ક્રમિકતા-પ્લેટ-પદ્ધતિ

January, 2008

ક્રમિકતા-પ્લેટ-પદ્ધતિ (gradient plate technique) : ઔષધ દ્રવ્યો સામે પ્રતિકારક શક્તિ ધરાવતા બૅક્ટેરિયાના ઉત્પરિવર્તિત (mutant) વિભેદો(clones)ને અલગ કરવા અજમાવવામાં આવતી એક કસોટી. આ કસોટી દ્વારા સૂક્ષ્મજીવોમાં થયેલ પ્રતિકાર-પરિવર્તનનો ખ્યાલ મેળવી શકાય છે, જે આયુર્વિજ્ઞાનની ર્દષ્ટિએ અગત્યની છે. આ પ્રયોગમાં પ્રતિદ્રવ્યો (antibiotics) જેવી દવાની સાંદ્રતાનો ક્રમિક ઉપક્રમ પેટ્રી ડિશમાં મેળવવામાં આવે છે અને આ પ્રયોગના અંતે પ્રતિકાર-પરિવર્તન પામેલા વિભેદો અલગ થાય છે.

આ કસોટીની રજૂઆત ઝિબાલ્સ્કી અને બ્રાયસને 1952માં કરેલી; તેની વિગત આ મુજબ છે : (1) એક ઢળતા ગોઠવેલા પેટ્રી પાત્રમાં પોષક અગારના દ્રાવણને રેડો અને તેને જામવા દો. (2) આ પેટ્રી પાત્રને હવે સમતલ સપાટીએ ગોઠવો. (3) પાત્રમાં ઔષધીય રસાયણયુક્ત પોષક અગાર માધ્યમને રેડો. આમ કરવાથી ક્રમશ: ઔષધીય અગાર માધ્યમ ડિશમાં ફેલાતાં ત્યાં એક ક્રમિક ઔષધીય સાંદ્રતાના ઢાળની રચના થશે. (4) દર્દીના શરીરમાંથી મેળવેલ સૂક્ષ્મજીવોને ઉપલા સ્તરના માધ્યમમાં 1 × 1010 મિલિ.ના પ્રમાણમાં ભેળવો. (5) ઔષધની અસર હેઠળ બૅક્ટેરિયા સામાન્યપણે મૃત્યુ પામતા હોય છે, પરંતુ પ્રતિકારશક્તિ પામેલાં તેનાં સંતાનો ક્રમશ: નીચલા સ્તરે ટપકીને ત્યાં વૃદ્ધિ પામશે. આ વૃદ્ધિનું પ્રમાણ વિભેદોએ પ્રાપ્ત કરેલી પ્રતિકારશક્તિના પ્રમાણ પર આધારિત હોય છે. ઔષધની માત્રા ઓછી હોય તે છેડે સૂક્ષ્મજીવોનાં સંતાનો સારી રીતે વિકાસ પામેલાં હશે; પરંતુ જે ભાગમાં દવાની માત્રા વધારે હોય ત્યાં સૂક્ષ્મજીવોના સમૂહો ઓછા હશે અને આ સમૂહો અલગ થયેલા ઉત્પરિવર્તિત બૅક્ટેરિયાના અલગ વિભેદો છે. અલગ થયેલા આ વિભેદો દર્દીમાંથી મેળવેલ બૅક્ટેરિયાનાં સંતાનો છે.

ક્રમિકતા-પ્લેટ-પદ્ધતિ

આ પ્રયોગમાં વપરાતાં સાધનો, માધ્યમ કે પર્યાવરણ ઉપદ્રવકારી બૅક્ટેરિયાથી મુક્ત હોય તેવી તકેદારી રાખવાની હોય છે.

જ. મ. ત્રિવેદી