ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo) (જ. આશરે 1430થી 1435, વેનિસ, ઇટાલી; અ. આશરે 1493થી 1495, ) : બળૂકી અભિવ્યક્તિ માટે જાણીતા ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. તેમણે ચિત્રકાર પિતા જેકોપો ક્રિવેલી હેઠળ પ્રારંભિક તાલીમ લીધેલી. ત્યાર બાદ તેઓ વેનિસના ચિત્રકાર બંધુઓ ઍન્તૉનિયો વિવારિની અને બાર્તૉલોમિયો વિવારિનીના અને એ પછી પાદુઆના ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાના પ્રભાવ હેઠળ આવ્યા. ક્રિવેલીની આ રીતે ઘડાયેલી ચિત્રશૈલીમાં પ્રકાશછાયાના વિસ્તારો સુરેખ રીતે અંકિત થયેલા જોવા મળે છે.
જરીકામ કરેલાં વસ્ત્રોમાં સજ્જ ક્રિવેલી આલેખિત માનવ- આકૃતિઓના મુખ પર સ્વપ્નિલતા, ચિંતા અને વિષાદના ભાવ જોવા મળે છે. સમગ્ર વાતાવરણ રેનેસાંસ કરતાં ગૉથિક વધુ જણાય છે; કારણ કે સુશોભન પર તેમણે વધુ ભાર મૂક્યો છે. ક્રિવેલીની જાણીતી ચિત્રકૃતિઓમાં (1) ‘મેડૉના દેલ્લા પાશોને’ (1457), (2) ‘પિયેતા’ (1485), (3) ‘ધ વર્જિન એન્થ્રોન્ડ વિથ ચાઇલ્ડ ઍન્ડ સેઇન્ટ્સ’ (1491) અને (4) ‘કૉરોનેશન ઑવ્ વર્જિન’(1493)નો સમાવેશ થાય છે.
અમિતાભ મડિયા