કોપલૅન્ડ ઍરોન (જ. 14 નવેમ્બર 1900, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 2 ડિસેમ્બર 1990, નોર્થ ટેરીટાઉન, ન્યૂયૉર્ક, યુ. એસ.) : વિખ્યાત અમેરિકન સ્વરનિયોજક. બાળપણમાં સંગીત પ્રત્યે રુચિ પેદા થતાં પિયાનો શીખ્યા, ગીત-વાદ્ય મંડળીના કાર્યક્રમોમાં હાજરી આપતા તથા પ્રસિદ્ધ સંગીતકાર રુબિન ગોલ્ડમાર્ક પાસે સ્વરજ્ઞાન પ્રાપ્ત કર્યું. આઠ વર્ષની ઉંમરે માતાને સંબોધીને ગીતની કેટલીક પંક્તિઓની સ્વરરચના કરી તથા ચૌદ વર્ષની ઉંમરે ‘લોલા’ નામની પ્રથમ રચના સ્વરબદ્ધ કરી.

ઍરોન કોપલૅન્ડ

પૅરિસમાં વિખ્યાત સ્વરરચના-શિક્ષક નાદિયા બોલઁજર પાસેથી સ્વરગુણદર્શન (appreciation-ship)ની તાલીમ લીધી (1921-24). 1924માં સ્વદેશ પાછા આવ્યા બાદ, સ્વતંત્રપણે સ્વરરચના શરૂ કરી અને નામના મેળવી. યુરોપની સંગીતશૈલીને તેમણે વિશિષ્ટ અમેરિકન સ્વરભારથી નવો ઓપ આપ્યો, જે માટે તેમની અત્યંત ચોકસાઈપૂર્વકની સ્વરરચના, સુગમ શૈલી તથા અમેરિકાના સંગીતરસિકોની અપેક્ષાઓની જાણકારી કારણભૂત છે.

ચલચિત્રજગતમાં સંગીતદિગ્દર્શક તથા સ્વરરચનાકાર તરીકે તેમણે હૉલીવુડ માટે નવાં ધોરણો તથા નવી પદ્ધતિ પ્રસ્થાપિત કરી હતી. 1940 પછીના ગાળામાં અમેરિકાના પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત વિશેની રુચિ સંસ્કારાઈ તેનો જશ લિયોનાર્ડ બર્નસ્ટેન સાથે કોપલૅન્ડને ફાળે પણ જાય છે. તેથી જ તે વીસમી સદીના સૌથી પ્રતિભાસંપન્ન સંગીતકાર ગણાયા.

1945માં તેમને પુલિત્ઝર પારિતોષિક, 1950માં ‘The Hairess’ ચલચિત્રના સંગીત-દિગ્દર્શન માટે ઑસ્કાર એવૉર્ડ તથા 1964માં ‘પ્રેસિડેન્શિયલ મેડલ ઑવ્ ફ્રીડમ’ એનાયત કરવામાં આવ્યા હતા.

તેમની જાણીતી સ્વરચનાઓમાં ‘બિલી ધ કિડ’ તથા ‘અપેલેચિયન સ્પ્રિંગ’ નૃત્યનાટિકાઓ, ‘લિંકન પૉર્ટ્રેઇટ’ તથા ‘ફનફેર ફૉર ધ કૉમન મૅન’ સંગીતરચનાઓ વિશેષ લોકપ્રિય છે.

તેમની 85મી વર્ષગાંઠ નિમિત્તે ટગલવુડ મ્યુઝિક સેન્ટર દ્વારા મૅસેચુસેટ્સ રાજ્યના ટગલવુડ ખાતે એક ભવ્ય સંગીત સમારોહ યોજવામાં આવ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે