ક્રમિક પ્રસ્તરણ (graded bedding) : પ્રસ્તરણનો એક પ્રકાર. જળકૃત ખડકો સ્તરરચનાવાળા હોવાથી પ્રસ્તર-ખડકો તરીકે પણ ઓળખાય છે. પ્રસ્તર-ખડકો પૈકીના કોઈ એક ખડકસ્તરની રચના વખતે તેના બંધારણમાં રહેલા ઘટક-કણો ક્યારેક કદ મુજબ જમાવટ પામ્યા હોય છે. એટલે કે મોટા કદના કણો તે સ્તરના તળભાગ પર, ક્રમશ: નાના કદના કણો

ક્રમિક પ્રસ્તરણ

તેની ઉપર અને મથાળે સૂક્ષ્મ કદના કણોની જમાવટ થયેલી હોય છે. કણકદ મુજબની આ પ્રકારની ગોઠવણીને ક્રમિક પ્રસ્તરણ કહેવાય છે. આ પ્રકારની સંરચનામાં જો નીચે મોટા ગોળાશ્મ હોય તો ઉપર રેતીના મોટા કદના કણો હોય, ક્યારેક નીચે રેતીના કણો હોય તો ઉપર માટીના ઝીણા કણો પણ હોય. કણકદભિન્નતાની આ મુજબની વ્યવસ્થિત ગોઠવણી માટેના પરિબળ તરીકે સમુદ્રના સ્થિર પાણીને જવાબદાર ગણાવી શકાય. સમુદ્રતળ ઉપર થયેલા ભૂકંપ કે ખડકપ્રપાતને કારણે ત્યાં રહેલા ખડકો ભાંગીતૂટીને ભૂકો થઈ ગયા હોય અને એવો ચૂર્ણ-જથ્થો સ્થિર પાણીમાં તેમના કદ પ્રમાણે ગોઠવાઈને જામતો ગયો હોય તો જ આ પ્રકારની સંરચના શક્ય બની શકે.

ગિરીશભાઈ પંડ્યા