ક્રાંતિક પથપદ્ધતિ (critical path method – CPM) : પરિયોજનાની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન અને નિયંત્રણ કરી તેને પરિપૂર્ણ કરવા માટેની પ્રવિધિ. આ પદ્ધતિનો ઉદય લગભગ 1955ની આસપાસ થયો, જ્યારે તેનો વિકાસ પરિયોજનાને નેટવર્ક દ્વારા દર્શાવવાથી થયો. આખી પરિયોજનાને જુદી જુદી નાની નાની અનેક પ્રવૃત્તિઓમાં વિભાજિત કરવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓ એકબીજી સાથે સંકળાયેલી હોવાથી તેને આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે, જેને નેટવર્ક કહેવામાં આવે છે.
કઈ પ્રવૃત્તિઓ સાથે થઈ શકે છે, કઈ પ્રવૃત્તિ કોના પર આધારિત છે, વિવિધ પ્રવૃત્તિઓ કયા ક્રમમાં પૂરી થશે, તે પૂરી થતાં આશરે કેટલો સમય લાગશે વગેરે બાબતો નેટવર્ક સ્પષ્ટપણે દર્શાવે છે. દરેક પ્રવૃત્તિના સમયની ગણતરી કરી સાદી અભિગણના દ્વારા આખા નેટવર્કમાંનો લાંબામાં લાંબો પથ શોધી શકાય છે, જેને ક્રાંતિક પથ કહેવામાં આવે છે. કોઈ એક પરિયોજના માટે એક કરતાં વધારે ક્રાંતિક પથો હોઈ શકે છે. જે પ્રવૃત્તિઓ આ ક્રાંતિક પથ પર આવેલી હોય તેને ક્રાંતિક પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. આમ ક્રાંતિક પથ પરિયોજના કેટલા સમયમાં પૂરી થશે તે દર્શાવે છે. પરિયોજનાના આયોજન અને નિયંત્રણમાં ક્રાંતિક પ્રવૃત્તિઓ અને ક્રાંતિક પથ ખૂબ મદદરૂપ થાય છે. ક્રાંતિક પ્રવૃત્તિઓમાં કોઈ કારણસર વિલંબ થાય તો આખી પરિયોજના વિલંબમાં પડે છે, માટે ક્રાંતિક પથ પરની પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છો.
નેટવર્કની દરેક પ્રવૃત્તિને બાણ (arrow) દ્વારા અને પ્રવૃત્તિઓ શરૂ અને પૂરી થાય તેને વર્તુળ (node) દ્વારા રજૂ કરવામાં આવે છે. નેટવર્કમાં વિવિધ પ્રવૃત્તિઓનો પારસ્પરિક સંબંધ પૂર્ણપણે વર્ણવવો જોઈએ. તેને લીધે જ સમયસૂચિમાં વધુમાં વધુ નમ્યતા જોવામાં આવે છે. પારસ્પરિક સંબંધ એટલે જ્યાં સુધી આગળની બધી પ્રવૃત્તિઓ પૂરી ન થાય ત્યાં સુધી બીજી શરૂ ન કરી શકાય. તેથી નેટવર્કમાં સૌપ્રથમ માત્ર તાંત્રિક મર્યાદાઓને જ લક્ષમાં રાખી શકાય.
ક્રાંતિક પથ શોધવાની બે રીતો પ્રચલિત છે : (i) અગ્રપારક (forward pass), એમાં પરિયોજનાની શરૂઆતથી અંત સુધી જવાનું અને કુલ સમય શોધવાનો હોય છે. (ii) પ્રત્યગ્રપારક (backward pass), એમાં પરિયોજનાના અંતથી શરૂઆત સુધી પહોંચવાનું હોય છે. ક્રાંતિક પથ પૃથક્કરણની પદ્ધતિ એ વિવિધ પ્રવૃત્તિઓને નેટવર્કના રૂપમાં સાંકળતી પ્રક્રિયા છે. તેમાં સમય અને ખર્ચ બંનેનું સમતુલન સાધવામાં આવે છે. કોઈ પણ પરિયોજનાને સંપૂર્ણ રીતે સફળતાપૂર્વક પૂરી કરવા માટે તેના ત્રણ મુખ્ય ઘટકો(હેતુ, સાધનસંપત્તિ અને સમય)નું અનુકૂલન, સંકલન અને નિયંત્રણ સાધવામાં આવે છે. મોટી યોજનાઓમાં સમયના આયોજન તેમજ નિયંત્રણ માટે (PM) બહોળા પ્રમાણમાં વપરાય છે.
સુ. ર. ઓઝા