કોર, અર્પણા (જ. 4 સપ્ટેમ્બર 1954, દિલ્હી, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. કોઈ પણ પૂર્વતાલીમ વિના સ્વયંસૂઝથી તેમણે ચિત્રો આલેખવાં શરૂ કરેલાં. ભારતીય નારીને તેના કૌટુંબિક, સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક સંદર્ભો સાથે આલેખીને આધુનિક ભારતીય નારીની વિશિષ્ટ પરિસ્થિતિ કૅન્વાસ પર રજૂ કરવામાં તેઓ સફળ રહ્યાં છે; છતાં પુરુષ પર પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રહાર કરીને પુરુષને ગુનેગાર ઠેરવવાનો પ્રયાસ તેઓ કરતાં નથી. તેમનાં ચિત્રોમાં હળવા હાસ્ય- વિનોદનું વાતાવરણ અનુભવવા મળે છે. નાનકડી બાળાઓથી માંડીને ડોસીઓ સુધીની સ્ત્રીઓને તેમણે જીવંત મુદ્રાઓમાં આલેખી છે.

અર્પણા કોરની લાક્ષણિક ચિત્રકૃતિ

દેશવિદેશમાં તેમણે તેમનાં ચિત્રોનાં ઘણાં પ્રદર્શનો કર્યાં છે. દિલ્હીની કેન્દ્રીય લલિત કલા અકાદમીએ તેમને રાષ્ટ્રીય પુરસ્કાર વડે નવાજ્યાં હતાં.

અમિતાભ મડિયા