ક્યુરી તાપમાન/ક્યુરીબિંદુ : લોહચુંબકીય (ferromagnetic) પદાર્થને ગરમ કરતાં તેમાં રહેલું કાયમી ચુંબકત્વ અર્દશ્ય થાય તે તાપમાન. પદાર્થ ઠંડો પડતાં ફરી પાછું પોતાનું ચુંબકત્વ પ્રાપ્ત કરે છે. આ ઘટનાની સૌપ્રથમ નોંધ પિયેર ક્યુરીએ લીધી હતી. જે પદાર્થો ચુંબક પ્રતિ પ્રબળ આકર્ષણ ધરાવતા હોય અને જેમનું ચુંબકના (magnetisation) કરી શકાતું હોય તેમને લોહચુંબકીય પદાર્થ કહે છે; ઉદા. લોખંડ, નિકલ, કોબાલ્ટ તથા તેમની મિશ્રધાતુઓ (alloys). લોખંડ માટે ક્યુરી તાપમાન 770° સે., નિકલ માટે 358° સે. અને મૅગ્નેટાઇટ માટે 585° સે. છે. મૅગ્નેટાઇટને લોહચુંબકીય ગણવાને બદલે, લઘુ-લોહચુંબકીય (ferrite) તરીકે ગણવામાં આવે છે. પરંતુ ફેરાઇટના સંક્રમણ-તાપમાન(transition temperature)નો ઉલ્લેખ આજે પણ ક્યુરીબિંદુ તરીકે જ કરવામાં આવે છે.
એરચ મા. બલસારા