ક્યુરી, પિયેર (જ. 15 મે 1859, પૅરિસ; અ. 19 એપ્રિલ 1906, પૅરિસ) : ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી. પત્ની માદામ ક્યુરી તથા આંરી (Henri) બૅકરલ સાથે સંયુક્ત ભાગીદારીમાં રેડિયો-ઍક્ટિવિટીની શોધ માટે તેમને 1903માં ભૌતિકશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 1894ની વસંતઋતુમાં પોલૅન્ડના વૉર્સોમાં સ્ક્લોદોવ્સ્કા (પછીથી મેરી ક્યુરી) સાથે પરિચયમાં આવ્યા અને બીજા જ વર્ષે 1895માં તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયા. તે જ વર્ષમાં ડૉક્ટરેટની ઉપાધિ પણ મેળવી. તે અગાઉ પોતાના ભાઈ ઝાકની સાથે, સ્ફટિકના ગુણધર્મોના અભ્યાસમાં સારી નામના મેળવી હતી. તેમણે દાબવિદ્યુત (piezoelectricity)ની ઘટનાની શોધ કરી, જેમાં અમુક સ્ફટિકોના કદમાં ફેરફાર કરતાં, તેમની સપાટી ઉપર વિદ્યુત-વિભવ ઉત્પન્ન થતો હોય છે. સ્ફટિક-બંધારણની સાથે સાથે તેમણે પદાર્થના ચુંબકીય
ગુણધર્મોનો પણ અભ્યાસ કર્યો. તેને માટે 0.01 મિલીગ્રામ વજન સહી શકે તેવી વળ-તુલા(torsion balance)નું આયોજન કર્યું. તેમણે શોધી કાઢ્યું કે અનુચુંબકીય (paramagnetic) પદાર્થો(દા.ત., ઍલ્યુમિનિયમ, પ્લૅટિનમ, મૅંગેનીઝ, ક્રાઉન કાચ જેમનું ચુંબક પ્રત્યેનું આકર્ષણ ખૂબ જ મંદ હોય છે)ની સુગ્રાહ્યતા (susceptibility) તેમના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને તેને માટે તેમણે ‘ક્યુરી વીસ’ નિયમ (Curie-Wiess Law) પ્રસ્થાપિત કર્યો. વળી તેમણે એ પણ શોધ કરી કે લોહચુંબકીય પદાર્થો માટે એક ચોક્કસ ક્રાંતિક તાપમાન (critical temperature) હોય છે, જેના કરતાં ઊંચા તાપમાને ચુંબકીય ગુણધર્મો અર્દશ્ય થતા હોય છે. તેમના નામ ઉપરથી આ તાપમાન ક્યુરી તાપમાન કે ક્યુરી-બિંદુ તરીકે ઓળખાય છે (જુઓ ‘ક્યુરી, મેરી’).
એરચ મા. બલસારા