ક્યૂલ્પે, ઓસ્વાલ્ટ (જ. 3 ઑગસ્ટ 1862, કૅન્ડૉ-લૅટવિયા; અ. 30 ડિસેમ્બર 1915, મ્યૂનિક) : વિખ્યાત જર્મન માનસશાસ્ત્રી તથા મનોવિજ્ઞાનના વૂર્ટ્ઝબર્ગ સંપ્રદાયના પ્રવર્તક. 1887માં લાઇપઝિગ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કર્યા પછી આઠ વર્ષ સુધી વિખ્યાત માનસશાસ્ત્રી તથા વૂર્ટ્ઝબર્ગ સંપ્રદાયના સ્થાપક વૂન્ડીઝના સહાયક તરીકે ત્યાંની પ્રયોગશાળામાં કાર્ય કર્યું. તે પછી લાઇપઝિગ યુનિવર્સિટીમાં માનસશાસ્ત્રના વ્યાખ્યાતા (1888-1894), વૂર્ટ્ઝબર્ગ યુનિવર્સિટીમાં (1894-1909), અને બૉન યુનિવર્સિટીમાં તે જ વિષયના પ્રોફેસર (1909-13) અને છેલ્લે મ્યૂનિક યુનિવર્સિટીમાં પ્રોફેસર (1913-15) તરીકે કાર્ય કર્યું. વૂર્ટ્ઝબર્ગ ખાતેની કારકિર્દી દરમિયાન તેમણે ત્યાં પ્રાયોગિક માનસશાસ્ત્રના કેન્દ્રની સ્થાપના કરી હતી અને તેમના માર્ગદર્શન હેઠળ 50 જેટલા સંશોધનલેખો પ્રસિદ્ધ થયા હતા, જેમાંથી વૂર્ટ્ઝબર્ગ સંપ્રદાય(સ્કૂલ ઑવ્ થૉટ ઇન એક્સપેરિમેન્ટલ સાઇકૉલૉજી)ને પ્રેરણા મળી હતી.
તેમણે વૃત્તિઓ, વિચારક્રિયા, સ્મૃતિ અને પુન:સ્મરણ, સંવેદન, બોધક્ષમતા તથા અન્ય મનોવ્યાપારોનું પ્રાયોગિક અન્વેષણ કર્યું હતું. તેમણે કરેલા સ્મૃતિવિષયક પ્રયોગોને કારણે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં નવી ક્ષિતિજો વિસ્તરી છે. સંવેદન અને બોધ તથા અસ્તિત્વ અને પ્રતીતિ વચ્ચેનો ભેદ તેમણે જ સર્વપ્રથમ સ્પષ્ટ કર્યો હતો.
જર્મન ભાષામાં તેમણે લખેલા ગ્રંથોમાંથી કેટલાકનો અંગ્રેજી ભાષામાં અનુવાદ થયેલો છે જેમાં ‘ઍન આઉટલાઇન ઑવ્ સાઇકૉલૉજી’ (1901), ‘ઇમાન્યુએલ કાન્ટ’ (1907) તથા ‘સાઇકૉલૉજી ઍન્ડ મેડિસિન’ (1912) વિશેષ નોંધપાત્ર છે. માત્ર જર્મન ભાષામાં તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘ફિલૉસૉફી ઇન મૉડર્ન જર્મની’ તથા ‘ક્લાસિફિકેશન ઇન ધ ફિલૉસૉફી’ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે