કોવૈ : તમિળના અકમ્ સાહિત્યનો એક પ્રકાર. એમાં મુલ્લૈ, કુરિંજ, પાલૈ, મરુદમ, નેયદલ એ પાંચ ખંડોમાં પ્રેમીપ્રેમિકાના અંતરંગ જીવનનું વર્ણન હોય છે. કોવૈમાં પૂર્વરાગ તથા લગ્નોત્તર પ્રેમ એ બંનેનું વર્ણન હોય છે. કોવૈ કૃતિઓમાં કટ્ટલે, કલિ અને તુરમ્ છંદમાં રચાયેલાં પ્રેમવિષયક 400 પદો હોય છે. પ્રત્યેક પદમાં પ્રેમી-પ્રેમિકા અથવા ભાવિ પતિ-પત્નીના જીવનના પ્રસંગોનું વર્ણન હોય છે. ઓરુતુરૈ કોવૈ પણ કોવૈનો એક પ્રકાર છે. એના દરેક પદમાં કવિ પોતાના ઇષ્ટદેવતા તથા આશ્રયદાતા રાજાને સંબોધન કરે છે. એ ર્દષ્ટિએ એને દરબારી કવિતાનું એક રૂપ કહી શકાય.
તમિળની કેટલીક પ્રસિદ્ધ કોવૈ કૃતિઓ છે : તિરુક્કોવૈયાર, તંજોવાણન કોવૈ, તિરુવેગે કોવૈ, પાડિયન કોવૈ વગેરે.
કે. એ. જમના