કોરસ : ગાયકવૃંદ અને વૃંદગીત. પ્રાચીન ગ્રીક નાટકનું એક અનિવાર્ય, અવિભાજ્ય અંગ. ઈ. પૂ. પાંચમો સૈકો ઍથેન્સ જેવાં નગરરાજ્યોનો સુવર્ણકાળ હતો. સમૃદ્ધિના દેવ ડાયોનિસસના માનમાં નાટકો ભજવાતાં. દેવસ્તુતિમાંથી ગાયન અને પછી સંવાદ એ ક્રમે ગ્રીક નાટક વિકસ્યું છે. ઇસ્કિલસ, સૉફોક્લીઝ અને યુરિપિડીઝ જેવા ગ્રીક નાટકકારો વાસ્તવિકતા માટે સ્થળ, સમય અને કાર્યની એકતા જાળવતા. પ્રેક્ષકોને આગળની બની ગયેલી ઘટનાઓ અને પછીથી બનનારી ઘટનાઓ વચ્ચે અનુસંધાન કરી આપવાનું કામ કોરસ કરતું; પરંતુ તે મુખ્ય પાત્રોથી જુદું તરી આવતું. બે પ્રસંગ વચ્ચે બનેલી બીનાનું વર્ણન કરવા ઉપરાંત પાત્રની ભૂલ કે તેની નીતિમત્તા ઉપર વિવેચન કરવામાં પણ કોરસનો ઉપયોગ થતો. કોરસ વૃદ્ધોનું વૃંદ હોય, બાળાઓનું વૃંદ હોય, બાળકોનું વૃંદ હોય, ગૃહકાર્ય કરતી પરિચારિકાઓનું વૃંદ પણ હોય. આ વૃંદ સામસામાં ઊભાં રહીને કોરસનાં ગીત ગાતાં. ગીતનો પહેલો ભાગ સ્ટ્રોફી કહેવાતો. સામું વૃંદ તેનો જવાબ આપતું. તે ભાગ ઍન્ટિસ્ટ્રોફી કહેવાતો. ત્યાર બાદ ઇપોડમાં બંને વૃંદ સાથે ગાતાં. ઓપન ઍર થિયેટરમાં વચ્ચેની ખુલ્લી જગામાં કોરસ ગવાતું.
દરેક નાટકમાં કોરસ હોય જ, પણ તેમાં સંખ્યા જુદી જુદી રહેતી. ગ્રીક ટ્રૅજેડીમાં 50 જણ ગાતા. પછી છઠ્ઠા સૈકામાં થેસ્પિસ કોરસમાં સંવાદ લાવ્યો. સૉફોક્લીઝમાં કોરસ 15નું અને ઍરિસ્ટોફનીઝ જેવાની કૉમેડીમાં તે સંખ્યા 24ની થઈ. વચ્ચે ગીતો પણ આવ્યાં. સમૂહમાં ગીત દ્વારા વર્ણન અને વિવરણ પણ થતાં. તેમાં નૃત્ય અને મુખપાઠ પણ રહેતાં. સ્ત્રીનું પાત્ર પણ પુરુષો જ ભજવતા.
કોરસ ગ્રીક નાટકના વિકાસ સાથે જ વિકસેલું તેનું અંગ છે. ઇસ્કિલસનાં નાટકોમાં તો ઘણી વાર નાટકનો અડધોઅડધ ભાગ કોરસનાં ગીતોનો હતો. તેમાં સંગીત પણ હતું. શ્રીમંતો પેટ્રન બનતા અને કોરસનું ખર્ચ ભોગવતા. એવા શ્રેષ્ઠીઓ કોરસ ઉપરથી કોરીગન કહેવાતા. પુરાણા ઍથેન્સમાં તે નટ-નાટ્યકાર અને સંગીતકાર પાસે નાટકો તૈયાર કરાવતા. સૉફોક્લીઝનાં નાટકોમાં કોરસનો ઉપયોગ સંગીત ઉપરાંત પાત્ર સાથે સંવાદ તથા નાટ્યવસ્તુના વિકાસ અને પ્રસંગવિવેચન માટે પણ થતો. ત્યાર બાદ યુરિપિડીઝનાં નાટકોમાં કોરસ મુખ્ય નાટકથી જુદું પડી ગયું અને તેનું મહત્વ પણ ઘટવા લાગ્યું.
