કોરન્ડમ : રત્ન તેમજ ઘર્ષક તરીકે વપરાતું ખનિજ. રા. બં. Al2O3; સ્ફ. વ. હેક્ઝાગોનલ; સ્વ. વિવિધ પિરામિડ અને બેઝલ પિનેકોઇડ સ્વરૂપોથી બંધાયેલા પીપ આકારના સ્ફટિક, દળદાર, દાણાદાર; રં. રાખોડી, વાદળી, લાલ, પીળો, કથ્થાઈ, લીલો, નારંગી, જાંબલી કે રંગવિહીન; ચ. કાચમય, હીરક, ક્વચિત્ મૌક્તિક, કે ઝાંખો; સં. -; ભં.સ. વલયાકાર કે ખરબચડી; ચૂ. રંગવિહીન; ક. 9; વિ.ઘ. 3.9-4.1; પ્ર. અચ. (અ) વક્રી – w = 1.7653 – 1.7760; e = 1.7573 – 1.7677. (બ) 2 v = -; પ્ર. સં. એકાક્ષી -ve; પ્રા.સ્થિ. વિવિધ પ્રકારમાં મળી આવે છે. જળકૃત-શેઇલ ખડકની સંસર્ગવિકૃતિને કારણે ઉત્પન્ન થાય છે; શિરાઓ અને સંકેન્દ્રણો તરીકે પેરિડોટાઇટ ખડકમાં મળી આવે છે, જે પશ્ચિમ યુ.એસ.ના એપેલેશિયનના પૂર્વ પટ્ટામાં જોવા મળે છે. ભારતમાં સાયનાઇટ અને એનોર્થોસાઇટ જેવા અગ્નિકૃત ખડકોમાં મૂળ ઘટક તરીકે; મ્યાનમારમાં સંસર્ગવિકૃતિજન્ય પેદાશ તરીકે ચૂનાખડકમાં, નદીજન્ય નિક્ષેપોમાં બાષ્પ તરીકે રત્નપ્રકાર કોરન્ડમ એકાકી સ્ફટિક સ્વરૂપે. સ્ફટિકમય ચૂનાખડકમાં, ઍમરી પ્રકારનું કોરન્ડમ સંકેન્દ્રણો તરીકે અગ્નિકૃત ખડકોમાં કે જથ્થા સ્વરૂપે દાણાદાર ચૂનાખડકમાં અને નાઇસ ખડકોમાં રહેલું હોય છે.
કઠિનતામાં હીરાથી તરત જ નીચે તેનો ક્રમ આવતો હોઈ ટકાઉપણાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. લાલ રંગની પારદર્શક જાત માણેક (ruby) તરીકે અને નીલ રંગની પારદર્શક જાત નીલમ (sapphire) તરીકે રત્નોમાં ખૂબ જ જાણીતી છે. માણેક-નીલમની પ્રાપ્તિ માટેનાં દુનિયાભરમાં જાણીતાં સ્થાનો મ્યાનમાર, થાઇલૅન્ડ અને શ્રીલંકા છે જ્યાંથી તેના સ્ફટિકો કાંપમય નિક્ષેપોમાંથી મળી રહે છે. આ ઉપરાંત ક્યારેક કાશ્મીર, ચીન, યુરલ પર્વત-પ્રદેશ અને માડાગાસ્કરમાંથી પણ મળી આવે છે.
ઉપયોગ : હીરા પછી કઠિનતાની ર્દષ્ટિએ કોરન્ડમ બીજું સ્થાન ધરાવે છે તેથી વિવિધ સ્વરૂપે અપઘર્ષક તરીકે ઉપયોગમાં લેવાય છે. કોરન્ડમની શુદ્ધ જાતો તેની પારદર્શકતા અને રંગ પ્રમાણે રત્ન તરીકે વપરાય છે અને તેથી રંગ પ્રમાણે જુદાં જુદાં નામ અપાયાં છે. નીલમ-વાદળી; માણેક-લાલ; ઓરિયેન્ટલ ટોપાઝ-પીળો; ઓરિયેન્ટલ એમરલ્ડ-લીલો; ઓરિયેન્ટલ ઍમિથિસ્ટ-જાંબલી.
વ્રિજવિહારી દીનાનાથ દવે
ગિરીશભાઈ પંડ્યા