કોસિજિન, અલેક્સી નિકોલાયેવિચ (જ. 20 ફેબ્રુઆરી 1904, સેંટ પિટર્સબર્ગ, રશિયા; અ. 8 ડિસેમ્બર 1980, મોસ્કો) : રશિયાના વડા પ્રધાન (1964–1980). પિતા ખરાદી. 1919માં રેડ આર્મીમાં જોડાયા તથા આંતરવિગ્રહમાં ભાગ લીધો. સામ્યવાદી ક્રાંતિની સફળતા પછી
કાપડની મિલમાં કામ કર્યું તથા લેનિનગ્રાડની ટૅક્સટાઇલ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ લીધી. 1927માં રશિયાના સામ્યવાદી પક્ષ(CPSUB)માં જોડાયા. લેનિનગ્રાડના નગર પ્રશાસનમાં જુદા જુદા હોદ્દા પર તથા ઔદ્યોગિક એકમોમાં મહત્વના હોદ્દા પર કામ કર્યું. 1938માં લેનિનગ્રાડના મેયર ચૂંટાયા. 1939માં કાપડ ઉદ્યોગના વહીવટી વિભાગના વડા તથા સામ્યવાદી પક્ષની મધ્યસ્થ સમિતિના સભ્ય નિમાયા. 1940માં મંત્રીપરિષદના ઉપપ્રમુખ, 1953 સુધી વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોના વિભાગની ખાસ જવાબદારી સંભાળી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રશિયન સોવિયેટ ફેડરેટેડ સોશિયાલિસ્ટ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રીના હોદ્દે રહ્યા. 1948માં નાણાપ્રધાન તથા થોડાક સમય પછી 1948–53 દરમિયાન લઘુ ઉદ્યોગોના મંત્રી રહ્યા. 1948માં સામ્યવાદી પક્ષની નીતિનિર્ણાયક સમિતિ(politburo)માં ચૂંટાયા.
1953માં માર્શલ સ્ટાલિનના મૃત્યુ પછી પક્ષના અધ્યક્ષમંડળ (presidium) પરથી તથા સરકારી હોદ્દા પરથી દૂર કરાયા, પરંતુ થોડાક જ મહિના પછી મંત્રીપરિષદના ઉપપ્રમુખપદે પુન: સ્થાપિત થયા. ડિસેમ્બર 1956માં આ પદ પરથી ફરી તેમને દૂર કરવામાં આવ્યા. નિકિતા ક્રુશ્ચેવ સોવિયેટ સંઘના મહામંત્રી (1955–64) બન્યા પછી કોસિજિન પક્ષના અધ્યક્ષમંડળમાં તથા મંત્રીપરિષદના ઉપપ્રમુખપદે ફરી નિમાયા. માર્ચ 1956થી મે 1960 સુધી તે દેશના આયોજન મંડળ(Gosplan)ના પ્રમુખ રહ્યા. મે 1960માં પક્ષના અધ્યક્ષમંડળના પૂર્ણ સભ્ય તથા મંત્રીપરિષદના પ્રથમ ઉપપ્રમુખ બન્યા. ઑક્ટોબર 1964માં ક્રુશ્ચેવ મહામંત્રીપદેથી દૂર થયા તે પછી મંત્રીપરિષદના પ્રમુખ તરીકેનું સ્થાન કોસિજિને લીધું અને સોવિયેટ સંઘની સરકારના વડા બન્યા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોસિજિને ક્રુશ્ચેવની શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની નીતિ ચાલુ રાખી તથા ચીન સાથે સુલેહ સાધવાનો પ્રયાસ કર્યો. જૂન 1967માં તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાને સંબોધન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રમુખ લિંડન જૉન્સન સાથે તેમણે જે વાટાઘાટો કરી તેના પરિણામે રશિયા તથા અમેરિકાના રાજદ્વારી સંબંધમાં ઘણો સુધારો થયો તેમ કહેવાય છે. 23 ઑક્ટોબર 1980ના રોજ બ્રેઝનેવે સ્વાસ્થ્યનાં કારણોસર કોસિજિનની નિવૃત્તિની જાહેરાત કરી અને તે પછી ત્રણ જ મહિનામાં તેમનું અવસાન થયું.
ભારત-પાકિસ્તાનના યુદ્ધ (1965) પછી બંને દેશો વચ્ચે તાશ્કંદ સમજૂતી (1966) કરાવનાર તરીકે કોસિજિન ભારતમાં જાણીતા થયા હતા. 1971માં ભારત અને રશિયા વચ્ચે એકમેકને સહાય કરવાના તથા સંપર્ક રાખવાના કરાર પણ કોસિજિનના સમયમાં જ કરવામાં આવ્યા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે