યારબાદ તે સ્પૉર્ટિંગ યુવા એકૅડેમીમાં જોડાવા માટે ફંચલથી લિસ્બન ગયા. 2000માં 15 વર્ષની ઉંમરે રોનાલ્ડોને હૃદયની ધબકારાની બીમારી (ટાકીકાર્ડિયા) હોવાનું નિદાન થયું હતું.

રોનાલ્ડોએ 2001માં પોર્ટુગલ અંડર-15 સાથે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 2002માં, તે પોર્ટુગલની અંડર-17 ટીમ સાથે અંડર-17 યુરો રમ્યો હતો. જૂન 2003માં, રોનાલ્ડોએ પોર્ટુગલ અંડર-20 સાથે ટુલોન ટુર્નામેન્ટ જીતી હતી. તે 2004 સમર ઓલિમ્પિક્સમાં પોર્ટુગલ અંડર-23 ટીમ સાથે પણ રમ્યો હતો, જ્યાં તેણે મોરોક્કો સામે એક ગોલ કર્યો હતો.

રોનાલ્ડોએ 18 વર્ષની ઉંમરે પોર્ટુગલ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે UEFA યુરો 2004માં પોતાનો પહેલો ગોલ કર્યો હતો અને પોર્ટુગલને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી હતી. રોનાલ્ડો પાંચ યુરોમાં રમી ચૂક્યો છે: 2008, 2012, 2016, 2020 અને 2024.

રોનાલ્ડોને 2006ના ફિફા વર્લ્ડકપમાં રમવા માટે પસંદ કરવામાં આવ્યો હતો, જે તેનો પ્રથમ વર્લ્ડકપ પણ હતો. તેણે ટુર્નામેન્ટ દરમિયાન ઈરાન સામે ગોલ કર્યો હતો. તે ગોલ પણ તેનો પ્રથમ વર્લ્ડકપ ગોલ હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાંચ ફિફા વર્લ્ડકપ ટુર્નામેન્ટ (2006, 2010, 2014, 2018 અને 2022)માં રમી ચૂક્યા છે. તે પાંચ અલગ અલગ વર્લ્ડકપમાં ગોલ કરનાર પ્રથમ પુરુષ ખેલાડી છે અને પોર્ટુગલ માટે કુલ 22 વર્લ્ડ કપ મૅચોમાં ભાગ લીધો છે.

તેમના ફિફા વર્લ્ડકપમાં ભાગ લેવાની વિગતો આ પ્રમાણે છે :

2006 (જર્મની) : સેમિફાઇનલ (6 મૅચ, 1 ગોલ);  2010 (દક્ષિણ આફ્રિકા): રાઉન્ડ ઑફ 16 (4 મેચ, 1 ગોલ); 2014 (બ્રાઝિલ): ગ્રૂપ સ્ટેજ (3 મૅચ, 1 ગોલ); 2018 (રશિયા): રાઉન્ડ ઑફ 16 (4 મૅચ, 4 ગોલ; . 2022 (કતાર): ક્વાર્ટરફાઇનલ (5 મૅચ, 1 ગોલ).

આ 22 મૅચોમાં તેમના કુલ રેકૉર્ડમાં 8 ગોલ અને 2 આસિસ્ટનો સમાવેશ થાય છે. રશિયામાં રમાયેલા 2018ના વર્લ્ડકપમાં, રોનાલ્ડોએ 4 ગોલ કર્યા હતા. પોર્ટુગલની પહેલી ગ્રૂપ ગેઇમમાં, તેણે સ્પેન સામે 3-3થી ડ્રોમાં હૅટ્રિક ફટકારી હતી. ત્યારબાદ, તેણે મોરોક્કો સામે વિજયી ગોલ કર્યો હતો. છેલ્લી ગ્રૂપ ગેઇમમાં, તે ઈરાન સામે 1-1થી ડ્રોમાં પેનલ્ટી ચૂકી ગયો હતો.

