કોર્ડિરાઇટ (= આયોલાઇટ = ડાઇક્રૉઇટ)

January, 2008

કોર્ડિરાઇટ (= આયોલાઇટ = ડાઇક્રૉઇટ) : રંગવૈવિધ્ય તથા કઠિનતાના કારણે રત્નમાં ખપતું ખનિજ. રા. બં. (Mg.Fe3+)2Al4Si5O18; સ્ફ. વ. ઑર્થોરૉમ્બિક; સ્વ. પ્રિઝમસ્વરૂપ ટૂંકા સ્ફટિકો, દળદાર કે દાણાદાર; રં. વાદળીની છાંયવાળો, મોટે ભાગે ભૂરો જાંબલી; ભાગ્યે જ લીલો, રાખોડી, પીળો કે કથ્થાઈ; તેજસ્વી રંગવિકાર (pleochroism); સં. (010)ને સમાંતર સ્પષ્ટ, (001) અને (100)ને સમાંતર અસ્પષ્ટ; ચ. કાચમય; ભં. સ. વલયાકારવત્, બરડ; ચૂ. રંગવિહીન; ક. 7.00થી 7.5; વિ. ઘ. 2.53થી 2.78,

પ્ર. અચ.   (અ) વક્રી.  α = 1.512થી 1.558

β = 1.524થી 1.574

Υ = 1.527થી 1.578

(બ) 2 V = 65°થી 104°

પ્ર. સં. દ્વિઅક્ષી ધન(+) કે ઋણ(-) પ્રા. સ્થિ. ગ્રૅનાઇટ, પૅગ્મેટાઇટ, નોરાઇટ, ઍન્ડેસાઇટ જેવા અગ્નિકૃત ખડકોમાં મૃણ્મય ખડકોના સ્વાંગીકરણ(assimilation)થી; ઍલ્યુમિનિયમની વિપુલતા-વાળા ઉષ્ણતાવિકૃતિની અસર હેઠળ આવેલા ખડકોમાં; નાઇસ અને શિસ્ટ જેવા વિકૃત ખડકોમાં.

ઉપયોગ : કેટલીક વખતે રત્ન તરીકે ઉપયોગમાં લેવાય છે. તેમાંનું મૅગ્નેશિયમ લોહથી વિસ્થાપિત થાય ત્યારે તે કૉર્ડિયર નામે ઓળખાય છે. રત્નસ્ફટિકો માડાગાસ્કર, ગ્રીનલૅન્ડ અને ફિનલૅન્ડમાંથી મળી રહે છે. તેનો એક રત્નપ્રકાર આયોલાઇટને નામે પણ જાણીતો છે જે શ્રીલંકા અને મ્યાનમારમાંથી મળે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે

ગિરીશભાઈ પંડ્યા