સૉફોક્લીઝના નાટક ઇડિપસ ટાયરેનસ અને ઍન્ટિગનીમાં કોરસ એક અવિભાજ્ય નાટ્યાંગ છે. ઍન્ટિગનીનું કોરસ થીબ્ઝના વૃદ્ધ નગરજનોનું છે. તેઓ યુવાન આદર્શવાદી બહેનને તેના માસા ક્રિયોનની રાજાજ્ઞાનું ઉલ્લંઘન ન કરવાનું સમજાવે છે.
કોરસના ગીતનું વસ્તુ નાટ્યવસ્તુને સુસંગત રહેતું. કોરસ રાજા ઇડિપસનાં દેવ ઝ્યૂસનાં અને દેવી એથિનીનાં સ્તુતિકાવ્યો ગાતું. કાવ્ય અને સંગીત તરીકે આનંદદાયક આ ગીતો ટ્રૅજેડીના ગંભીર વાતાવરણને સંગીતમય શાંતિ બક્ષતાં. કરુણ પાત્રો વિધિનિર્મિત સીમા સામે આક્રોશ બતાવે, જ્યારે કોરસમાં ભય, આશા અને નગરજનોની ટીકા-ટિપ્પણી રજૂ થતાં. કોરસ એક રીતે નિષ્ક્રિય છે, નટ સક્રિય છે. નટનું મહત્વ વધ્યું એટલે કોરસનું ઘટ્યું. એલિઝાબેથના સમયમાં કોરસ એટલે એક નટ પૂર્વરંગ(prologue)માં અને એક અંત્યભાગ- (epilogue)માં. માર્લોના ‘ડૉક્ટર ફાઉસ્ટ’માં એ પ્રમાણે છે. આધુનિક નાટકમાં સમૂહ કોરસ ટી. એસ. એલિયટના ‘મર્ડર ઇન ધ કેથીડ્રલ’માં છે.
મોટે ભાગે સ્ત્રીસમૂહ દ્વારા ગવાયેલું હાવભાવ સાથેનું ગીત જે ઓગણીસમી સદીના યુરોપમાં – ખાસ કરીને પૅરિસના મૂલાંરૂઝ જેવા આનંદપ્રમોદના સ્થળે પ્રેક્ષકો માટે યુવાન સ્ત્રીઓ દ્વારા તેવાં ગીતો ગવાતાં. જેમાં શાહમૃગનાં રંગેલાં પીછાં પહેરી, પગ ઉલાળીને હાવભાવ સાથે જિન્સી વૃત્તિને ઉશ્કેરે તેવાં ગીતો હતાં. આ પ્રકારનું મનોરંજન ઇંગ્લૅન્ડમાં ફરતી નાટક કંપનીઓનાં સરઘસોમાં અને અમેરિકાનાં મોટાં શહેરોમાં પ્રચલિત બનેલ છે. ઘણા દિલફેંક યુવાનો કે પૈસાદાર વૃદ્ધો કોરસ કન્યાઓના પ્રેમમાં ગાંડા થઈ જતા. ગીતો લિરિક પ્રકારનાં અને મોટા ભાગે પ્રેમનાં રહેતાં.
કોરસના પ્રકારનાં ગીતો સંસ્કૃત નાટકોમાં, રંગભૂમિનાં લોકપ્રિય નાટકોમાં તેમજ ગુજરાતી સાહિત્યમાં વિશેષ રીતે કવિ ન્હાનાલાલનાં નાટકોમાં મળે છે. અર્વાચીન નાટકમાં નર્તકો અને ગાયકોનો સમૂહ નૃત્યનાટિકા કે ઑપેરામાં એવી જ કામગીરી બજાવે છે. એ રીતે તે સંગીત અને નૃત્ય સાથેનો નાટ્ય અભિનય કહી શકાય. ક્યારેક તો ધ્રુવપંક્તિ ગાયક સાથે પ્રેક્ષકો કે અન્ય નટો પણ ગાતા હોય છે.
રજનીકાન્ત પંચોલી