કોનેક્ટિકટ (કનેક્ટિકટ) : અમેરિકન સંઘરાજ્યનાં મૂળ 13 રાજ્યો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : 41o 45′ ઉ.અ. અને 72o 45′ પ.રે.. દેશના ઈશાન કોણમાં તે આવેલું છે. રાજ્યના મૂળ આદિવાસી રહેવાસીઓની ભાષાના Quinnehtukqut શબ્દ પરથી તેનું નામ પાડવામાં આવ્યું છે. તેની ઉત્તરે મૅસેચૂસેટ્સ, પૂર્વે ર્હોડ આઇલૅન્ડ, દક્ષિણે લૉંગ આઇલૅન્ડ સાઉન્ડ તથા પશ્ચિમે ન્યૂયૉર્ક આવેલાં છે. ઍન્ડ્રિયન બ્લૉક નામના ડચ અન્વેષકે 1614માં તેની શોધ કરી હતી અને 1630માં ત્યાં ગોરાઓની પ્રથમ વસાહત ઊભી કરવામાં આવી હતી. તેને 1788માં રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. તેનો કુલ વિસ્તાર 12,547 કિમી. છે જેમાંનાં 380 કિમી. જેટલા વિસ્તારમાં અનેક જળાશયો છે. તેની મોટા ભાગની નદીઓ તથા ઝરણાં ઉત્તર દક્ષિણ વહે છે. તેની મુખ્ય નદીઓમાં હૂસટૉનિક. કોનેક્ટિકટ તથા ટેમ્સ ઉલ્લેખનીય છે. ફાર્મિંગ્ટન એ કોનેક્ટિકટ નદીની મુખ્ય ઉપનદી છે. રાજ્યનો ભરતીવાળો કિનારો 994 કિમી. જેટલો લાંબો છે. તેની વસ્તીની ગીચતા પ્રતિ કિમી. 240 છે. હાર્ટફર્ડ એ રાજ્યનું પાટનગર છે. તેની વસ્તી 1,20,734 (2024) છે.
રાજ્યના ત્રણ પ્રાકૃતિક વિભાગો છે : પશ્ચિમ તરફનો ઉચ્ચ પ્રદેશ, મધ્યવિસ્તારનો ઉચ્ચ પ્રદેશ તથા પૂર્વ તરફનો ઉચ્ચ પ્રદેશ. ત્યાંની આબોહવા મધ્યમ પ્રકારની છે. અહીં જાન્યુઆરીમાં 3.8o સે. અને જુલાઈમાં 23.4o સે. તાપમાન રહે છે. વર્ષે સરેરાશ 1143 મિમી. જેટલો વરસાદ પડે છે. આશરે 65 ટકા જેટલા વિસ્તારમાં જંગલો છે (7,69,000 હેક્ટર), જેમાંથી 49,000 હેક્ટર જેટલાં જંગલો ખાનગી માલિકીનાં છે. પથ્થર, રેતી, કાંકરી, માટી, કાચું લોખંડ, નિકલ અને તાંબું ઓછાવત્તા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
અર્થતંત્રમાં ખેતી કરતાં ઉદ્યોગોનો વધુ વિકાસ થયેલો છે. તેમાં સબમરીન, વિમાનો અને તેનાં ઉપકરણો તથા હેલિકૉપ્ટર બનાવવાનાં કારખાનાંનો સારો વિકાસ થયેલો છે. દેશમાં વીમા-વ્યવસાયમાં રોકાયેલી ઘણી કંપનીઓની મુખ્ય કચેરીઓ આ રાજ્યમાં આવેલી છે. રાજ્યની માથાદીઠ આવક 14,826 ડૉલર છે અને તે બાબતમાં ઘટક રાજ્યોમાં આ રાજ્યનો ક્રમ બીજો છે. રાજ્યમાં શિક્ષણનો ઘણો પ્રસાર થયો છે. આ રાજ્ય નાનું હોવા છતાં ત્યાં ઉચ્ચ શિક્ષણની 47 સંસ્થાઓ છે. વિખ્યાત યેલ યુનિવર્સિટી આ રાજ્યમાં આવેલી છે. આ પ્રદેશની પ્રજાએ ગુલામીની પ્રથાનો વિરોધ કર્યો હતો.
પર્યટકો માટે હેન્રી વ્હાઇટફીલ્ડ હાઉસ (1639), ઓલ્ડ સ્ટેટ હાઉસ (1706), માર્ક ટ્વેન મેમૉરિયલ તથા 230 જેટલાં ઉદ્યાનો અને આમોદપ્રમોદના અન્ય વિસ્તારો છે. રાજ્યની વસ્તી 2023 મુજબ 36,15,499 જેટલી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે