કૌલ, મણિ (જ. 25 ડિસેમ્બર 1944, જોધપુર, રાજસ્થાન; અ. 6 જુલાઈ 2011, ગુરગાંવ, હરિયાણા) : ભારતીય ફિલ્મસર્જક. ચીલાચાલુ ભારતીય ફિલ્મોના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન લાવનાર ફિલ્મસર્જક. મૂળ નામ રવીન્દ્રનાથ કૌલ. ફિલ્મનું માધ્યમ કૅમેરા અને ધ્વનિ છે. આ બંને દ્વારા વિચારની અભિવ્યક્તિ કરી શકનાર ફિલ્મ સફળ ફિલ્મ ગણાવી શકાય.

મણિ કૌલની પ્રથમ ફિલ્મ ‘ઉસકી રોટી’ 1970માં બની. તેમની પ્રથમ ત્રણ ફિલ્મો ‘ઉસકી રોટી’, ‘આષાઢ કા એક દિન’ અને ‘દુવિધા’ સાહિત્યિક કૃતિઓ ઉપર આધારિત હોવા છતાં સિનેમાના માધ્યમ દ્વારા મૌલિક કૃતિની જેમ પ્રતિષ્ઠા પામી. સાહિત્ય અને સિનેમાના માધ્યમનો ભેદ તેમણે સ્પષ્ટ રીતે બતાવી દીધો. ‘ઉસકી રોટી’ એક નવલિકા ઉપર, ‘આષાઢ કા એક દિન’ ત્રિઅંકી નાટક ઉપર અને ‘દુવિધા’ એક દંતકથા ઉપર આધારિત હતાં. ત્યાર બાદ ‘સત્તા સે ઉઠાતા આદમી’માં એક અભિનવ પ્રયોગ કર્યો. ખ્યાતનામ હિંદી સાહિત્યકાર ગજાનન માધવ મુક્તિબોધની ત્રણ નવલિકા, બે લાંબી કાવ્યરચનાઓ, એક લાંબો નિબંધ અને આત્મકથા – આ તમામને ગૂંથીને માત્ર એક જ ફિલ્મમાં ઢાળી દીધાં. ત્યાર બાદ ‘માટી માનસ’ના દસ્તાવેજી ચિત્રમાં તેની ઐતિહાસિક ગાથાને કાવ્યાત્મક સ્પર્શ આપ્યો. સિદ્ધેશ્વરીદેવીના સંગીત અને જીવન ઉપર આધારિત ફિલ્મ ‘સિદ્ધેશ્વરી’ તેમની કલ્પનાની એક ચરમ સીમા સાબિત થઈ. આ ફિલ્મ લંડન ચિત્રમહોત્સવમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.

મણિ કૌલ

એમણે બધી મળીને 23 ફિલ્મો કરી છે. તેઓ 2006ની સાલ સુધી ફિલ્મ સર્જન સાથે સક્રિય હતા. એમણે એક બે ફિલ્મોમાં અભિનય પણ કરેલો છે.

તેમણે તૈયાર કરેલી ફિલ્મોની સૂચિ નીચે મુજબ છે :

‘ઉસકી રોટી’ (1970), ‘આષાઢ કા એક દિન’ (1971), ‘દુવિધા’ (1973), ‘ધ નોમૅડ પપેટિયર્સ’ (1974), ‘ચિત્રકથી’ (1977), ‘સત્તા સે ઉઠાતા આદમી’ (1976), ‘એરાઇવલ’ (1980), ‘ધ્રુપદ’ (1982), ‘ડેઝર્ટ ઑવ્ એ થાઉઝન્ડ લાઇન્સ’ (1984), ‘માટી માનસ’ (1984), ‘બિફોર માઇ આઇઝ’ (1988), ‘સિદ્ધેશ્વરી’ (1989), ‘નઝર’ (1989), ‘ઇડિયટ’ (1991), ‘નૌકર કી કમીઝ’ (1999), ‘બોઝ’ (2000), ‘ઇક બેન ગીન એન્ડર’ (આઈ ઍમ નો અધર), ‘નેધરલૅન્ડ’ (2002), ‘એ મન્કીઝ રેઇનકોટ નેધરલૅન્ડ’ (2005).

પીયૂષ વ્યાસ