કોટનિસ – દ્વારકાનાથ

January, 2008

કોટનિસ, દ્વારકાનાથ (જ. 10 ઑક્ટોબર 1910, સોલાપુર; અ. 9 ડિસેમ્બર 1942, ગેગૉંગ, ચીન) : ચીન-જાપાન યુદ્ધ દરમિયાન તબીબી સેવાકાર્ય કરી ભારત-ચીન મૈત્રી સંબંધોને ઘનિષ્ઠ કરનાર, વિખ્યાત ભારતીય ડૉક્ટર અને સામાજિક કાર્યકર. શરૂઆતનું શિક્ષણ વતનમાં. પછી મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી 1934માં એમ.બી.બી.એસ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી થોડોક સમય સરકારી નોકરીમાં રહ્યા (1934-36)

દ્વારકાનાથ કોટનિસ

પછી ખાનગી પ્રૅક્ટિસ શરૂ કરી. 1938માં રાષ્ટ્રીય કૉંગ્રેસે ચીન-જાપાન યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર માટે ચીન મોકલેલ ખાસ તબીબી ટુકડીના તે સભ્ય હતા. 1938-42 દરમિયાન સામ્યવાદી વર્ચસ્ હેઠળના ઉત્તર શાંસી તથા હોપી પ્રાંતોમાં જખમી સૈનિકોની સેવા-સારવાર કરી. તેમના આ સાહસિક સેવાકાર્ય માટે ચીન અને ભારતમાં તેમણે ખૂબ પ્રશંસા મેળવી. ચીની સહકાર્યકર્તા ગુઆ કિંગ્લાન સાથે 1941માં તેમણે લગ્ન કર્યાં. તેમના પુત્રનું નામ યિન હુઆ, એટલે કે ઇન્ડિયા-ચાઇના પાડવામાં આવ્યું હતું. તેમના મિશનનું કાર્ય ચીનમાં પૂરું થાય તે પહેલાં જ માત્ર 32 વર્ષની ઉંમરે ચીનમાં જ તેમનું અવસાન થયું હતું.

ચીનમાં તેમણે જે કાર્ય કર્યું તેના પર વિખ્યાત ચલચિત્રનિર્માતા અને દિગ્દર્શક વી. શાંતારામે ‘ડૉ. કોટનિસ કી અમર કહાની’ નામનું કથાચિત્ર હિંદી ભાષામાં તૈયાર કર્યું હતું જે ખૂબ લોકપ્રિય બન્યું હતું. સ્વાધીનતા પછી તેમનાં પત્નીએ પુત્ર સાથે ભારતની મુલાકાત લીધી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે