ક્રાફ્ટ, ઍડમ (Craft, Adam) (જ. આશરે 1455થી 1460, નર્નબર્ગ, જર્મની; અ. 1508 કે 1509, શ્વેબેખ, જર્મની) : પ્રસિદ્ધ જર્મન ગૉથિક શિલ્પી. ભાવવાહી માનવ-આકૃતિઓ કંડારવા માટે તેઓ જાણીતા છે. એમના જીવન અંગે જૂજ માહિતી મળે છે. ‘ક્રાઇસ્ટ્સ પેશન’ (1490) તથા ‘રિઝરેક્શન’ (1492) એમની શ્રેષ્ઠ શિલ્પરચનાઓ ગણાય છે. વળી નર્નબર્ગ ખાતે સેંટ લૉરેન્ઝ ચર્ચમાં તેમણે કંડારેલા શિલ્પમાં મકાનની આકૃતિ સાથે આત્મશિલ્પ પણ છે. એમની અંતિમ શિલ્પકૃતિ ‘સ્ટેશન્સ ઑવ્ ધ ક્રૉસ’માં નાટ્યાત્મકતા સાથે તેમણે શાંત ભાવનું આલેખન કર્યું છે.
અમિતાભ મડિયા