રોનાલ્ડોની ક્લબ કારકિર્દી જોઈએ તો : વ્યાવસાયિક ફૂટબૉલ ક્ષેત્રે, રોનાલ્ડોએ 2002માં 16 વર્ષની ઉંમરે સ્પૉર્ટિંગ સીપી સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યાં તેમની ગતિ, ડ્રિબ્લિંગ અને રમવાની શૈલીએ આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચ્યું.

ત્યાર બાદ તેઓ માન્ચેસ્ટર યુનાઇટેડ (2003–2009, 2021–2022) સાથે જોડાયા. તેમણે 2003માં સર એલેક્સ ફર્ગ્યુસન હેઠળ માન્ચેસ્ટર યુનાઇટેડ સાથે કરાર કર્યો. અહીં, તે એક વિશ્વકક્ષાના ખેલાડી તરીકે વિકસ્યો અને 3 પ્રીમિયર લીગ ટાઇટલ જીત્યા. તેણે UEFA ચૅમ્પિયન્સ લીગ (2008) જીતી અને તેનો પહેલો બેલોન ડી’ઓર (2008) જીત્યો. જોકે રોનાલ્ડોનો સૌથી સફળ સમયગાળો રિયલ મેડ્રિડ (2009–2018) ખાતે રહ્યો. માન્ચેસ્ટર યુનાઇટેડ માટે તેણે 2006-07, 2007-08 અને 2008-09 માં ત્રણ સતત પ્રીમિયર લીગ ટાઇટલ જીત્યા હતા. 2007-08માં, રોનાલ્ડોએ યુનાઇટેડને UEFA ચૅમ્પિયન્સ લીગ જીતવામાં મદદ કરી. 2008-09માં, તેણે ડિસેમ્બરમાં તેનો પહેલો બેલોન ડી’ઓર જીત્યો. એક સમયે રોનાલ્ડો જુલાઈ 2009માં લગભગ £80 મિલિયનમાં માન્ચેસ્ટર યુનાઇટેડથી રિયલ મેડ્રિડ ગયા પછી, તે ત્યાર સુધીના સૌથી મોંઘા વ્યાવસાયિક ફૂટબૉલર હતા. 2009માં, રોનાલ્ડોને “વર્લ્ડ પ્લેયર ઑફ ધ ડિકેડ 2000” માં સમાવવામાં આવ્યા હતા, જે લિયોનેલ મેસ્સી (બીજો ક્રમ) અને રોનાલ્ડીન્હો (પ્રથમ ક્રમ) પછી ત્રીજા ક્રમે હતા. હાલમાં તે સાઉદી અરેબિયન ફૂટબૉલ ક્લબ અલ નાસ્સરમાં રમી રહ્યા છે. તે પ્રથમ અબજોપતિ ફૂટબૉલર છે, જેની કુલ સંપત્તિ $1.4 બિલિયન ડૉલર છે.

રોનાલ્ડોએ પ્રાપ્ત કરેલ મહત્ત્વના પુરસ્કારો અને સિદ્ધિઓ પર નજર કરીએ તો : 5 બેલોન ડી’ઓર પુરસ્કારો, બહુવિધ યુરોપિયન ગોલ્ડન શૂઝ; ઇંગ્લૅન્ડ, સ્પેન અને ઇટાલીમાં અસંખ્ય લીગ ટાઇટલ તેમના નામે છે.

ફૂટબૉલ ઉપરાંત, રોનાલ્ડો એક વૈશ્વિક આઇકોન છે અને સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરાયેલી વ્યક્તિઓમાંના એક છે. તેઓ એક સફળ ઉદ્યોગસાહસિક હોવા ઉપરાંત ચૅરિટી કાર્ય અને પરોપકાર માટે જાણીતા છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સર્વકાલીન મહાન ફૂટબૉલરોમાંના એક તરીકે વ્યાપકપણે ગણવામાં આવે છે. નમ્ર શરૂઆતથી વૈશ્વિક સુપરસ્ટારડમ સુધીની તેમની સફર પ્રતિભા, સખત મહેનત અને નિશ્ચયની કહાની છે.

ત્રિલોક સંઘાણી