કોસ્ટારિકા : ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને જોડતી પટ્ટી ઉપર આવેલો પ્રજાસત્તાક દેશ. તેની ઉત્તરે નિકારાગુઆ, પૂર્વમાં કૅરિબિયન સમુદ્ર, દક્ષિણમાં પનામા તથા પશ્ચિમમાં પૅસિફિક મહાસાગર છે. 300 વર્ષ સુધી તે સ્પેનની વસાહત હતી. વિસ્તાર : 50,900 ચોકિમી. વસ્તી : 49.25 હજાર (2023). વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. 82.6 છે. સાન હોઝે તેનું પાટનગર છે જે મધ્ય વિસ્તારની પર્વતમાળાની ખીણમાં વસેલું છે.
દેશની વાયવ્ય દિશામાં આવેલ વ્હોલ્કાનિકાથી અગ્નિ દિશામાં આવેલ તાલામાંકા સુધી પર્વતમાળાઓ છે, જેમાં પોઆસ (2,705 મી.), બાર્બા (2,906 મી.) ઇરાસૂ (3,432 મી.), તુરીઆલ્બા (3,328 મી.) જ્વાળામુખીઓ તથા મધ્ય ભાગમાં 3,820 મી. ઊંચાઈ ધરાવતું ચિરિપો ગ્રાંદે સૌથી ઊંચું પર્વતશિખર છે. 1963 અને 1968માં આમાંના કેટલાક જ્વાળામુખી ફાટતાં મોટા પાયા પર વિનાશ સર્જાયો હતો. આ જ્વાળામુખીઓની તળેટીથી 1000થી 2000 મી. ઊંચાઈ પર પઠાર છે. આ વિસ્તારની આબોહવા સમશીતોષ્ણ તથા લગભગ આખા વર્ષ સુધી વસંતઋતુ જેવી હોય છે. દેશના મોટા ભાગનાં મહત્વનાં શહેરો આ વિસ્તારમાં આવેલાં છે. દરિયાકાંઠાના પ્રદેશમાં સરેરાશ તાપમાન 27° સે. તથા પઠારના મેદાની વિસ્તારમાં 22° સે. હોય છે. ત્યાં વાર્ષિક સરેરાશ વરસાદ 2500–5000 મિમી. પડે છે. કૅરિબિયન સમુદ્રના કાંઠાના પ્રદેશમાં વાર્ષિક સરેરાશ વરસાદ 3048 મિમી. પડે છે. નિકારાગુઆ સરોવરમાંથી નીકળતી સાન વૉન તથા કોસ્ટારિકાના પ્રદેશોમાં વહેતી રેવેંતાસોન મુખ્ય નદીઓ છે. તેના અડધોઅડધ વિસ્તારમાં ગીચ જંગલો આવેલાં છે. ઓક અને પાઇન જેવાં ઇમારતી લાકડાંનાં વૃક્ષો તથા વિવિધ પ્રકારનાં ફળો અને ફૂલોથી દેશ સમૃદ્ધ છે. જૅગુઅર, પ્યૂમા, હરણ તથા વાંદરા ત્યાંનાં મુખ્ય વન્ય પશુઓ છે. પાન-અમેરિકન ધોરીમાર્ગ દેશમાં ઉત્તરથી દક્ષિણ તરફ જતો હોવાથી વ્યાપાર અને વાણિજ્યના વિકાસ માટે આશીર્વાદરૂપ બન્યો છે.
દેશનું અર્થતંત્ર ખેતી-આધારિત છે. દેશની 50 ટકા વસ્તી ખેતીમાંથી આજીવિકા મેળવે છે. કૉફી અને કેળાં મુખ્ય પેદાશ છે, જેના પર દેશની સમૃદ્ધિનો આધાર છે. કૉફી એની મુખ્ય નિકાસ છે. મધ્ય અમેરિકામાં કૉફીનું વાવેતર સર્વપ્રથમ આ દેશમાં જ 1795માં કરવામાં આવેલું. કોકો અને ખાંડનું ઉત્પાદન અને નિકાસ થાય છે. ડાંગર, મકાઈ, બટાકા તથા કઠોળનું ઉત્પાદન કરવામાં આવે છે. પશુસંવર્ધન તથા ડેરી ઉદ્યોગનો પણ ઠીકઠીક વિકાસ થયેલો છે, દરિયાકાંઠાના વિસ્તારમાં વિવિધ પ્રકારનાં માછલાં મળે છે. ઉદ્યોગોમાં કાપડ, રાસાયણિક ખાતરો, દવાઓ અને રસાયણ-ઉદ્યોગોનો વિકાસ થયેલો છે. લૅટિન અમેરિકાના દેશોમાં અલ સાલ્વાડોર બાદ કરતાં કોસ્ટારિકામાં ઉદ્યોગીકરણ નોંધપાત્ર પ્રમાણમાં થયેલું છે. 1966માં તેલનું તથા આસ્ફાલ્ટનું એક એક કારખાનું સ્થાપવામાં આવ્યું હતું. વીસમી સદીના છઠ્ઠા અને સાતમા દાયકામાં ચર્મઉદ્યોગ, ખાંડશુદ્ધીકરણ, કાપડ- વણાટ, વનસ્પતિ તેલ, પ્રક્રમણ પામેલા ખાદ્ય પદાર્થો અને સાબુ તથા સિગારેટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમોનો વિકાસ થયો છે. મોટા ભાગનો વ્યાપાર અમેરિકા સાથે તથા અન્ય દેશોમાં જર્મની, જાપાન, કૅનેડા તથા ઇંગ્લૅન્ડ સાથે છે. ચૂનાનો પથ્થર, સોનું અને બૉક્સાઇટ મુખ્ય ખનિજો છે.
