કોવારુબિયાસ મિગ્વેલ

January, 2008

કોવારુબિયાસ, મિગ્વેલ (Covarrubias, Miguel) (જ. 22 નવેમ્બર 1904, મૅક્સિકો નગર, મૅક્સિકો; અ. 4 ફેબ્રુઆરી 1957, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : આધુનિક મૅક્સિકન ચિત્રકાર અને સાંસ્કૃતિક સંશોધક. શાલેય અભ્યાસ મૅક્સિકોમાં પૂરો કરી ન્યૂયૉર્ક નગર જઈ ત્યાં કલાનો અભ્યાસ કર્યો. એ પછી ન્યૂયૉર્ક નગરથી પ્રકાશિત થતા સ્ત્રીઓનાં વસ્ત્રો, સૌંદર્યપ્રસાધનો અને ફૅશન અંગેના જાણીતા સામયિક ‘વેનિટી ફૅર’(Vanity fair)માં છાપકામ અને ડિઝાઇનનું કામ કર્યું. 1940માં ન્યૂયૉર્ક નગરના ‘મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ’ મૅક્સિકોની સમગ્ર કલાને ઉજાગર કરતા પ્રદર્શન ‘ટ્વેન્ટી સૅન્ચુરિઝ ઑવ્ મૅક્સિકન આર્ટ’ માટેની કલાકૃતિઓ પસંદ કરવાનું કામ તેમને આપ્યું; જે તેમણે સુપેરે પાર પાડ્યું. આ માટે તેમણે મૅક્સિકોની મુલાકાત લઈ ત્યાંની પ્રાચીન અને આધુનિક કલાના શ્રેષ્ઠ નમૂના પ્રદર્શનના સમય પૂરતા લોન રૂપે મેળવ્યા. આ પ્રદર્શનથી તેમની નામના ફેલાઈ. ત્યાર બાદ તેમણે પૅસિફિક સમુદ્રના ટાપુઓની મુલાકાતો લીધી અને ત્યાંની સ્થાનિક કલા અંગે સંશોધન કર્યું. ચિત્રકાર ઍન્તોનિયો રુઇઝના સાથમાં તેમણે અમેરિકાના પૅસિફિક હાઉસના ‘ગોલ્ડન ગેટ એક્સ્પોઝન’ મકાન ઉપર ભીંતચિત્રો ચીતર્યાં. કોવારુબિયાસે પોતાની પત્ની રોસા રોલેન્ડાના સંગાથમાં ગુગેન્હાઇમ ફાઉન્ડેશનની શિષ્યવૃત્તિની સહાય વડે મૅક્સિકોના તેહુઆન્તે પેક (Tehuantepec) ભૂશિરની કલાસંસ્કૃતિ ઉપર સંશોધન કરી પુસ્તક લખ્યું. ત્યાર બાદ તેમણે પોતાની પત્ની સાથે ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર જઈ ત્યાંની કલાસંસ્કૃતિ વિશે પુસ્તક લખ્યું – ‘આઇલૅન્ડ ઑવ્ બાલી’.

મિગ્વેલ કોવારુબિયાસ

કોવારુબિયાસનાં મૌલિક ચિત્રોમાં વાસ્તવવાદી શૈલીમાં મૅક્સિકો, પૅસિફિકના ટાપુઓ અને બાલીના સાંસ્કૃતિક જીવનની ઝલક જોવા મળે છે.

અમિતાભ મડિયા