કોરિયા, ચાર્લ્સ (Correa, Charles)

February, 2026

કોરિયા, ચાર્લ્સ (Correa, Charles) (જ. 1 સપ્ટેમ્બર 1930, સિંકદરાબાદ, આંધ્રપ્રદેશ; અ. 16 જૂન 2015, મુંબઈ) : આધુનિક ભારતીય સ્થપતિ. શહેરી લોકો માટે આર્થિક રીતે પરવડે તેવાં અને સ્થાનિક વાતાવરણ સાથે અનુકૂળ હોય તેવાં મકાનો ડિઝાઇન કરવા માટે તેઓ પાવરધા હતા તેમાં તેઓ પરંપરાગત સામગ્રી અને પદ્ધતિઓ(ટૅકનૉલૉજી)નો ઉપયોગ કરતા હતા.

ગોવાના રોમન કૅથલિક ખ્રિસ્તી કુટુંબમાં જન્મ થયેલો. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકામાં યુનિવર્સિટી ઑવ્ મિશિગનમાં સ્થપતિ રિચર્ડ બકમિન્સ્ટર ફુલર હેઠળ અભ્યાસ કરીને સ્થાપત્યવિદ્યાની અનુસ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી.

1958થી મુંબઈ ખાતે સ્થપતિ તરીકે કારકિર્દી શરૂ કરી. અમદાવાદ ખાતેના ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ‘મહાત્મા ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ’ની ડિઝાઇન કરી, જેનું બાંધકામ 1963માં પૂરું થયું. એ પછી મધ્યપ્રદેશના વિધાનસભાગૃહની ડિઝાઇન તૈયાર કરી, જેનું બાંધકામ ભોપાલ ખાતે 1967માં પૂરું થયું.  એ પછી ગગનચુંબી સોનમર્ગ એપાર્ટમેન્ટની ડિઝાઇન કરી, જેનું બાંધકામ મુંબઈ ખાતે 1968માં પૂરું થયું. એ પછી ‘નૅશનલ ક્રાફ્ટ્સ મ્યુઝિયમ’ની ડિઝાઇન તૈયાર કરી, જેનું બાંધકામ દિલ્હી ખાતે 1990માં પૂરું થયું. એ પછી જવાહર કલાકેન્દ્રની ડિઝાઇન કરી, જેનું બાંધકામ જયપુર ખાતે 1992માં પૂરું થયું.

1970થી 1975 સુધીનાં પાંચ વર્ષ માટે કોરિયાની નિમણૂક નવી મુંબઈ(ન્યૂ બૉમ્બે)ના મુખ્ય સ્થપતિ તરીકે થઈ. 1984માં તેમણે મુંબઈમાં અર્બન ડિઝાઇન રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી, જેનો હેતુ હતો – શહેરી નાગરિકોની સુખાકારી જાળવી રાખવી અને સુધારવી. 1985માં વડાપ્રધાન રાજીવ ગાંધીએ તેમની નિમણૂક ભારત સરકારના ‘નૅશનલ કમિશન ઑન અર્બનાઇઝેશન’ના ચૅરમૅન તરીકે કરી, આ પદ પર તેમણે 2008 સુધી કામગીરી કરી. કૅનેડાના ટોરોન્ટો શહેરમાં ઇસ્માઈલી સેન્ટર માટે તેમણે ડિઝાઇન કરી, જેનું બાંધકામ 2014માં પૂરું થયું.

આ ઉપરાંત કોરિયારચિત સ્થાપત્યોમાં આ મકાનો નોંધપાત્ર છે : કામા હોટેલ, અમદાવાદ (1959), ટ્યૂબ હાઉસ, અમદાવાદ (1962 – હાલમાં તોડી પાડવાથી નષ્ટ થયું), ઇસીઆઇએલ ઑફિસ કૉમ્પ્લેક્સ, હૈદરાબાદ (1968), હોટેલ લીલા કોવલમ રેવિઝ, કેરળ (1974), કલા એકૅડેમી, ગોવા (1970), ભારતભવન, ભોપાલ (1982), બ્રિટિશ કાઉન્સિલ, દિલ્હી (1992), જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ, બૅંગાલુરુ (1989), સેઇન્ટ પીટર્સ ઍન્ડ સેઇન્ટ પોલ્સ ચર્ચ – પાઢુમાલા-તિરુમાલા, કેરળ (2000), મેકગોવર્ન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બ્રેઇન રિસર્ચ – એમઆઇટી બોસ્ટન, અમેરિકા (2004), શામ્પાલિમોડ સેન્ટર ફોર ધ અન્નૌન – લિસ્બન , પોર્ટુગલ (2010), ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર ઍસ્ટ્રૉનૉમી ઍન્ડ ઍસ્ટ્રૉફિઝિક્સ (સાવિત્રીબાઈ ફુલે યુનિવર્સિટી, પુણે) (2025).

કોરિયા આ ઍવૉર્ડ્ઝથી નવાજાયા છે : ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ (1972), રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બ્રિટિશ આર્કિટૅક્ટ્સ તરફથી રૉયલ ગોલ્ડ મેડલ (1984), આગાખાન ટ્રસ્ટ તરફથી ‘આગાખાન ઍવૉર્ડ ફોર આર્કિટૅક્ચર’ (1998), ઑસ્ટ્રિયન સરકાર તરફથી ‘ઑસ્ટ્રિયન ડેકોરેશન ફોર સાયન્સ ઍન્ડ આર્ટ’ (2005), ભારત સરકાર તરફથી ‘પદ્મવિભૂષણ’ (2006), ગોવા સરકાર તરફથી ‘ગોમાત વિભૂષણ’ (2011).

જીવનસાથી મોનિકા કોરિયા (1961–2015– જીવનસંગાથના વર્ષો) સંતાનો : નંદિતા કોરિયા, નકુલ કોરિયા.

હેમંત વાળા

અમિતાભ મડિયા