બંને બાજુના દરિયાકિનારાને જોડતા ચાર રેલમાર્ગો છે, જે દેશના પાટનગરમાંથી પસાર થાય છે. ઇન્ટરઅમેરિકન ધોરીમાર્ગથી આ દેશ નિકારાગુઆ તથા પનામા સાથે જોડાયેલો છે. કૅરિબિયન સમુદ્ર પર લિમૉન તથા પૅસિફિક મહાસાગર પર પૂંતારેનાસ અને ગાલ્ફિતો મુખ્ય બંદરો છે. તેને 1240 કિમી. લાંબો દરિયાકિનારો પ્રાપ્ત થયો છે. અલ કોકો આંતરરાષ્ટ્રીય વિમાની મથક છે.
દેશની એકંદર આંતરિક કાચી ગૃહપેદાશ (GDP) 4 અબજ ડૉલર તથા માથાદીઠ એકંદર આંતરિક કાચી ગૃહપેદાશ (PCGDP) 1,820 ડૉલર (1979) હતી જે લૅટિન અમેરિકાના અન્ય દેશોની સરખામણીમાં વિશેષ ગણાય.
મોટા ભાગની વસ્તી યુરોપીય કુળની છે અને તેમાં સ્પૅનિશ કુળની પ્રજાનું પ્રમાણ વિશેષ છે. સ્પૅનિશ દેશની મુખ્ય ભાષા તથા રોમન કૅથલિક મુખ્ય ધર્મ છે. આ દેશમાં એક તરફ વસ્તીવૃદ્ધિનો ખૂબ ઊંચો દર તો બીજી બાજુ સાક્ષરતાનું ખૂબ ઊંચું પ્રમાણ (90%) ધ્યાન ખેંચે છે. દેશમાં શિક્ષણ અને સ્વાસ્થ્યસેવાનો વ્યાપક વિકાસ થયેલો છે. 1843માં યુનિવર્સિટી ઑવ્ કોસ્ટારિકાની સ્થાપના થઈ હતી. દેશમાં સૈનિકો કરતાં શિક્ષકોની સંખ્યા વધારે છે. 7થી 17 વર્ષની વયમર્યાદાનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. બધી જ માધ્યમિક શાળાઓમાં 1944થી અંગ્રેજીનું શિક્ષણ અપાય છે.
પર્યટકો માટે પાટનગર સાન હોઝેનાં નાટ્યગૃહો, લલિતકલા સંગ્રહાલયો તથા ઉદ્યાનો આકર્ષણનાં સ્થળો છે. જ્વાળામુખી ઇરાસૂ પણ પર્યટકોને મોટી સંખ્યામાં આકર્ષે છે.
1821માં સ્વાધીનતા માટે સંઘર્ષ થયો. તેને પરિણામે મધ્ય અમેરિકાના સ્વતંત્ર પ્રજાસત્તાક દેશોના સંઘમાં આ દેશનો સમાવેશ કરવામાં આવ્યો. 1838માં આ સંઘના બધા દેશો સ્વતંત્ર થયા. 1889માં પ્રથમ વાર મુક્ત ચૂંટણી થઈ અને ત્યારથી 1917 અને 1948 બાદ કરતાં દેશમાં લોકશાહી રાજ્યવ્યવસ્થા ટકી છે. લૅટિન અમેરિકાના દેશોમાં આટલા લાંબા સમય સુધી લોકશાહી રાજ્યવ્યવસ્થા માત્ર આ દેશમાં જ ટકી રહી છે.
1502માં ક્રિસ્ટોફર કોલંબસે આ દેશની શોધ કરી હતી. દેશના વિશાળ દરિયાકાંઠાને લીધે તેનું નામ કોસ્ટારિકા પડ્યું છે.
1948 અને 1955માં નિકારાગુઆના બળવાખોરોએ આ દેશ પર આક્રમણ કર્યું હતું પરંતુ બંને વખતે આક્રમણકારો પરાસ્ત થયા હતા. કોસ્ટારિકાએ તાજેતરમાં તેનાં લશ્કરો બરખાસ્ત કર્યાં છે. વિશ્વશાંતિ માટે ત્યાંનું કેન્દ્ર જગપ્રસિદ્ધ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે