કોટક, વજુ (જ. 30 જાન્યુઆરી 1915, રાજકોટ; અ. 29 નવેમ્બર 1959, મુંબઈ) : ફેલાવાની ર્દષ્ટિએ ગુજરાતના પ્રથમ નંબરના અને ભારતના ચોથા નંબરના સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના સ્થાપક તથા તંત્રી. પત્રકાર, નવલકથાકાર, વાર્તાકાર અને ગદ્યકાર. તેઓ 1937માં અમદાવાદમાં આવ્યા અને 1939થી મુંબઈમાં સ્થાયી થયા. આર્ટ્સના પ્રથમ વર્ષ સુધી જ શિક્ષણ પામેલા. શૈશવથી તેમને બંસરીવાદનનો શોખ હતો. રાજકોટના ‘જય સૌરાષ્ટ્ર’ નામના સામયિકમાં પ્રથમ વાર કલમ ચલાવી. હિંદી ચલચિત્ર ‘કસૌટી’ના સહદિગ્દર્શક તરીકે એ ક્ષેત્રમાં પદાર્પણ કરીને ‘શતરંજ’ હિંદી અને ‘ગોરખધંધા’ ગુજરાતી ચલચિત્રોનું સ્વતંત્ર દિગ્દર્શન કર્યું. ‘ખિલૌના’, ‘પરીસ્તાન’, ‘પરિવર્તન’, ‘ભલાઈ’, ‘મંગળફેરા’, ‘નણંદભોજાઈ’, ‘ગોરખધંધા’ તેમજ ‘લગ્નમંડપ’ ચલચિત્રોની કથા-પટકથા તથા સંવાદો લખ્યાં. 1946માં ‘ચિત્રપટ’નું તંત્રીપદ સ્વીકાર્યું. જ્યારે ચિત્રપટ છોડ્યું ત્યારે અધૂરી રહી ગયેલી નવલકથા ‘જુવાન હૈયાં’ ‘છાયા’ નામના બીજા સામયિકમાં પ્રગટ કરી અને રાતોરાત તેનું સરક્યુલેશન ખૂબ વધી ગયું ત્યારે કોટકને તેમની કલમનો ચમત્કાર કેવો છે તે સમજાતાં 1950માં પોતાનું સ્વતંત્ર સાપ્તાહિક ‘ચિત્રલેખા’ શરૂ કર્યું. 1951માં ‘બીજ’ નામનું ‘રિડર્સ ડાઇજેસ્ટ’ જેવું એક પણ જાહેરખબર નહીં છાપવાના નિયમને વરેલું ગુજરાતી ડાઇજેસ્ટ અને 1953માં ‘લાઇટ’ નામનું અંગ્રેજી માસિક શરૂ કર્યું. 1958માં માત્ર ફિલ્મોની માહિતી સાથેનું ‘જી’ માસિક શરૂ કર્યું. 1949માં તેઓ ‘ચિત્રલેખા’નાં મધુરીબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1959ના નવેમ્બરની 27મીએ ઑફિસમાં જ હાર્ટએટૅક આવતાં હરકિસન હૉસ્પિટલમાં બે દિવસ રહીને તા. 29મીએ આ દુનિયામાંથી વિદાય લીધી.
તેમણે નવ નવલકથાઓ આપી છે. એમાંની છેલ્લી અધૂરી રહી ગયેલી નવલકથા ‘ડૉ. રોશનલાલ’ કોટકની વિદાય બાદ ‘ચિત્રલેખા’ના હાલના તંત્રીઓમાંના એક શ્રી હરકિસન મહેતાએ પૂરી કરી હતી. ચિત્રલેખાના રજતજયંતીના અવસરે ‘ડૉક્ટર રોશનલાલ’ પરથી ‘હિમઅંગારા’ નાટક પણ ભજવાયું હતું અને તેમાં લાઇટ અને સાઉન્ડ દ્વારા ચાલુ ટ્રેન સ્ટેજ પર બતાવાતાં પ્રેક્ષકોને ખૂબ આશ્ચર્ય થયેલું. તે નાટકના લગભગ 100થી વધુ ખેલ ભજવાયા હતા. તેમની લોકપ્રિય નવલકથા ‘ચૂંદડી અને ચોખા’ પરથી ગુજરાતી ફિલ્મ બની હતી. નૃત્યાંગના ઈસાડોરા ડંકનની આત્મકથાનું ‘રૂપરાણી’ (1941) શીર્ષકથી ગુજરાતી રૂપાંતર તેમણે આપ્યું હતું. તેઓ વધુ લોકપ્રિય થયા તેમની ‘શહેરમાં ફરતાં ફરતાં’ જેવી હળવી અને ‘પ્રભાતનાં પુષ્પો’ નામની ગંભીર ચિંતનાત્મક નિયમિત કટારોને કારણે. તે કટારોના પણ સંગ્રહો થયા છે. ‘પ્રભાતનાં પુષ્પો’ આજે પણ લોકપ્રિય છે. ‘શહેરમાં ફરતાં ફરતાં’ લેખમાળા દૂરદર્શન પર ધારાવાહિક રૂપે 13 એપિસોડમાં રજૂઆત પામી હતી અને ખૂબ જ લોકપ્રિય બની હતી.
એમના મહાન વ્યક્તિત્વ અને સર્જનને બિરદાવવા મુંબઈ મહાનગરપાલિકાએ સિત્તેરના દાયકામાં ફૉર્ટ વિસ્તારમાં કારવાર સ્ટ્રીટને ‘વજુ કોટક માર્ગ’ નામ આપ્યું તો રાજકોટમાં સંત-કથાકાર મોરારિબાપુના વરદ હસ્તે 9 જૂન, 1993ના રોજ ‘વજુ કોટક માર્ગ’નું ઉદઘાટન થયું અને 3 જાન્યુઆરી 1997ના ‘ચિત્રલેખા ચૉક’ ખુલ્લો મુકાયો. અમદાવાદમાં સેટેલાઇટ રોડ વિસ્તારમાં 8 ઑક્ટોબર, 1999ના રોજ મોરારિબાપુના હસ્તે ‘ચિત્રલેખા પાર્ક’નું ઉદઘાટન થયું. ભાવનગરમાં પણ તખ્તેશ્વર મંદિરના રસ્તાને 7 સપ્ટેમ્બર, 2002ના રોજ ‘વજુ કોટક માર્ગ’ નામ આપવામાં આવ્યું છે.
રજનીકુમાર પંડ્યા