ક્યોટો : જાપાનની જૂની રાજધાની. જાપાનનાં મોટાં નગરોમાંનું એક. આ નગર 35° 5′ ઉ. અ. અને 135° 45′ પૂ. રે. ઉપર આવેલું છે. તે જાપાનની પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતીક ગણાય છે. નવી રાજધાની ટોકિયોની પશ્ચિમે 510 કિમી. અંતરે તથા ઓસાકા બંદરના ઈશાન ખૂણા તરફ 46 કિમી. અંતરે તે આવેલું છે. વિસ્તાર : 611 ચોકિમી. આ નગરનો આજુબાજુનો 4613 ચોકિમી. વિસ્તાર ત્રણ તરફ ડુંગરો અને પર્વતમાળાઓથી આચ્છાદિત છે. નગરનો વાર્ષિક સરેરાશ વરસાદ 1,575 મિમી. છે. પ્રણાલિકા મુજબ જાપાનના સમ્રાટોનો રાજ્યાભિષેક અહીંના નવમી સદીમાં બનાવેલા શાહી પ્રાસાદમાં થાય છે. ઈ. સ. 794થી 1868 દરમિયાન તે જાપાનનું પાટનગર હતું અને તેથી 1869 સુધી જાપાનના સમ્રાટો આ નગરમાં જ નિવાસ કરતા હતા. કામો નદી નગરના મધ્યમાંથી વહે છે. ત્યાં આવેલા લગભગ દરેક બૌદ્ધ મંદિરમાં પ્રાચીન સમયની બૌદ્ધ પરંપરાઓ તથા બનાવોનું દર્શન કરાવતી વસ્તુઓનાં સંગ્રહાલયો છે.
પ્રવાસન ત્યાંનો મુખ્ય વ્યવસાય છે. વર્ષમાં ત્રણ વાર ત્યાં ઊજવાતા તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં પર્યટકો ભેગા થાય છે. નગરનાં જોવાલાયક સ્થળોમાં નવમી સદીમાં બનાવેલો તથા 1855માં પુનર્નિર્મિત પ્રાચીન શાહી પ્રાસાદ રેન્ગોઇન મંદિર (1164), ડાઇટોકુજી મંદિર (1319), મિયોસિન્જી મંદિર (1337), ગોલ્ડન પેવિલ્યન (1394), રોકુઓન્જી મંદિર (1395, પુનર્નિર્મિત 1953), જિશોજી મંદિર (1480), નિજો કિલ્લો (1603), કિયોમિઝુદેરા મંદિર (1633) તથા સત્તરમી સદીમાં બનાવવામાં આવેલો કાટસુરા શાહી મહેલ વિશેષ નોંધપાત્ર છે.
નગરના પરંપરાગત ઉદ્યોગોમાં રેશમી કાપડ, જરીકામ અને ભરતકામ, ઊંચી જાતનું અન્ય કાપડ, રંગકામની વસ્તુઓ, માટીકામ, લાખકામ, તારકસબ તથા ઢીંગલીઓ બનાવવાના ઉદ્યોગો જાણીતા છે. આધુનિક ઉદ્યોગોમાં રસાયણ-ઉદ્યોગ તથા વીજળીનાં યંત્રો બનાવતાં કારખાનાં છે.
નગરમાં ત્રણ વિશ્વવિદ્યાલયો ડોશિશા (1875), ક્યોટો (1897) તથા રિત્સુમીકાન (1900) ઉપરાંત ઉચ્ચ શિક્ષણની અનેક સંસ્થાઓ છે.
1467-77ના ગાળા દરમિયાન આંતરવિગ્રહને કારણે નગરનો નાશ થયેલો; પરંતુ સોળમી અને સત્તરમી સદીના લશ્કરી શાસકોએ તેની પુનર્રચના કરીને તેનો પ્રાચીન વૈભવ પુન:પ્રસ્થાપિત કર્યો હતો. જાપાનની ભાષામાં ક્યોટો એટલે પાટનગર. 1868માં દેશનું પાટનગર ટોકિયો ખાતે ખસેડવામાં આવ્યું હતું. વસ્તી 2022 મુજબ 14,64,890 હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે