કોટક, મધુરી વજુભાઈ (જ. 1 ઑક્ટોબર 1930; અ. 5 જાન્યુઆરી 2023) : સિનેપત્રકાર. ‘જી’નાં તંત્રી. ‘ચિત્રલેખા’ (સ્થાપના : 1950) તથા ‘જી’ (સ્થાપના : 1958) સામયિકોના સ્થાપક સંપાદક વજુભાઈ કોટકનાં પત્ની. પતિની હયાતીમાં આ સામયિકોનાં સંપાદન અને પ્રકાશનકાર્યમાં મર્યાદિત ફાળો આપતાં આ મહિલાએ પતિના અવસાન પછી તે અંગેની સમગ્ર જવાબદારી સંભાળી લીધી હતી; એટલું જ નહીં, પરંતુ તેમને વધુ લોકપ્રિય બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી. 2001માં ‘વજુ કોટક, વ્યક્તિ-પત્રકાર-લેખક’ અને ‘વજુ કોટકનો વૈભવ’ પુસ્તકોનું સંપાદન કર્યું.
‘ચિત્રલેખા’ ગુજરાતી ઉપરાંત મરાઠી ભાષામાં પણ પ્રકાશિત થાય છે. ‘ચિત્રલેખા’ અઠવાડિકની 2,50,000 નકલો વેચાય છે. ‘રામાયણ’ અને ‘મહાભારત’ સીરિયલના વિષય પર આધારિત ફિલ્મ માસિક ‘જી’ વિશેષાંકની 1,40,000 નકલો અને મરાઠી સંસ્કરણની 1,05,000 નકલો વેચાઈ હતી, જે આ ક્ષેત્રમાં એક વિક્રમ ગણાય છે. ‘જી’ના રજતજયંતી અંક માટે 1983માં ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય તરફથી ગુજરાતી પ્રકાશક તરીકેનો પ્રથમ રાજપુરસ્કાર ‘જી’ને અને એ જ અંક માટે ‘ચિત્રલેખા’ને મુદ્રકની શ્રેણીમાં પ્રથમ રાજપુરસ્કાર મળ્યો હતો.
મધુરીબહેનના પત્રકારત્વક્ષેત્રના આ સાહસમાં શરૂઆતમાં જે કેટલાક લેખક મિત્રોનો સાથસહકાર મળ્યો તેમાં કવિ, લેખક અને સિનેપત્રકાર વિજયગુપ્ત મૌર્ય, જિતુભાઈ મહેતા, કવિ વેણીભાઈ પુરોહિત, હરીશ બૂચ તથા નવલકથાકાર હરકિસન મહેતા વિશેષ ઉલ્લેખનીય છે.
ઉષાકાન્ત મહેતા