કોરાપુટ : ઓડિસા રાજ્યનો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 180o 49′ ઉ.અ. અને 82o 43′ પૂ.રે. 8807 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે નવરંગપુર, કાલાહંદી અને રાયગડા જિલ્લા; પૂર્વ તરફ રાયગડા જિલ્લો અને આંધ્ર પ્રદેશની સીમા; દક્ષિણ તરફ આંધ્ર પ્રદેશની સીમા તથા પશ્ચિમ તરફ મલકાનગિરિ જિલ્લો અને છત્તીસગઢ રાજ્યની સીમા આવેલાં છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ મુખ્યત્વે પૂર્વ ઘાટની ટેકરીઓથી બનેલું છે. તેનું સર્વોચ્ચ શિખર દેવમાલી (ઊંચાઈ : આશરે 1,650 મીટર) 900 મીટર ઊંચાઈ ધરાવતા ઉચ્ચપ્રદેશમાં આવેલું છે. અન્ય શિખરોમાં તુરિયા કોંડા, પોલામાકણી, મેયામાલી અને કર્ણપદી કોંડાનો સમાવેશ થાય છે. જિલ્લામાં ઉત્તર અયનવૃત્તીય સદાહરિત જંગલો આવેલાં છે. સાગ અને સાલ મુખ્ય વૃક્ષો છે.
કોરાપુટ જિલ્લો બંગાળની ખાડીમાં ઉદભવતાં રહેતાં ચક્રવાતી તોફાનોનો વારંવાર ભોગ બને છે. એ વાવાઝોડાનાં તોફાનો દરમિયાન ભારે વરસાદ પડે છે, નદીઓમાં પૂર આવે છે. તેથી નદીકાંઠાના વિસ્તારોને તેમજ ખેતીને નુકસાન થાય છે.
જિલ્લામાં ગોદાવરી થાળાને મળતી ઇન્દ્રાવતી, કોલાબ અને મચકુંદ નદીઓ વહે છે. ગુરદી અને પાતાલ જેવી નાની નદીઓ (નાળાં-વહેળાં) પણ છે.
ખેતી–પશુપાલન : જિલ્લામાં ધાન્ય પાક વિશેષે કરીને ડાંગર મોટા પ્રમાણમાં લેવાય છે. કઠોળ, રાગી, ઘઉં, મકાઈ, શેરડી, મગફળી, રાઈ, સરસવ, ચણા અને ચોળાની ખેતી પણ કરવામાં આવે છે. અહીં સિંચાઈ યોજનાઓ ન હોવાથી જૂની પરંપરાગત પદ્ધતિથી ખેતીના પાક લેવાય છે.
ગાય, ભેંસ અને ઘેટાં-બકરાં અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. કોરાપુટ શહેર ખાતે પશુદવાખાનાની, પશુચિકિત્સાલયની સુવિધા ઉપલબ્ધ છે. મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે.
ઉદ્યોગ–વેપાર : જિલ્લામાં લોહ, મૅંગેનીઝ, ચીની માટી, કુંભારની માટી તેમજ ગ્રૅફાઇટ અને અબરખનું ઉત્પાદન લેવાય છે. જિલ્લાનો વેપાર ખેતી પર આધારિત છે. જિલ્લામાં રાચરચીલું, સ્ટેનલેસ સ્ટીલની અને પાષાણની ચીજવસ્તુઓ, ચોખા, નળિયાં, હાથસાળનું કાપડ વગેરેનું ઉત્પાદન લેવાય છે. ચોખા, લાકડાં, વન્ય પેદાશો, આમલીની નિકાસ તથા મકાન-બાંધકામની સામગ્રી, કરિયાણું, ખાંડ, કઠોળ, ખાદ્યતેલ, કાપડ, મીઠું, સ્ટીલ પ્લેટ જેવી વસ્તુઓની આયાત કરવામાં આવે છે.
પરિવહન : હાવરા-ચેન્નાઈ રેલમાર્ગને જોડતો 160 કિમી. લંબાઈનો એક રેલફાંટો મધ્યપ્રદેશના બેલાડિલાથી કોટાવાલ્સા સુધી આવેલો છે. કોરાપુટ શહેર આંધ્રના વિઝિયાનાગ્રામ રેલમથક સાથે સડકમાર્ગથી જોડાયેલું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં 43નો એક ફાંટો જિલ્લામાંથી પસાર થાય છે, જે જયપોર – વિઝિયાનાગ્રામને જોડે છે. જિલ્લાનાં ગામડાંમાં રિક્ષા, ટ્રક, ગાડાંની સુવિધા પણ ઉપલબ્ધ છે. જિલ્લાને રાજ્ય પરિવહન નિગમની બસસેવા પણ મળે છે. જયપોર નજીક એક હવાઈપટ્ટી આવેલી છે.
પ્રવાસન : કોરાપુટ, જયપોર, બોઇપાડીગુડા, નંદાપુર ગુપ્તેશ્વર ગુફા, દુદુમા અને બાગરા અહીંનાં જોવાલાયક સ્થળો છે. વારતહેવારે જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોમાં મેળા ભરાય છે અને ઉત્સવો ઊજવાય છે.
વસ્તી : 2024 મુજબ જિલ્લાની વસ્તી આશરે 16.13 લાખ જ્યારે શહેરની વસ્તી 64,000 જેટલી છે. લોકો હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓ વિશેષ છે; 25% વસ્તી શિક્ષિત છે. જિલ્લામાં કોરાપુટ, જયપોર, ગુનુપુર, કોરપાડ, મલકાનગિરિ, નવરંગપુર અને ઉમરકોટ ખાતે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. કોરાપુટ, જયપોર, કોરપાડ અને સુનાબેડા ખાતે હૉસ્પિટલ, ચિકિત્સાલય; કુટુંબનિયોજન-કેન્દ્રો તથા સ્વાસ્થ્ય-કેન્દ્રોની સુવિધા ઊભી કરવામાં આવેલી છે.
ગિરીશભાઈ પંડ્યા